ફ્રાન્સ-ક્રોએશિયા વચ્ચે ફિફા વર્લ્ડ કપ ફાઇનલઃ ક્રોએશિયા પ્રથમ વાર ફાઇનલમાં

હાઈવોલ્ટેજ પ્રથમ સેમીફાઇનલમાં ફ્રાન્સે ઉમ્ટિટીના ક્લાસિક હેડર ગોલ સાથે 1-0થી બેલ્જિયમને હરાવ્યું હતું. (ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાનટાઇમ્સડોટકોમ) (જમણે) ક્રોએશિયાના મારિયો માન્ઝુકીચે ફટકારેલા ગોલથી ટીમ ફાઇનલમાં પ્રવેશી હતી. (ફોટોસૌજન્યઃ રોઇટર્સ)

મોસ્કોઃ ફિફા વર્લ્ડ કપની ફાઇનલ ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે 15મી જૂન, રવિવારે રમાશે. આ અગાઉ ફ્રાન્સ અને બેલ્જિયમ વચ્ચે મંગળવારે રમાયેલી હાઈવોલ્ટેજ પ્રથમ સેમીફાઇનલમાં ફ્રાન્સે ઉમ્ટીટીના ક્લાસિક હેડર ગોલ સાથે 1-0થી બેલ્જિયમને હરાવ્યું હતું. હેઝાર્ડ, લુકાકુ અને ડી બ્રાયન જેવા બેલ્જિયમના સુપરસ્ટાર ખેલાડીઓનો જાદુ ફ્રાન્સની અભેદ્ય સંરક્ષણ દીવાલ સામે ચાલી શક્યો નહોતો.
સેન્ટ પીટર્સબર્ગમાં 65 હજારથી વધુ દર્શકોની હાજરીમાં રમાયેલા 90 મિનિટના મુકાબલામાં ફ્રાન્સે ત્રીજી વાર વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બેલ્જિયમના ફોરવર્ડ હેઝાર્ડને ગોલ ફટકારવાની તક મળી હતી, પણ ફ્રેન્ચ ગોલકીપર હ્યુગો લોરીસે નિષ્ફળ બનાવી હતી. ફ્રાન્સે બેલ્જિયમને હરાવી 12 વર્ષ પછી વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવતાં ફ્રાન્સના ચાહકોએ વિજયની જોશભેર ઉજવણી કરી હતી, જ્યારે બેલ્જિયમમાં હારથી સન્નાટો છવાઈ ગયો હતો. બેલ્જિયમના પાટનગર બ્રસેલ્સમાં ચાહકોએ તોફાન મચાવ્યું હતું. દરમિયાન બુધવારે રમાયેલી બીજી સેમીફાઇનલમાં ક્રોએશિયાએ ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને સૌપ્રથમ વાર વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ક્રોએશિયાએ પેરિસિચના ગોલની મદદથી બીજા હાફમાં બરાબરી કરી હતી. આ પછી એક્સ્ટ્રા ટાઇમમાં 109મી મિનિટે માન્ઝુકીચે ફટકારેલો ગોલ નિર્ણાયક બન્યો હતો. એક તબક્કે 1-0ની સરસાઈ ધરાવતું ઇંગ્લેન્ડ હાર્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here