બોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવી

0
1501
Veteran actress Sridevi, who passed away after suffering a cardiac arrest, she was in Dubai for a family function. She was 54. (File Photo: IANS )

બોલીવુડની ચાંદની એકાએક વિલાઈ ગઈ. પોતાના કરોડો ચાહકો અને પ્રશંસકોને આઘાત આપી બોલીવુડની સૌપ્રથમ સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવી 54 વર્ષની વયે મૃત્યુ પામી. આંખના ઉલાળા સાથે શરીરને અજબ ઝાટકો આપી લોકપ્રિય થયેલી શ્રીદેવીએ તામિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં રાજ કર્યું હતું.

અભિનય કરવા માટે સૌથી વધુ નાણાં મેળવવાનો વિક્રમ શ્રીદેવીએ રચ્યો હતો. જ્યારે હિન્દી ફિલ્મોમાં અભિનેત્રીઓને ખાસ કંઈ મહત્ત્વ આપવામાં આવતું નહોતું અને તેમને ભાગે ઝાડની આજુબાજુ અભિનેતાઓ સાથે રોમેન્ટિક ગીતો ગાવાનો જ વારો આવતો હતો ત્યારે શ્રીદેવીએ ડાન્સની નવી સ્ટાઇલ અપનાવી હતી. શ્રીદેવીમાં ભરપૂર અભિનયશક્તિ હતી અને એટલે તે દરેક ભૂમિકામાં ફિટ બેસતી હતી. ચાહકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો એટલે તે ભારતની સૌપ્રથમ મહિલા સુપરસ્ટાર બની.
અભિનેત્રીઓમાં શ્રીદેવીએ સતત હિટ ફિલ્મો આપીને આ ખિતાબ મેળવ્યો હતો. સન 1980ના દાયકામાં શ્રીદેવીનો એટલો બધો દબદબો હતો કે તેણે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની સરખી ફીની બિન્દાસ માગણી કરી હતી, કારણ કે શ્રીદેવીને ખબર હતી કે દર્શકો પોતાને જોવા માટે જ સિનેમાહોલમાં આવે છે.

લેડી બચ્ચન તરીકે જાણીતી શ્રીદેવીએ 300થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો છે. યશ ચોપરાની ફિલ્મ ‘ચાંદની’ તેની કેરિયરની શ્રેષ્ઠ ફિલ્મ છે, જેણે તેને બોલીવુડની મેગાસ્ટારની કેટેગરીમાં મૂકી દીધી હતી.

શ્રીદેવી કપૂરના નામથી જાણીતી શ્રીદેવી બોલીવુડની મશહૂર અદાકારા હતી. પોતાની વર્સેટિલિટી અને હિન્દી ફિલ્મોની બહેતરીન અભિનેત્રી તરીકે જાણીતી શ્રીદેવીએ પોતાની કેરિયરની શરૂઆત ફિલ્મ ‘સોલવાં સાવન’થી 1979માં કરી હતી, પરંતુ તેને બોલીવુડમાં અલગ લોકપ્રિયતા ફિલ્મ ‘હિમ્મતવાલા’થી મળી હતી. આ ફિલ્મ પછી તે હિન્દી સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રીઓની હરોળમાં સામેલ થઈ ગઈ હતી. અભિનેત્રી તરીકે તેની પ્રથમ ફિલ્મ ‘સોલવા સાવન’ આવી હતી, પરંતુ તે અગાઉ સાઉથની જ સ્ટાર લક્ષ્મીને ચમકાવતી બોલીવુડની સુપરહિટ ફિલ્મ ‘જુલી’માં તેણે લક્ષ્મીની નાની બહેનની ભૂમિકા અદા કરી હતી.

શ્રીદેવીએ પોતાની કેરિયરમાં અસંખ્ય ફિલ્મોમાં અભિનય આપ્યો. તેણે મુખ્ય પ્રવાહના સિનેમા ઉપરાંત કેટલીક આર્ટ ફિલ્મોમાં પણ અભિનય આપ્યો. તેને ત્રણ વાર ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેની કેરિયરનો ગ્રાફ ઘણી વાર નીચો આવ્યો, પરંતુ તેમાંથી પોતાની જાતને ઉગારી લીધી અને સ્ટેટસ જાળવી રાખવા માટે પોતાની ક્ષમતાથી બધાનું દિલ જીતી લીધું હતું.
શ્રીદેવીની તેની કેરિયર દરમિયાન તેની ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મને સ્ટારડસ્ટ, ઝી સિને એવોર્ડ, સ્ટાર ગિલ્ડ, આઇફા, બિગ સ્ટાર એવોર્ડ મળ્યા હતા. 2013માં ભારત સરકારે શ્રીદેવીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરી હતી.

