ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ 2018 રશિયામાં રમાશે

વિશ્વમાં વિસ્તારની દષ્ટિએ સૌથી વધુ વિસ્તૃત વિસ્તાર ધરાવતા અને પ્રાકૃતિક ખજાનાઓથી ભરપૂર એવા રશિયામાં સૌપ્રથમ વખત 21મો ફિફા વર્લ્ડ કપ 14મી જૂનથી એક મહિના માટે યોજાઈ રહ્યો છે.
ગોલ્ડન રિંગ, વોલ્ગા નદી, ટ્રાન્સસાઇબેરિયન રેલવે, બૈકાલ તળાવ, બરફીલા અલ્તાઇ માઉન્ટેઇન, સાઇબીરિયાની બ્લુઆઈ તેમ જ વિશ્વનું સૌથી મોટું ‘ધ મધરલેન્ડ્સ કોલ્સ’ સ્ટેચ્યુ આવેલું છે એ રશિયામાં ફિફા વર્લ્ડ કપના પ્રારંભના 88 વર્ષે સૌપ્રથમ વાર ફૂટબોલનો ઓલિમ્પિકસમો મહાસંગ્રામ યોજાઈ રહ્યો છે.
રશિયા સાહિત્ય સંગીત, કલા અને વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. મહાન નવલકથા ‘વોર એન્ડ પીસ’, તેના લેખત મહાન સાહિત્યકાર લિયો ટોલ્સ્ટોય, ફિયોદોર દોસ્તોવેસ્કી, કવિતા ક્ષેત્રે મિખાઇલ બર્મોન્ટોવ, નકોલે નેકુરાશેવ, એલેકઝાન્ડર ઓસ્ટ્રોવસ્કી અને એન્ટન ચેખોવનાં વૈશ્વિક નાટકોએ એક આગવી ઓળખ ઊભી કરી હતી.
રશિયન બેલે ડાન્સ, બોલશોઈ બેલે અને મારિન્સ્કી બેલેથી વિશ્વને નચાવનાર રશિયામાં આ વર્લ્ડ કપ ફૂટબોલની ટુર્નામેન્ટ દરમિયાન વિશ્વની ચુનંદી 32 ટીમોના ખેલાડીઓ ફૂટબોલ સાથે બેલે કરતા જોવા મળશે.
વિશ્વમાં સૌપ્રથમ માનવસર્જિત ઉપગ્રહ બનાવનાર અને અવકાશમાં માનવને મોકલનાર, પરમાણુ શસ્ત્રોનો જંગી જથ્થો ધરાવનાર અને વિશ્વમાં સૌથી મોટું સ્ટેન્ડિગ લશ્કર ધરાવનાર રશિયા આ વર્લ્ડ કપને ‘વન્ડર ઓફ ધ વર્લ્ડ’ બનાવવા થનગની રહ્યું છે.
લારીસા લાત્યાનિના, એલેકઝાન્ડર પોપોવ, લેવ યાશિન, 1994ના વર્લ્ડ કપમાં સૌથી વધુ છ ગોલ કરનાર ઓલેગ સાલેન્કો, 1962ના વર્લ્ડ કપમાં સૌથી વધુ ચાર ગોલ કરનાર વેલન્ટિન ઇવાનોવ જેવા ખેલાડીઓના ઐતિહાસિક પ્રદર્શનથી વિખ્યાત એવા રશિયામાં હવે ફૂટબોલનો જંગ જામવાનો છે. 1966ના વર્લ્ડ કપમાં એક ગોલના તફાવતથી ચોથા સ્થાને રહેનાર રશિયા આ વખતે ટોપ થ્રીમાં આવવા થનગની રહ્યું છે.
21મો ફિફા વર્લ્ડ કપ રશિયામાં 14મી જૂનથી 15 જુલાઈ સુધી એટલે કે એક મહિના સુધી ગોલ,
ઓન ગોલ, કિક, હેડ કિક, શૂટઆઉટ, પેનલ્ટી, રેડ કાર્ડ, યલો કાર્ડ, રેફરીની સીટીઓની ધમાલ અને ધમાચકડીથી ધમધમતો રહેશે.
વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌપ્રથમ વાર રશિયામાં ફૂટબોલનો વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. ફિફા વર્લ્ડ કપ અત્યાર સુધીમાં કુલ 16 દેશોમાં યોજાયો છે, જેમાં ઇટાલી, ફ્રાન્સ, બ્રાઝિલ, મેક્સિકો અને જર્મનીમાં બબ્બે વખત વર્લ્ડ કપ યોજાઈ ગયો છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં માત્ર એક જ વખત એટલે કે 2002માં કોરિયા તેમ જ જાપાન એમ બે દેશોમાં સંયુક્ત રીતે યોજાયેલો જોવા મળે છે. આ 2002નો એટલે કે 17મો વર્લ્ડ કપ એ એકમાત્ર એશિયાખંડમાં યોજાયેલો વર્લ્ડ કપ રહ્યો છે.
ટીમઃ રશિયામાં યોજાનારા ફિફા વર્લ્ડ કપમાં વિશ્વની ચુનંદી 32 ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. આ 32 ટીમોમાં જર્મની, ફ્રાન્સ, બ્રાઝિલ, આર્જેન્ટિના, ઉરુગ્વે, ઇંગ્લેન્ડ, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, ઈરાન, જાપાન, પેરુ, સાઉદી અરેબિયા, સાઉથ કોરિયા, ઇજિપ્ત, મોરોક્કો, નાઇજીરિયા, સેનેગલ, ટ્યુનિસિયા, કોસ્ટારિકા, પનામા, કોલંબિયા, બેલ્જિયમ, ક્રોએશિયા, ડેન્માર્ક, આઇસલેન્ડ, પોલેન્ડ, પોર્ટુગલ, સર્બિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ અને યજમાન રશિયાનો સમાવેશ થાય છે. આ 32 ટીમોમાંથી 20 ટીમો તો 2014ના વર્લ્ડ કપમાં રમી ચૂકી હતી તે પુનઃ ક્વોલિફાય થતાં આ 2018નો વર્લ્ડ કપ રમશે, જ્યારે આઇસલેન્ડ અને પનામા એ બન્ને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનારી ટીમ બની છે.
આફટર લોન્ગ ટાઇમઃ ક્વોલિફાય થયેલી 32 ટીમોમાં પેરુ 36 વર્ષ પછી (1982), વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું છે! તો ઇજિપ્ત પણ 28 વર્ષ પછી (1990) વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું છે, જ્યારે મોરક્કો 20 વર્ષ પછી (1990) વર્લ્ડ કપ રમશે. સેનેગલે તો 2002માં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા પછી 16 વર્ષ પછી પુનઃ પ્રવેશ મેળવ્યો છે. તે આ વખતે ક્વાર્ટર ફાઇનલથી આગળ વધવાના મક્કમ નિર્ણય સાથે વર્લ્ડ કપમાં પધાર્યું છે.
પ્રથમ વખત ત્રણ નોર્ડિક દેશો – ડેન્માર્ક, આઇસલેન્ડ અને સ્વીડન તેમ જ ચાર આરબ રાષ્ટ્રો – ઇજિપ્ત, મોરક્કો, સાઉદી અરેબિયા અને ટ્યુનિશિયા વર્લ્ડ કપ માટે પસંદ થયા છે.
આઠ ગ્રુપઃ વર્લ્ડ કપમાં રમનારા આ 32 દેશોની ટીમને આઠ ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છેઃ (1) ગ્રુપ એ – રશિયા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને ઉરુગ્વે. (2) ગ્રુપ બી – પોર્ટુગલ, સ્પેન, મોરોક્કો, ઈરાન (3) ગ્રુપ સી – ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, પેરુ, ડેન્માર્ક (4) ગ્રુપ ડી – આર્જેન્ટિના, ક્રોએશિયા, નાઇજીરિયા (5) ગ્રુપ ઈ બ્રાઝિલ, સ્વિટઝર્લેન્ડ, કોસ્ટારિકા અને સર્બિયા (6) ગ્રુપ એફ – જર્મની, મેક્સિકો, સ્વીડન, સાઉથ કોરિયા (7) ગ્રુપ જી – બેલ્જિયમ, પનામા, ટ્યુનિશિયા, ઇંગ્લેન્ડ અને (8) ગ્રુપ એચ – પોલેન્ડ, સેનેગલ, કોલંબિયા અને જાપાન.
