બાંગ્લાદેશમાં આર્થિક સંકટ પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ૫૦ ટકાનો વધારો

 

બાંગ્લાદેશ: બાંગ્લાદેશમાં મોંઘવારીથી ત્રસ્ત જનતાને સરકારે વધુ એક મોટો ઝટકો આપ્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ૫૧.૭ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દેશના ઈતિહાસમાં ફયૂલના ભાવમાં તેને સૌથી મોટી વૃદ્ધિ ગણાવવામાં આવી રહી છે. પહેલાથી મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર બેવડો માર પડ્યો છે. રાત્રે ૧૨.૦૦ કલાકથી લાગૂ થયેલી નવી કિંમતો અનુસાર એક લીટર ફ્યુલની કિંમત હવે ૧૩૫ ટકા થઈ ગઈ છે, જે ૮૯ ટકાના પાછલા ભાવથી ૫૧.૭ ટકા વધુ છે. બાંગ્લાદેશમાં હવે એક લીટર પેટ્રોલની કિંમત હવે ૧૩૦ ટકા છે, એટલે કે તેમાં ૪૪ ટકા જેટલો વધારો કરાયો છે. વીજળી, ઉર્જા અને ખનિજ સંસાધન મંત્રાલયે ફ્યુઅલની કિંમતોમાં વધારાને લઈને નિવેદન આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં વૃદ્ધિને કારણે આ નિર્ણય થયો છે. ઓછા ભાવ પર ઈંધણ વેચવાને કારણે બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશનને ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચે ૮,૦૧૪.૫૧ ટકાનું નુકસાન થયું છે. મંત્રાલયની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફયૂલની કિંમત વધવાથી ભારત સહિત ઘણા દેશ પહેલા આ નિર્ણય લઈ ચુકયા છે. બાંગ્લાદેશે પોતાના વિદેશી મુદ્રા ભંડારને વધારવાના પ્રયાસો વચ્ચે વિશ્ર્વ બેન્ક અને એશિયન વિકાસ બેન્ક પાસે ૨ અબજ ડોલરની માંગ કરી રહ્યું છે. બાંગ્લાદેશની ૪૧૬ અબજ ડોલરની અર્થવ્યવસ્થા વર્ષોથી દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધનારી અર્થવ્યવસ્થા રહી છે, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વધતી ઉર્જા અને ખાદ્ય કિંમતોએ તેના આયાત બિલ અને ચાલૂ ખાતાની ખોટને વધારી દીધી છે. રિપોર્ટમાં તેની સાથે જોડાયેલા લોકોનો હવાલો આપતા કહ્યું કે સરકારે એડીબી અને વિશ્ર્વ બેન્કને પત્ર લખી ૧ અબજ ડોલરની માંગ કરી છે. બાંગ્લાદેશી મીડિયાએ કેટલાક દિવસ પહેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે દેશ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસે ૪.૫ અબજ ડોલર ઈચ્છે છે, જેમાં બજેટીય અને ચુકવણી સંતુલન સહાયતા સામેલ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here