બિદડા સર્વોદય ટ્રસ્ટને ૫૦ ઓક્સિજન મશીન દાનમાં આપ્યાં

 

બિદડાઃ વર્તમાન કોવિડ-૧૯ મહામારીની પરિસ્થિતિને અનુલક્ષીને કચ્છના કોરોનાના દર્દીઓને ઓક્સિજનની અછત ઉભી ન થાય તે માટે અમેરિકાના દાતાઓએ પહેલ કરી છે. અમેરિકાસ્થિત મૂળ માંડવીના મનુભાઈ શાહે વતન પ્રત્યે પ્રેમ દર્શાવી માતૃભૂમિનું ઋણ ચૂકવવા અને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવાર્થે શાહ ફેમિલી ગ્લોબલ પ્રોજેકટના સહકારથી સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ અને એમ. એસ. આઈ. ચેરિટેબલ ટ્રસ્ટ (અમેરિકા) દ્વારા કચ્છ તેમજ ભારતભરના દર્દીઓ માટે બિદડા સર્વોદય ટ્રસ્ટને પ૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર (ઓકિસજન મશીન) મોકલાવેલાં છે, જે યુનિટોનું બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા કચ્છના આઠ તાલુકામાં નક્કી કરેલાં ૧૭ સેન્ટર પર છેવાડાના દર્દીઓ માટે વિતરણ કરવામાં આવશે. 

ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાની યાદીમાં જણાવ્યાનુસાર ઓક્સિજનનાં બોટલની તંગી અને રિફીલિંગ માટે થતી અગવડ વચ્ચે કચ્છની પ્રજાને આ આફતની ઘડીમાં આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપયોગી બની રહેશે. ફકત એક સ્વીચ દબાવી ઈલેકટ્રીકથી ચાલતાં આ મશીન ઓપરેટ કરવું ખૂબ જ સરળ છે. ટ્રસ્ટ દ્વારા નકકી કરેલ કચ્છના ગામડાઓ પૈકી માંડવી, ભુજપુર, પત્રી, ગઢશીશા, ભુજ, ધોરડો, નખત્રાણા, નિરોણા, મોટા યક્ષ, અબડાસા, લખપત, ડુમરા, કોઠારા, નલિયા, પાન્ધ્રો, ઘડુલી, આદિપુર, ગાંધીધામના સેન્ટરો ઉપર આ ઓક્સિજન મશીન પ્રાપ્ત કરવા દર્દીઓને સ્થળ અને કોન્ટેકટ નંબરની માહિતી આપવામાં આવશે. વધુ માહિતી માટે હોસ્પિટલના ૯૬૮૭૯ ૮ર૪૪૪, ૯પ૮૬૦ ૬ર૪૪૪ નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here