પ્લે ઓફ ગેમ્સઃ વર્લ્ડ કપની 32 ટીમો સૌપ્રથમ પોતપોતાનાં આઠ ગ્રુપમાં વહેંચાયા પછી ત્રણ-ત્રણ મેચ રમશે. પ્રથમ રાઉન્ડની આ મેચોમાં ગ્રુપમાં સૌથી વધુ પોઇન્ટ મેળવનાર પ્રથમ બે ટીમ નોકઆઉટ સ્ટેજમાં જશે. મેચ જીતવાના ત્રણ અને ડ્રોના એક પોઇન્ટ પ્રમાણે પોઇન્ટની ગણતરી કરવામાં આવશે. નોકઆઉટ સ્ટેજમાં 16 ટીમ કશમકશ જંગ ખેલશે, જેમાં વિજેતા થનારી આઠ ટીમ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ રમાશે. તેના વિજેતા થનાર ચાર ટીમ સેમિ ફાઇનલમાં પ્રવેશશે. આ ચાર મેચમાં વિજેતા થનાર બે દેશોની ટીમ ફાઇનલ – ચેમ્પિયનશિપ માટે રમશે અને બે દેશોની ટીમમાં વિજેતા થનાર ચેમ્પિયન અને પરાજિત થનાર રનર્સ અપ બનશે.
માસ્કોટઃ એકવીસમા વર્લ્ડ કપનું માસ્કોટ ‘ઝાબ્વિકા’ છે, જે એક શિયાળ છે, જેનું અનાવરણ 21મી ઓક્ટોબર, 2016ના રોજ કરવામાં આવ્યું હતું. ઝાબ્વિકાને ભૂરા અને સફેદ ઊન ટી-શર્ટ સાથે ‘રશિયા-2018’ લખેલા શબ્દોમાં રજૂ કરવામાં આવ્યું છે, જેને ઓરેન્જ સ્પોર્ટ ગ્લાસ પહેરાવવામાં આવ્યા છે. ડિઝાઇનર વિદ્યાર્થી એકાટેરિના બોચારોવાએ ઝાબ્વિકાને રશિયન ટીમનો નેશનલ કલર વ્હાઇટ – બ્લુ અને રેડ ટી-શર્ટ અને શોટ્઱્સ પહેરાવ્યા છે. માસ્કોટ ઝાબ્વિકા શિયાળને ઇન્ટરનેટ મતદાનમાં સૌથી વધુ 53 ટકા મત મળ્યા હતા. માસ્કોટની સ્પર્ધામાં વાઘને 27 ટકા, બિલાડીને 20 ટકા મળ્યા હતા. એક મિલિયન લોકોએ મતદાન કર્યું હતું.
ઓફિશિયલ સોન્ગઃ રશિયામાંના વર્લ્ડ કપનું સોન્ગ છે ‘લાઇવ ઇટ અપ.’ ટુર્નામેન્ટનું આ સત્તાવાર ગીત અમેરિકાના સિંગર નિકી જામ, અમેરિકન રેપર – એક્ટર પ્રોડ્યુસર વિલ સ્મિથ અને આલ્બેનિયન સિંગર એરાઇસ્ટ્રેફીએ ગાયું છે. આ સોન્ગ 25મી મે, 2018ના રોજ બહાર પાડવામાં આવ્યું, જે ત્રણ મિનિટ અને 28 સેકન્ડ લાંબું છે.
બજેટઃ એકવીસમા વર્લ્ડ કપનું બજેટ રશિયન સરકારે 20 અબજ ડોલરનું રાખ્યું હતું, પરંતુ આ 20માંથી 10 અબજ ડોલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યજમાન શહેરને આધુનિક બનાવવા પાછળ ખર્ચવામાં આવ્યા છે. વિવિધ હોટેલો, રહેણાક અને એરપોર્ટ ડેવલપમેન્ટ પાછળ પણ ખર્ચ્યા.
