બાબા વિશ્વનાથનો રેકોર્ડબ્રેક ધનાભિષેક

 

વારાણસીઃ શ્રીકાશી વિશ્વનાથ ધામ બન્યા બાદ બાબાના દરબારમાં ધનની વર્ષા થઈ રહી છે અને આવકમાં ગત વર્ષની સરખામણીએ આશરે ૨.૫ ગણો વધારો થયો છે. ગત ૧૩ ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યું હતું. તેના થોડા દિવસો બાદ મંદિરના શિખરની માફક મંદિરનું ગર્ભગૃહ પણ સ્વર્ણમંડિત થઈ ગયું. સ્વર્ણમંડિત આભાથી નિખરેલા શ્રીકાશી વિશ્વનાથ ધામમાં માતા લક્ષ્મીની કૃપા વરસી રહી છે. 

આંકડાઓ પ્રમાણે ગત નાણાંકીય વર્ષની સરખામણીએ મંદિરની આવકમાં આશરે ૨.૫ ગણો વધારો જોવા મળી રહ્યો છે. પાછલા વર્ષોમાં વર્ષે આશરે ૧૨થી ૧૫ કરોડ રૂપિયાની વાર્ષિક આવક થતી હતી. ત્યારે હવે મંદિર પ્રશાસનને દરરોજ હેલ્પ ડેસ્ક, ડોનેશન, આરતી વગેરે દ્વારા આશરે ૨ કરોડ રૂપિયાની આવક થઈ રહી છે. 

પહેલા સામાન્ય દિવસોમાં ૧૦થી ૧૫ હજાર ભક્તો દર્શન કરતા હતા. આજે સામાન્ય દિવસોમાં આશરે ૭૦ હજાર અને વીકેન્ડમાં આશરે એક લાખ ભક્તો બાબાના દરબારમાં હાજરી પુરાવવા પહોંચી રહ્યા છે. ભક્તોની ગણતરી કરવા માટે હેડ કાઉન્ટિગ કેમેરા લગાવવામાં આવ્યા છે. 

ગરમીના કારણે વારાણસીમાં હાલ પર્યટનની ઓફ સીઝન ગણાય તેમ છતાં સવારથી મોડી રાત સુધી રસ્તાઓ પર અને ગંગા દ્વાર પર દર્શન માટેની લાઈન લાગી હોય છે. હાલ લગભગ તમામ નાની-મોટી હોટેલ્સ, ગેસ્ટ હાઉસ, આશ્રમના રૂમ વગેરે હાઉસફુલ છે. આશરે એક મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે અને ખાણી-પીણી સહિતના અન્ય કારોબારમાં પણ ઉછાળો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here