શ્રીદેવીનો જન્મ 13મી ઓગસ્ટ, 1963ના રોજ તામિલનાડુમાં થયો હતો. તેના પિતા અયપ્પન વકીલ છે. તેની માતા રાજેશ્વરી છે. તેની એક બહેન અને બે સાવકા ભાઈ છે. બહેનનું નામ શ્રીલતા અને ભાઈઓનાં નામ આનંદ અને સતીશ છે.
શિવાકાશીમાં જન્મેલી શ્રીદેવીનું મૂળ નામ શ્રી અમ્મા યંગર અયપ્પન હતું. ચાર વર્ષની વયે તામિલ ફિલ્મમાં ભગવાન મુરુગનની ભૂમિકા ભજવનાર શ્રીદેવી પર ભગવાનની એવી કૃપા વરસી કે તે સાઉથની જ નહિ, બોલીવુડની સુપરસ્ટાર બની ગઈ. શ્રીદેવીને મલયાલમ ફિલ્મ ‘પુમબત્તા’ (1971) માટે કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તેણે તામિલ, તેલુગુ, મલયાલમ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો, જેના માટે તેને અસંખ્ય એવોર્ડથી નવાજવામાં આવી હતી. તામિલ ફિલ્મોમાં 13 વર્ષની વયે ‘મુંદરુ મુડિસુ’માં મુખ્ય ભૂમિકા ભજવનાર શ્રીદેવીએ અભિનયક્ષેત્રે 50 વર્ષ પૂર્ણ કર્યા હતા. તેની છેલ્લી ફિલ્મ ‘મોમ’ 300મી ફિલ્મ હતી. ફિલ્મ ‘મોમ’માં શ્રીદેવીનો અભિનય વખણાયો હતો.

શ્રીદેવીએ જિતેન્દ્ર સાથે 1983માં કરેલી ફિ્લ્મ ‘હિમ્મતવાલા’ બ્લોકબસ્ટર હતી, જેનાથી તેને બોલીવુડમાં લોકપ્રિયતા મળી. આ પછી તેણે ઘણી ફિલ્મો જિતેન્દ્ર સાથે કરી હતી. ત્યાર પછી આવેલી ફિલ્મ ‘તોહફા’એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
1983માં ફિલ્મ ‘સદમા’માં શ્રીદેવીની સાથે સાઉથના અભિનેતા કમલ હસન હતા. આ ફિલ્મમાં શ્રીદેવીનો અભિનય જોઈને દર્શકો પણ દંગ થઈ ગયા હતા. શ્રીદેવીને ‘સદમા’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પ્રથમ વાર ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
1986માં ‘નગીના’માં શ્રીદેવીએ ઇચ્છાધારી નાગણની ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ આ વર્ષની બીજી સુપરડુપર હિટ ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મનું ગીત ‘મૈં તેરી દુશ્મન, દુશ્મન તુ મેરા’ આઇકોનિક ગીત માનવામાં આવતું હતું. 1986માં તેની બે ફિલ્મો રિલીઝ થઈ, જેમાં મલ્ટિસ્ટારર ફિલ્મ ‘કર્મા’ અને ‘જાંબાઝ’નો સમાવેશ થતો હતો.
1987માં ‘મિસ્ટર ઇન્ડિયા’માં તે પત્રકારની ભૂમિકામાં નજરે પડી હતી. આ રોલ આઇકોનિક હતો. આ ફિલ્મનું ગીત ‘હવા હવાઈ’ આજે પણ દર્શકોને યાદ છે. આ ગીત શ્રીદેવીના હાવભાવ અને ડાન્સના કારણે અભૂતપૂર્વ લોકપ્રિય બન્યું હતું. આ ફિલ્મમાં જ અનિલ કપૂર અને શ્રીદેવીનું ગીત ‘કાંટે નહિ કટતે યે’ રેઇન સોન્ગ વરસાદનાં ગીતોમાં પ્રથમ સ્થાને આજે પણ આવે છે. ‘મિસ્ટર ઇન્ડિયા’ના શૂટિંગ દરમિયાન જ બોની કપૂર અને શ્રીદેવી નજીક આવ્યાં હતાં.
1989માં ફિલ્મ ‘ચાલબાઝ’માં શ્રીદેવીની બેવડી ભૂમિકા હતી. ‘ચાલબાઝ’ માટે તેને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોેર્ડ મળ્યો હતો.