પ્રાઇઝ મનીઃ 400 યુએસએ મિલિયન ડોલરના પ્રાઇઝ મનીવાળા આ વર્લ્ડ કપમાં ચેમ્પિયન થનાર ટીમને 38 મિલિયન ડોલર, રનર્સ અપ થનાર ટીમને 28 મિલિયન ડોલર, તૃતીય સ્થાન મેળવનાર ટીમને 24 મિલિયન ડોલર, ચતુર્થ સ્થાન મેળવનારને 22 મિલિયન ડોલર મળશે. પાંચથી આઠમા સ્થાન સુધી રહેનારી દરેક ટીમને 16 મિલિયન ડોલર, નવથી સોળમા સ્થાન સુધી રહેનાર દરેક ટીમને 12 મિલિયન ડોલર અને સત્તરથી બત્રીસમા સ્થાન સુધી રહેનાર દરેક ટીમને આઠ-આઠ મિલિયન ડોલર મળશે.
સ્ટેડિયમઃ રશિયામાંના આ એકવીસમા ફિફા વર્લ્ડ કપની કુલ 64 મેચો રશિયાનાં 11 શહેરોમાં આવેલાં અદ્યતન 12 જેટલાં સ્ટેડિયમમાં રમાશે. ઘણાં સ્ટેડિયમ તો ખાસ વર્લ્ડ કપ માટે જ નવાં બનાવ્યાં છે અને બેઠકક્ષમતા પણ વધારવામાં આવી છે.
આ વર્લ્ડ કપની ઓપનિંગ અને ફાઇનલ મેચ રશિયાના સૌથી મોટા અને અત્યંત આધુનિક એવા ‘લૂઝનિક’ સ્ટેડિયમમાં રમાશે. લૂઝનિક મોસ્કોમાં આવેલું છે, જેની બેઠકક્ષમતા 81,00ની છે. આ મેદાનમાં ઓપનિંગ, ફાઇનલ, સેમિફાઇનલ, નોકઆઉટની એક અને પ્રથમ રાઉન્ડની ત્રણ મેચ સાથે કુલ સાત મેચ રમાશે. રશિયામાં બીજા ક્રમનું સૌથી મહત્ત્વનું સેન્ટ પીટર્સબર્ગનું ‘કેસ્તોવ્સ સ્ટેડિયમ છે, જે 68,132 બેઠકો ધરાવે છે. અહીં થર્ડ પ્લેસની સેમિફાઇનલની નોકઆઉટની એક અને પ્રથમ રાઉન્ડની ચાર મેચ રમાશે.
સોચીમાં આવેલા ‘ફિશ્ત ઓલિમ્પિક સ્ટેડિયમ’, કાઝાનમાં આવેલા ‘કાઝાન એરેના’, નિઝાની નેવિગ્રોરોડમાં આવેલા ‘નિઝાની નોવિગ્રોરોડ સ્ટેડિયમ અને સમસમાં આવેલા ‘કોસમોસ એરેના’માં ક્વાર્ટર ફાઇનલની એક સહિત કુલ છ મેચ રમાશે.
મોસ્કો શહેરમાં આવેલા બીજા સ્ટેડિયમ ‘ઓટક્રાઇટી એરેના’માં અને રોસ્તોવ ઓન ડોનમાં આવેલા ‘રોસ્તોવ એરેના’માં એક નોકઆઉટની અને ચાર મેચ પ્રથમ રાઉન્ડની રમાશે.
વોલ્ગાગ્રેડમાં આવેલા ‘વોલ્ગાગ્રેડ એરેના’, કાલિનીનગ્રેડમાં આવેલા ‘કાલિનીન ગ્રેડ સ્ટેડિયમ’, યેકાટેનિરબર્ગમાં આવેલા ‘સેન્ટ્રલ સ્ટેડિયમ’ અને મોરડોવિયામાં સારાંસ્કામાં આવેલા ‘મોરડોવિયા એરેના’માં ચાર મેચ રમાશે.
