બીએપીએસ નોર્થ અમેરિકન યુવા શિબિરમાં ભાગ લેતાં દસ હજાર યુવક-યુવતીઓ

એટલાન્ટાઃ જ્યોર્જિયાના એટલાન્ટામાં હયાત રિજન્સી હોટેલમાં પહેલીથી દસમી જુલાઈ દરમિયાન બીએપીએસ નોર્થ અમેરિકન યુથ કન્વેન્શનનું આયોજન કરાયું હતું, જેમાં દસ હજારથી વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આઠથી બાવીસ વર્ષની વયનાં તરુણો-યુવાનોએ આ અધિવેશનમાં વિવિધ વયજૂથમાં અનેકવિધ વિષયો પર યોજાયેલાં પ્રવચનોમાં ભાગ લીધો હતો.
દિવસ દરમિયાન વયસ્કો ઘણી ભૂમિકા અદા કરતાં હોય છે અને નિર્ણયો લેતાં હોય છે. તેઓ નોકરી-ધંધા પર જઈને સતત બદલાતી જતી પરિસ્થિતિ અને અચોક્કસતા વચ્ચે સ્વસ્થતા જાળવીને વ્યવહાર કરતાં હોય છે. તેઓ પોતાનાં સામાજિક કાર્યો-ફરજો બજાવતાં હોય છે. વયસ્કો ભાગ્યે જ પૂર્વગ્રહયુક્ત અને સંપૂર્ણ હોય છે અને મોટા ભાગે એવો સવાલ કરતા હોય છે કે યુવાપેઢીને અત્યારે અને ભવિષ્યમાં સમાજ સાથે જોડાયેલા રાખવા માટે શું કરવું જોઈએ.
બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાનાં યુવાનોએ બાળકોની નિર્ણયશક્તિ બાબતની મુશ્કેલીઓને બરાબર સમજવા છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન સર્વે કર્યો હતો. આ આંકડાઓના આધારે 2018માં ‘મોક્ષ’ થીમ પર નોર્થ અમેરિકન યુવા કન્વેન્શનનું આયોજન કરાયું હતું.
‘મોક્ષ’ ફક્ત યુવાનો માટે જ નહિ, પરંતુ યુવાપેઢી સાથે સંકળાયેલા નાગરિકો માટે પણ છે. આ કન્વેન્શનમાં સાતત્ય, પ્રાર્થના, આત્મનિરીક્ષણ જેવી ચારિત્ર્યનિર્માણની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ અધિવેશનમાં ભાગ લેનારાઓ એ શીખ્યા હતા કે ભગવાન અને ગુરુને મનમાં રાખી દરેક કામ કરાય તો દુનિયામાં આનંદ મેળવી શકાય છે. અધિવેશનમાં ધર્મ, કામ, અર્થ વિશે વિગતવાર સમજાવી મોક્ષની વ્યાખ્યા સમજાવવામાં આવી હતી.
દૈનિક જીવનમાં મોક્ષ આધારિત નિર્ણયો કેવી રીતે લેવા જોઈએ તે માટે વક્તવ્યો અને પ્રેઝન્ટેશન ભારતથી આવેલા સંતો ઈશ્વરચરણદાસ સ્વામી, આનંદસ્વરૂપદાસ સ્વામી, નોર્થ અમેરિકાના સંતોએ આપ્યાં હતાં.
શિબિરાર્થીઓ અધિવેશન પછી ઘરે સંદેશો લઈને ગયા હતા કે બીજા તેમના માટે શું વિચારે છે તેના કરતાં પોતે પોતાના માટે શું વિચારે છે તે વાત પર ધ્યાન આપવું જોઈએ.
એક સ્વયંસેવક સેજલ માનસૂરિયાએ જણાવ્યું હતું કે આવા અધિવેશનમાં ભાગ લેવાથી જ્ઞાનની ક્ષિતિજો ખૂલી જાય છે. હકારાત્મક ભાવના વધે છે. જનરેશન લાઇવના સીઈઓ-ફાઉન્ડર વિવેક શર્માએ કન્વેશનમાં પોતાના અનુભવો જણાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here