‘ચાલબાઝ’ પછી શ્રીદેવી યશરાજ ફિલ્મ્સની ‘ચાંદની’માં રિશી કપૂર અને વિનોદ ખન્ના સાથે નજરે પડી હતી. આ ફિલ્મનું ગીત ‘મેરે હાથો મૈં નૌ નૌ ચુડિયા હૈ, થોડા ઠહરો સજન મજબૂરિયા હૈ’ એટલું બધું લોકપ્રિય થયું કે તે આજે પણ વેડિંગમાં અચૂક ગવાય છે. શ્રીદેવીએ ‘ચાંદની’માં ‘ઓ મેરી ચાંદની’ ગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો. ‘ચાંદની’ ફિલ્મ પછી યુવતીઓ શ્રીદેવી જેવો ચૂડીદાર પહેરતી થઈ ગઈ હતી.
આ પછી 1991માં શ્રીદેવી ફરી એક વાર યશરાજ ફિલ્મ્સની ‘લમ્હે’માં અનિલ કપૂર સાથે આવી હતી. ‘લમ્હે’ માટે શ્રીદેવીને બીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
1993માં તે અમિતાભ બચ્ચન સાથે ‘ખુદા ગવાહ’માં આવી હતી. ફિલ્મનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં થયું હતું આ ફિલ્મ ભારત જેટલી જ લોકપ્રિય કાબુલમાં થઈ હતી. 1993માં શ્રીદેવી ‘રૂપ કી રાની ચોરો કા રાજા’માં અનિલ કપૂર સાથે આવી, પણ તે ફિલ્મ ફલોપ ગઈ. આ પછી તેણે ‘લાડલા’ અને ‘જુદાઈ’માં અભિનય આપ્યો.
શ્રીદેવીની ફિલ્મ કેરિયર ઝગમગતી હતી તે વખતે તેના કોસ્ટાર મિથુન ચક્રવર્તી સાથે તેના અફેરની અફવા ઊડી હતી. જોકે મિથુને પ્રેસ કોન્ફરન્સ બોલાવીને પોતાના સંબંધોની ચોખવટ કરવી પડી હતી.હિન્દી ભાષા પરની ઓછી પકડના કારણે શ્રીદેવીનો અવાજ નાઝ ડબ કરતી હતી. શ્રીદેવીને સફેદ રંગ સૌથી વધુ પસંદ હતો.
શ્રીદેવીએ અનિલ કપૂરના ભાઈ બોની કપૂર સાથે 1996માં લગ્ન કર્યાં હતાં અને જાહ્નવી અને ખુશી નામની બે પુત્રીઓની માતા બની હતી. બોની કપૂર સાથે લગ્ન કર્યા પછી શ્રીદેવીએ પોતે બોલીવુડથી અલગ જગ્યા બનાવી હતી, પરંતુ તે કેટલાય ટીવી શોમાં દેખાઈ હતી. શ્રીદેવીએ 2012માં ગૌરી શિંદેની ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’માં પુનરાગમન કર્યું હતું. હિન્દી સિનેમાથી ઘણાં વર્ષો સુધી દૂર રહ્યા પછી ‘ઇંગ્લિશ વિંગ્લિશ’માં શ્રીદેવીએ બહેતરીન અભિનયથી આલોચકો-દર્શકોને ખુશ કરી દીધા હતા.
બોલીવુડમાં સફળતાનો પર્યાય ગણાતી શ્રીદેવી બોકસ ઓફિસની લેડી બચ્ચન તરીકે ઓળખાતી હતી. તેને જયાપ્રદા, માધુરી દીક્ષિત, રતિ અગ્નિહોત્રી, મીનાક્ષી શેષાદ્રિ, ડિમ્પલ કાપડિયા જેવી પ્રતિભાશાળી અભિનેત્રીઓએ જોરદાર ટક્કર આપી હતી, પણ પોતાની અભિનયક્ષમતા અને મનમોહક અદાના કારણે શ્રીદેવી હંમેશાં ટોપ પર રહેતી હતી.
બોલીવુડને પુરુષપ્રધાન માનવામાં આવે છે, પરંતુ શ્રીદેવી એકમાત્ર એવી અભિનેત્રી હતી, જેણે સફળતાથી પોતાનો દબદબો ઊભો કર્યો હતો. 1990ના દાયકામાં શ્રીદેવી એક કરોડ રૂપિયાની ફી લેનારી સૌપ્રથમ અભિનેત્રી બની હતી. શ્રીદેવી એવી પહેલી અભિનેત્રી હતી, જેણે અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માટે તેમના જેટલી જ સરખી ફીની માગણી કરવાનું સાહસ દર્શાવ્યું હતું.
જિંદગીને માણવાનું માનતી શ્રીદેવી પોતાના સૌંદર્ય અને ફિટનેસ પાછળ રોજના રૂ. 25 લાખનો ખર્ચ કરતી હતી. તે પોતાની ખૂબસૂરતી જાળવવા માટે અત્યંત મોંઘાં કોસ્મેટિક અને સર્જરીનો ઉપયોગ કરતી હતી.
શ્રીદેવીની અંતિમ ફિલ્મ ભલે ‘મોમ’ હોય, પરંતુ ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘ઝીરો’માં તે શાહરુખ ખાન સાથે નજરે પડશે. શાહરુખની આ ફિલ્મમાં શ્રીદેવી મહેમાન ભૂમિકામાં છે. આ ફિલ્મમાં શ્રીદેવીએ કેમિયો રોલ કર્યો છે. આ ફિલ્મમાં બોલીવુડની મહાન અભિનેત્રી છેલ્લી વાર સિલ્વર સ્ક્રીન પર દેખાશે.