આમ કુલ 11 શહેરોનાં 12 સ્ટેડિયમમાં 64 મેચ રમાશે. મોસ્કોમાં બે સ્ટેડિયમ છે. યજમાન શહેરો અને સ્ટેડિયમોની આખરી પસંદગી 29મી સપ્ટેમ્બર 2012ના રોજ કરવામાં આવી હતી.
સોચીમાં વિન્ટર ઓલિમ્પિક યોજાયો હતો. વોલ્ગા નદીના કિનારે વોલ્ગોગ્રેડ, ડોન નદીના કિનારે રોસ્તોવ એરેના, વોલ્ગા અને ઓકાનના સંગમ પર નિઝાની નોવગોરાડ સ્ટેડિયમ આવેલાં છે, જ્યારે સોચીનું ફિશ્ત ઓલિમ્પિક સ્ટેડિયમ માઉન્ટ ફિશ્ત પરથી રાખવામાં આવ્યું છે. કાઝાન એરેનાએ વિશ્વમાં સૌથી મોટું એલઈડી રાઇડ ધરાવતું ભવ્ય પ્રવેશદ્વાર સ્ટેડિયમ છે.
આમ ઈસ્ટ યુરોપમાં સૌપ્રથમ વાર રશિયામાં રમાનારો ફિફા વર્લ્ડ કપ ભવ્ય અને ઐતિહાસિક બને તેવા તમામ પ્રયત્નો રશિયામાં બીજી વખત પ્રમુખસ્થાને ચૂંટાયેલા અને રમતપ્રેમી એવા વ્લાદિમિર પુટીન અને ફિફાના પ્રમુખ ગિયાની ઇન્ફાન્ટિનો કરી રહ્યા છે. ડિસેમ્બર, 2010માં રશિયાએ 2018ના વર્લ્ડ કપની યજમાની સ્પેન અને નેધરલેન્ડ્સને હરાવીને મેળવી હતી. આ 2010 પછી આઠ વર્ષમાં રશિયા એકવીસમા વર્લ્ડ કપ માટે સજીધજીને તૈયાર થઈ ગયું છે. વિશ્વની ચુનંદી ટીમના ઐતિહાસિક ખેલાડીઓ અને રમતપ્રેમી દર્શકોને આવકારવા રશિયા શરણાઈ વગાડી રહ્યું છે.
ફિફા વર્લ્ડ કપમાં પ્રથમ વાર ‘વિડિયો આસિસ્ટન્ટ રેફરી’ (વીએઆર) ટેક્નોલોજીનો ઉપયોગઃ મેચ દરમિયાન રેફરીના નિર્ણયથી સંતોષ જણાય નહિ તો તેની સામે ટીમ અપીલ કરી શકે છે. આ દરમિયાન રેફરી વોકીટોકી દ્વારા તેની જાણ ત્રણ સભ્યોની ટીમને કરે છે. આ ત્રણ સભ્યોમાં વિડિયો આસિસ્ટન્ટ રેફરી, તેમના સહાયક અને રિપ્લે ઓપરેટરનો સમાવેશ થાય છે. વીએઆર ટેક્નોલોજીનો ઉપયોગ ઓગસ્ટ, 2016માં મેજર લીગ સોકરમાં કરવામાં આવ્યો હતો. 2016ના કન્ફડરેશન કપ સાથે વીએઆર ટેક્નોલોજીનો સૌપ્રથમ ઉપયોગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં થયો હતો. 2017માં જર્મની અને ઇંગ્લેન્ડની ફ્રેન્ડલી મેચમાં, જાન્યુઆરી, 2018માં બ્રાઇટન અને ક્રિસ્ટલ પેલેસ વચ્ચેની મેચ સાથે સ્પર્ધાત્મક ફૂટબોલમાં વીએઆર ટેક્નોલોજીનો ઉપયોગ થયો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે ગોલ લાઇન ટેક્નોલોજી માત્ર રેફરીને સલાહ આપશે. આખરી નિર્ણય લેવાની સત્તા તો રેફરીના હાથમાં જ રહેશે. રેફરીને કોઈ નિર્ણય માટે શંકા જણાય તો તે ટચલાઇન પાસેના મોનિટરમાં ફુટેજ ચકાસી શકે છે. ખૂબ જ નજીકના અંતરનો ગોલ ચૂકી જવાયો હોય તો સ્ટેડિયમની મોટી સ્ક્રીન અને ટીવી પર તેનો થ્રીડી વ્યુ મળશે.

