બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો સમય આવે છે

0
1208

(ગતાંકથી ચાલુ)
આમ મદાલસાએ દેવતાઓ અને પશુપંખીનાં ઉદાહરણો આપીને અલર્કને રાજધર્મનું જ્ઞાન આપ્યું. પછી વર્ણાશ્રમ ધર્મનો ઉપદેશ કર્યોઃ ‘સનાતન કાળથી ચાર વર્ણની મર્યાદા શાસ્ત્રોએ બાંધી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તેમાંથી બ્રાહ્મણો માટે યજ્ઞ કરવા, અધ્યયન કરવું અને વિદ્યાદાન આપવું એ ત્રણ ધર્મ મુખ્ય છે. આપત્તિના સમય સિવાય તેના માટે ચોથો કોઈ ધર્મ નથી. તેની આજીવિકાના સાધન તરીકે યજ્ઞ કરાવવાની, અધ્યયન કરાવવાની અને દાન લેવાની તેને છૂટ અપાઈ છે. ક્ષત્રિયને માટે પણ યજ્ઞ કરવા, અધ્યયન કરવું અને દાન દેવું એ ત્રણ મુખ્ય ધર્મ છે. પૃથ્વીનું રક્ષણ અને શત્રુ સાથે યુદ્ધ કરવાનાં કાર્યોમાં તેની આજીવિકા સમાયેલી છે. વૈશ્યોએ પણ દાન કરવું, યજ્ઞ કરવા અને અધ્યયન કરવું એ ત્રણ મુખ્ય ધર્મ છે. વેપાર-વાણિજ્ય, પશુપાલન અને ખેતી એ ત્રણ તેની આજીવિકાનાં સાધનો છે. શૂદ્રને માટે પણ દાન આપવું અને ત્રણ વર્ણની સેવા કરવી એ ધર્મો છે. તેની આજીવિકા સેવાકાર્યમાંથી અને ક્રયવિક્રયમાં રહેલી છે.’
એ જ રીતે આશ્રમ ધર્મોનો ઉપદેશ કર્યોઃ ‘હે પુત્ર, દ્વિજ બાળકના જ્યાં સુધી ઉપનયન સંસ્કાર થયા નથી ત્યાં સુધી તે બાળક તેને ગમે તે રીતે બોલે, વર્તે અગર આહાર કરે તો તેમાં દોષ નથી, પણ ઉપનયન સંસ્કાર થયા પછી બાળક બ્રહ્મચારી બને છે એટલે તેણે ગુરુના આશ્રમે વસવું જોઈએ… ગુરુને ત્યાં રહીને બ્રહ્મચારી બટુકે ગુરુ પાસેથી વેદાધ્યયન શીખવું અને ગુરુની આજ્ઞામાં રહેવું. સ્નાન-સંધ્યા કરી, સ્વાધ્યાય અને અગ્નિપૂજન કર્યા પછી ભિક્ષાટન માટે જવું. જે ભિક્ષા પ્રાપ્ત થાય તે ગુરુને સોંપવી. પછી તેમની આજ્ઞા અનુસાર આહાર કરવો. અધ્યયન પૂર્ણ થાય ત્યારે ગુરુની પ્રીતિ માટે તેમને ઉત્તમ પ્રકારની દક્ષિણા આપવી. અને ગુરુની આજ્ઞા લઈને ઘેર જવું…’
‘બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો સમય આવે છે. એ વખતે મનુષ્યે પોતાના ગોત્ર-પ્રવરથી ભિન્ન ગોત્ર-પ્રવરવાળા કુટુંબની સુંદર, નીરોગી અને સુશીલ કન્યા સાથે લગ્ન કરવાં. પુરુષાર્થ કરી આજીવિકા મેળવવી અને પોતાના ત્રણ ધર્મ પૂર્ણ કરવા. ગૃહસ્થીએ નિત્ય પિતૃ, દેવ અને અતિથિનું પૂજન કરી તેમને તૃપ્ત કરવા. સગાં, સ્નેહી, સહોદર અને આરશ્રતજનોનું પોષણ કરવું. સેવકવર્ગ, યાક, પશુ, પક્ષી વગેરેને પણ પોતાની શકિત પ્રમાણે સંતોષવાં. જ્યારે પોતાનો પુત્ર પિતા બને ત્યારે ગૃહસ્થે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવો. ઘરનો ત્યાગ કરીને વનમાં જઈને રહેવું. કંદમૂળનો આહાર કરીને શરીરને નિયમમાં રાખવું. ભૂમિ પર શયન કરવું. ત્રિકાળ સ્નાન કરવું. વલ્કલ અને જટા ધારણ કરવાં, મૌનવ્રત પાળવું. આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરવા. એ પછી સંન્યાસાશ્રમમાં પ્રવેશ કરવો. સર્વ ઉપાધિઓનો ત્યાગ કરવો. ઇન્દ્રિય નિગ્રહ કરવો. મિથ્યા કર્મ કરવાં નહિ. ભિક્ષા માગી એક વખત ખાવું. સંન્યાસીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા નિત્ય ચિંતન કરતા રહેવું. ચારેય આશ્રમ માટે સત્ય, અહિંસા, અનસૂયા, ક્ષમા, દયા, ઉદારતા અને સંતોષ એ આઠ સામાન્ય ધર્મ ગણાય છે. આ ધર્મોનું દરેકે નિત્ય પાલન કરવું જોઈએ.’
