બ્રિટનની અદાલતમાં વિજય માલ્યા કેસ હારી ગયાઃ આશરે દશ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાના આદેશને રદ કરવાનો ન્યાયાધીશે ઈન્કાર કરી દીધો

0
1137

બ્રિટનની અદાલતમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા આશરે રૂપિયા દશ હજાર કરોડનો કેસ હારી ગયા છે. ભારતની કુલ 13 બેન્કોએ માલ્યા પાસેથી આશરે દશ હજાર કરોડ રૂપિયા વસૂલ કરવા માટે લંડનની અદાલતમાં કેસ  દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી કરતી વેળાએ ન્યાયાધીશ એન્ડ્રુ હેનશાને માલ્યાની સંપત્તિ જપ્ત કરવાના વૈશ્વિક આદેશને રદ કરવાનો ઈન્કાર કર્યો હતો. લંડનની અદાલતે ભારતની અદાલતે આપેલા હુકમને યોગ્ય ગણાવ્યો હતો. અદાલતે કહ્યું હતું  કે, ભારતની બેન્કે માલ્યા પાસેથી લેણી રકમ વસૂલ કરવા માટે તેની સંપત્તિ જપ્ત કરવાનો આપેલો હુકમ બરાબર છે. હવે માલ્યાની ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતેની મિલ્કત વેચવાનો અધિકાર ભારતની બેન્કોને પ્રાપ્ત થયો છે. હવે બેન્કો આ મિલ્કતને વેચવાનો કાનૂની અધિકાર ધરાવે છે. માત્ર ભારતમાં જ નહિ, વિદેશમાં આવેલી માલ્યાની સ્થાવર સંપત્તિને પણ ભારતની બેન્કો જપ્ત કરી શકે છે. હવે માલ્યા તેમની આ મિલકતો કોઈને વેચી નહિ શકે  કે અન્ય પ્રકારે એનો સોદો પણ નહિ કરી શકે. વિજય માલ્યા પોતાના નામે રહેલી મિલકતો કોઈના નામે ટ્રાન્સફર પણ નહિ કરી શકે. આ ફેંસલા સામે અપીલ કરવા બાબત પરવાનગી આપવાની પણ ન્યાયાધીશે ના પાડી દીધી હતી. હવે માલ્યાએ અપીલ માટે ન્યાયાલયમાં પિટિશન દાખલ કરવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here