બે એરિયામાં ‘ડગલો’ સંસ્થાએ યોજી સંગીતની મહેફિલ

સેન હોજે (કેલિફોર્નિયા)ઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના બે એરિયામાં (સિલિકોન વેલી) વિસ્તારમાં અગ્રણી ગુજરાતી સંસ્થાઓમાંથી એક એવી ડગલો (દેશી અમેરિકન ગુજરાતી લેન્ગવેજ’ (ડગલો) સંસ્થા આવેલી છે, જેના મુખ્ય સૂત્રધાર બે એરિયામાં જાણીતા રાજાભાઈ સોલંકી દર વર્ષે સામાજિક કાર્યક્રમો કરે છે.
આ વર્ષે પણ રવિવાર ૩જી જૂનના રોજ મિલપિટાસ શહેરના જૈનમંદિરના ઓડિટોરિયમમાં આ સંસ્થાએ સાંસ્કૃતિક અને સંગીતનો સુંદર પ્રોગ્રામ કર્યો હતો. સંસ્થા તરફથી પૌલવીબહેન સોલંકીએ સૌનું સ્વાગત કર્યું હતું. બે એરિયાના શિક્ષણકાર અને સામાજિક કાર્યકર પ્રતાપભાઈ પંડ્યાએ સુરેશભાઈ કે પટેલ અને પી. કે. દાવડાની હાજરીમાં દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ પ્રસંગે રમાબહેન પંડ્યાનો સુંદર પરિચય દીપલ પટેલે આપ્યો હતો તથા તેમનું સુરેશભાઈના હસ્તે એવોર્ડ આપીને બહુમાન કરાયું હતું.
ત્યાર પછી મીરાબહેન મરચન્ટનો પરિચય મનીષાબહેન પંડ્યાએ આપ્યો હતો અને સૌની હાજરીમાં તેમને એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા તેમ જ મહેન્દ્રભાઈ મહેતા વતી તેમના દીકરી કલાબહેને તેમને સૌપ્રથમ આજીવન એચીવમેન્ટ એવોર્ડ સ્વીકાર્યો હતો. બે એરિયાના સ્થાનિક કલાકારોમાં અગ્રણી આનલ અંજારિયાએ નાની બાળાઓ દ્વારા સુંદર સંગીતની મહેફિલ યોજી હતી, જેમાં રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીનાં લોકગીતોએ રંગ જમાવ્યો હતો. ‘મન મોર બની થનગાટ કરે’, ‘અમે પીધો કસુંબીનો રંગ – ઓ રાજ અમે’ વગેરે ગીતોથી સૌ ભાવવિભોર બની ગયા હતા.
રાજા સોલંકી દિગ્દર્શિત એક મોટલ ચલાવવામાં પડતી મુશ્કેલીઓ જેમાં બાળકોનું બગડતું ભાવિ તથા મણિબહેનમાંથી ‘મેરી’ બની મોટલ ચલાવતા મણિબહેનની કરુણ કહાની હતી. આ સુંદર નાટિકામાં રાજાભાઈ સોલંકી, મૌલિક ધારિયા, નરેન્દ્ર શાહ, પ્રવીણભાઈ, અંબરીશ ભામાણી, હેમંત કિરી, અંકિત પટેલ, પ્રતીક્ષા શાહ, વૈદેહી વગેરેએ સુંદર અભિનય આપ્યો હતો.
હેતલ બ્રહ્મભટ્ટે અંતમાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને સૌએ સુંદર ભોજનનો આનંદ માણ્યો હતો. (ફોટોસૌજન્યઃ સી. બી. પટેલ, ફ્રીમોન્ટ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here