શ્રીદેવીની લોકપ્રિય ફિલ્મો
શ્રીદેવીની લોકપ્રિય ફિલ્મોમાં ‘જુલી’, ‘સોલવા સાવન’, ‘સદમા’, ‘હિમ્મતવાલા’, ‘જાગ ઉઠા ઇન્સાન’, ‘અકલમંદ’, ‘ઇન્કલાબ’, ‘તોહફા’, ‘સરફરોસ’, ‘બલિદાન’, ‘નયા કદમ’, ‘નગીના’, ‘ઘરસંસાર’, ‘મકસદ’, ‘સુલતાન’, ‘આગ ઔર શોલા’, ‘ભગવાન’, ‘આખરી રાસ્તા’, ‘જાંબાઝ’, ‘વતન કે રખવાલે’, ‘જવાબ હમ દેંગે’, ‘ઔલાદ’, ‘નજરાના’, ‘કર્મા’, ‘હિમ્મત ઔર મહેનત’, ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘નિગાહ’ે, ‘જોશીલે’, ‘ગેરકાનૂની’, ‘ચાલબાઝ’, ‘ખુદા ગવાહ’, ‘લમ્હે’, ‘હીરરાંઝા’, ‘ચાંદની’, ‘રૂપકી રાની ચોરો કા રાજા’, ‘ચંદ્રમુખી’, ‘ચાંદ કા ટુકડા’, ‘ગુમરાહ’, ‘લાડલા’, ‘આર્મી’, ‘જુદાઈ’, ‘હલ્લાબોલ’, ‘ઇંગ્લિશ વિંગ્લિશ’, ‘મોમ’નો સમાવેશ થાય છે.
દર્શકોના દિલમાં વસેલી શ્રીદેવીનાં લોકપ્રિય ગીતો
અભિનેત્રી શ્રીદેવીના નિધનથી બોલીવુડ સ્તબ્ધ થઈ ગયું છે. શ્રીદેવીના અભિનયની સાથે સાથે ડાન્સ પણ લોકોને સિનેમાહોલ સુધી ખેંચી લાવતો હતો. ચાર દાયકાની કારકિર્દી દરમિયાન શ્રીદેવીએ કેટલાંય સુપરહિટ ગીતો આપ્યાં હતાં,

જેમાં દસ મુખ્ય ગીતોની ઝલક આ મુજબ છેઃ
ચાલબાઝઃ ના જાને કહાં સે આઇ હૈ
નગીનાઃ મેં તેરી દુશ્મન
મિસ્ટર ઇન્ડિયાઃ કાંટે નહીં કટતે
હિમ્મતવાલાઃ નૈનો મેં સપના
મિસ્ટર ઇન્ડિયાઃ હવા હવાઇ
જાંબાઝઃ હર કિસી કો નહિ મિલતા
લમ્હેઃ મોરની બાગાં મેં
ચાંદનીઃ મેરે હાથો મેં
લમ્હેઃ કભી મેં કહૂં
ઇંગ્લિંશ વિગ્લિશઃ નવરાઈ માઝી

લેખક ‘ગુજરાત ટાઇમ્સ’ના ન્યુઝ એડિટર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here