મદાલસાએ ત્યાર પછી અલર્કને શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધકાર્યનાં દ્રવ્યો, આચાર ધર્મ, સદાચાર સંહિતા, દેવપૂજન, દ્રવ્યશુદ્ધિ, સ્ત્રીધર્મો અને જે મનુષ્યનું અન્ન ખાવા યોગ્ય ન ગણાય તે અંગેનું જ્ઞાન આપ્યું. આમ માતા મદાલસાએ પુત્ર અલર્કને રાજકાજ માટે તૈયાર કર્યો, પણ એ જ મદાલસાએ પ્રથમ ત્રણ પુત્ર વિક્રાંત, સુબાહુ અને શત્રુમર્દનને આત્મજ્ઞાન આપ્યુંઃ ‘લાંબે કાળે તારો આ દેહ નાશ પામશે. શુભાશુભ કર્મોથી આ મનુષ્ય દેહરૂપી વસ્ત્ર તને પ્રાપ્ત થયું છે. બાકી આમાં શું તારું છે કે શું અન્યનું છે? આ તો બધો પંચભૂતોનો પ્રભાવ છે. માટે તું તેમાં રાગ ન રાખતો. માત્ર મૂઢ મનુષ્ય જ દેહના સુખદુઃખને પોતાના માની બેસે છે. તું ધર્મ, અધર્મ, સત્ય, અસત્ય એ સર્વનો ત્યાગ કર. જે મનુષ્યો આખરે તને તજી દેવાના છે તેનો તું અત્યારથી જ ત્યાગ કર…’ મદાલસા આ પ્રકારે નિત્ય બોધ આપતી. પુત્રો જેમ જેમ સમજણા થતા ગયા તેમ તેમ માતાનાં જ્ઞાનવચનોને હૃદયમાં ઉતારતા ગયા. તેમને આત્મબોધ થયો. અને ત્રણેય સંસારથી વિરકત થઈ ગયા.
માર્કંડેય પુરાણની મદાલસાની જેમ મેનાવતીએ પણ પોતાના પુત્રને આત્મજ્ઞાન કરાવ્યું. મેનાવતીએ ગોપીચંદને કહ્યુંઃ ‘તારી સોના જેવી ચમકતી કાયા જોઈને મને તારા પિતા યાદ આવ્યા. તારા જેટલી જ વયે તેમની કાયા કંચનવર્ણી હતી, પણ તે માટીમાં મળી ગઈ. શું આ તારી કાયા પણ બળીને ખાખ થવા નિર્માણ થઈ હશે? આ કાયા માટીમાં મળી જાય તે પહેલાં તેમાં જે અમર એવો આત્મા રહેલો છે તેને ઓળખી લે.’ અને ગોપીચંદે આત્માને ઓળખ્યો.
મદાલસા અને મેનાવતી જેવી પૌરાણિક માતાની જેમ પુરાણકાળના પિતા પણ પુત્રીને શિક્ષણ આપતા. પદ્મપુરાણમાં મૃત્યુદેવે અકારણ બીજાને માર મારતી પુત્રી સુનીથાને આ બોધ આપ્યોઃ ‘કોઈને વિના અપરાધે મારવાથી પાપ લાગે છે. એમાં સંશય નથી. જે માણસ પોતાને મારનારને સામેથી મારે છે અને ગાળો દેનાર કે ધિક્કારનારને સામેથી ગાળો દે છે કે ધિક્કારે છે તે પોતાને મારનારના કે ધિક્કારનારના પાપને મેળવે છે. એટલે સ વૌ શાન્તો જિતાત્મ ચ તાડ્યન્તં ન તાડયેત્… અર્થાત્ એ જ માણસ ખરો શાંત તથા જિતેન્દ્રિય છે જે પોતાને મારનારને સામેથી મારે નહિ. જે મનુષ્ય મોહના કારણે નિર્દોષને મારે છે તેને પાપ લાગે છે. માટે હવે તું પુણ્ય કરવા માંડ… સત્પુરુષોનો સંગ કર. પાપી વર્તનમાં પરિવર્તન કર. યોગયુકત ધ્યાનથી તથા જ્ઞાનથી તું તારું જીવન બદલ. સજ્જનોનો સંગ પવિત્ર હોવાથી વધુ કલ્યાણકારી છે. સજ્જનોના સંગનો જે ગુણ છે તેનું ઉત્તમ દષ્ટાંત જો પાણીના સ્પર્શથી, પાણી પીવાથી તથા તેમાં સ્નાન કરવાથી બહારથી તથા અંદરથી નિર્મળ થયેલા મુનિઓ સિદ્ધિને પામે છે. જળના સેવનથી આયુષ્ય લાંબું થાય છે. પાણી શાંત, શીતળ, સર્વનું પ્રિય કરનાર, નિર્મળ, રસયુકત અને સર્વના મેલનો નાશ કરનાર છે. તેવા જ પ્રકારના સત્પુરુષોને તારે જાણવા જોઈએ. અને કાળજીથી તેમનું નિરંતર સેવન કરવું જોઈએ. જેમ અગ્નિનો સંગ થવાથી સોનું મેલ ત્યજી દે છે તેમ સત્પુરુષોનો સંગ કરવાથી મનુષ્યનાં પાપ દૂર થાય છે. જેમ અગ્નિ ખૂબ સેવવાથી પ્રદીપ્ત થઈ પોતાના પવિત્ર તેજ વડે એકદમ સળગી ઊઠે છે તેમ સાચા જ્ઞાનથી અત્યંત નિર્મળ બનેલો મનુષ્ય પણ તેજસ્વી અને પ્રકાશમાન થાય છે. તપસ્વીમાં રહેલા સત્યનો સંગ કરવાથી અને તેના સેવનથી મનુષ્યનાં બધાં પાપ વિનાશ પામે છે. એ કારણે તારે પણ સત્યનો જ સંસર્ગ કરવો.’ (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here