લેખક રમતગમતના તજજ્ઞ છે.

 

ફૂટબોલ વર્લ્ડ કપઃ રસપ્રદ વિગત
રશિયા આ પહેલી જ વાર ફિફા વર્લ્ડ કપ સ્પર્ધાનું યજમાનપદ ભોગવી રહ્યું છે.
આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રશિયા (સોવિયેત સંઘ સહિત) આ 11મી વાર ભાગ લેશે. સ્પર્ધામાં એનો (સોવિયેત સંઘનો) શ્રેષ્ઠ દેખાવ 1966માં રહ્યો હતો જ્યારે એ ચોથા ક્રમે આવ્યું હતું.
આ વખતની સ્પર્ધાની મેચો સોચી શહેર તથા અન્ય સ્થળોએ પણ યોજાશે. સોચી શહેરે અગાઉ 2014માં શિયાળુ રમતોત્સવની ઉદ્ઘાટન અને સમાપન વિધિઓ યોજી હતી.
ફૂટબોલ વર્લ્ડ કપમાં સૌથી વધારે મેચો ડ્રો કરનાર ટીમ છે ઇટાલી. એણે કુલ 21 મેચો ડ્રો કરી છે.
વર્લ્ડ કપમાં સૌથી વધારે સ્કોરવાળી મેચ 1954માં રમાઈ હતી. એ મેચમાં ઓસ્ટ્રિયાએ સ્વિટ્ઝરલેન્ડને 7-5 ગોલના માર્જિનથી પરાજય આપ્યો હતો.
પહેલી વર્લ્ડ કપ સ્પર્ધા 1930માં ઉરુગ્વેમાં રમાઈ હતી. એ જ ટીમ ત્યારે વિજેતા પણ બની હતી.
વર્લ્ડ કપમાં સૌથી વધારે પરાજય મેળવવાનો રેકોર્ડ મેક્સિકોનો છે. એ કુલ 25 મેચો હાર્યું છે.
જર્મનીનો લોથાર મેથ્યુસ સૌથી વધારે મેચો રમવાનો રેકોર્ડ ધરાવે છે. એ કુલ 25 મેચો રમ્યો હતો.
જર્મનીનો ક્લોઝ તમામ વર્લ્ડ કપમાં સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ ધરાવે છે. એણે કુલ 16 ગોલ કર્યા છે.
રશિયાનો સાલેન્કો એક જ મેચમાં સૌથી વધારે ગોલ કરવાનો વિક્રમ ધરાવે છે. 1994માં એણે એક મેચમાં પાંચ ગોલ કર્યા હતા.
ફાઉલ બદલ રેફરીએ સૌથી વધારે કાર્ડ બતાવ્યાં હોય એવો કયો ખેલાડી? એ છે ફ્રાન્સનો ઝિનેડીન ઝિડાન. એને 4 યેલો અને બે રેડ કાર્ડ બતાવવામાં આવ્યાં હતાં.
ગઈ વેળાની 2014ની બ્રાઝિલ વર્લ્ડ કપ સ્પર્ધા પર એક નજર
2014ની વર્લ્ડ કપને દુનિયાની કુલ વસતિના અડધા ભાગના લોકોએ, એટલે કે આશરે 3.2 અબજ લોકોએ નિહાળી હતી.
2014ની સ્પર્ધાની દરેક મેચદીઠ સ્ટેડિયમમાં દર્શકોની સરેરાશ હાજરીનો આંકડો હતો 53,592.
2014ની સ્પર્ધામાં કુલ 3240 ફૂટબોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં, મેચ તથા પ્રેક્ટિસ વખતે વપરાયેલા બોલનો સમાવેશ થાય છે.
2014ની સ્પર્ધામાં કુલ 171 ગોલ સ્કોર થયા હતા. 1998ની સ્પર્ધામાં પણ આટલી સંખ્યામાં ગોલ થયા હતા.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here