પ્રેમઃ બ્રહ્માંડનું સર્જન થયું ત્યારથી અનુભવાતો શબ્દ છે

0
1078

પ્રેમ એક સંજીવની છે, એક અદુભૂત રસાયણ છે જે અવિરતપણે જીવનને લાલ-ગુલાબી રંગથી સિંચ્યાં કરે છે. પ્રેમ એક અહેસાસ છે જેને અનુભવવો પડે છે અને એ જ અહેસાસ કરાવવો પણ પડે છે. લાગણીની ચડતી-ઊતરતી માત્રાની સૌથી પહેલી જાણ જ પ્રિયજનને થાય છે, અને એટલે જ પ્રેમના અણમોલ તત્ત્વને સતત પામતાં રહેવા માટે જ એને જીવંત રાખતાં રહેવું પડે. પ્રેમ નોકરી નથી કે સમયસર કરવી પડે, પણ જીવનના જીવતત્ત્વને જીવન આપતી આજીવિકા જરૂર છે એટલે એમાં ઓવરટાઇમ કરવો પડે તો કરી લેવો, પણ પ્રેમ નામની આ આલ્કોહોલ વગરની મધુશાલામાં ખોવાઈ તો જવું જ. એટલે જ વસંતપંચમી અને વેલેન્ટાઇન્સ ડે દર વર્ષે આપણી અંદર રહેલા પ્રેમચૈતન્યને હળવેકથી પંપાળે છે. આ જીવવાની પળો છે જેની જરાય છોછ ન રાખવી. પ્રેમનો અવસર વધાવી લેવા માટે હોય છે.

પ્રેમ – બ્રહ્માંડનું સર્જન થયું ત્યારથી અનુભવાતો શબ્દ છે. પ્રેમનાં માપ હોતાં નથી કે કોનો કેટલો? સૃષ્ટિનું એક અમાપ ભાવતત્ત્વ છે જેને કોઈ મેજરમેન્ટમાં માપી શકાય નહિ.

અનંત, અવિચળ, અખિલેશ, એકત્વ એટલે પ્રેમત્વ. પ્રેમના પ્રકાર જુદા હોઈ શકે, અભિવ્યક્તિ અલગ હોઈ શકે, પણ પ્રેમ ક્યારેય અલગ ન હોઈ શકે. હોય પણ ક્યાંથી? પ્રેમ એટલે જ ઐક્યભાવ. ચાહે પ્લેટોનિક, ચાહે ઇરોટિક… પ્રેમ વર્તમાનમા જીવે છે માટે વર્તમાનને માણી લેવો. એમાં કશું જ ખોટું નથી. કશું અસભ્ય કે અસાંસ્કૃતિક નથી.

પ્રેમત્વ-કામત્વની વાતો ભારતીય સંસ્કૃતિમાં આજે ભલે ગમે તે ફલક પર ચર્ચાતી હોય, પણ આપણી જ સંસ્કૃતિમાં કામદેવના કામબાણથી વિવશ થતા શિવજી છે અને મેનકાથી તપોભંગ થતા વિશ્વામિત્ર છે. વસંતથી વીંધાઈને મૃત્યુ સન્મુખ થતા પાંડુરાજા પણ છે. વસંતનો જાદુ કોઈને પણ છોડતો નથી. પૌરાણિક ભારતીય સાહિત્યમાં શૃંગારપ્રચુર, કામપ્રચુર વર્ણનો છે તો સ્થાપત્યમાં પણ ભરપૂર શૃંગારરસ વૈવિધ્ય જોવા મળે છે.

હા, સમયાંતરે જે ફેરફાર આવ્યા એ સ્વીકાર્ય કે દેહલાલિત્યનું દેહપ્રદર્શનમાં રૂપાંતર થયું, શૃંગારરસ બીભત્સરસમાં ફેરવાયો. ઠીક છે, એ ક્યારે અને કેમ થયું એની મથામણમાં પડ્યા વગર સીધા આવીશું વેલેન્ટાઇન્સ ડે પર.

પાશ્ચાત્ય સંસ્કૃતિનો આ દિવસ-14મી ફેબ્રુઆરી – ત્યાં એક પારંપરિક દિવસ તરીકે ઊજવાય છે. એ દિવસે પ્રેમ કરનારા લોકો પોતે જેને ચાહે છે એનો સ્વીકાર કરે છે, અને પ્રેમ જેવી કોમળ લાગણી અભિવ્યક્ત કરવા ફૂલ, ચોકલેટ, કાર્ડ કે કોઈ ગિફટનો સહારો લે છે. આમ તો ખ્રિસ્તી ધર્મમાં શહીદ થયેલા સંત વેલેન્ટાઇનના નામ પરથી વેલેન્ટાઇન્સ ડે ઊજવવામાં આવે છે.
પ્રેમનો એકરારી દિવસ. આપણી વસંતપંચમીની જેમ જ કદાચ. આપણે તો એક દિવસ નહિ, આખેઆખી વસંત ઊજવીએ છીએ તો એક દિવસની છોછ શા માટે? પ્રેમદિવસ ઊજવવામાં વળી પૂર્વ શું કે પશ્ચિમ શું? પડોશીના ઘરમાંથી શીરાની સુગંધ આવે તો પણ આપણી દાઢ સળકે છે તો આ તો આખેઆખા પ્રેમના ધબકારા ઝીલવાની વાત છે. છપ્પનની છાતી જોઈએ એના માટે. એક હાથમાંથી બીજા હાથમાં ફૂલ આપી દીધાં જેટલું સરળ નથી. અને હા, આપણે આ દિવસ જો ઊજવી નાખીએ તો આપણે પશ્ચિમી સંસ્કૃતિ નથી અપનાવતા. આ તો આપણી જ સંસ્કૃતિએ જગતને આપેલું વરદાન છે.

એક વાત સાચી કે પ્રેમમાં ઠહેરાવ, ઊંડાણ, ધીરજ, સ્થિરતા જોઈએ. એને આસપાસની હવામાંથી જુદાં તારવી શ્વાસમાં ખેંચી લેવાની આવડત કદાચ આજની ચોયણી જેવા જીન્સ, બાવડાં દેખાય એવા ટૂંકા ટી-શર્ટ વિથ સ્પાઇસ કટ હેરવાળી પેઢીમાં ન હોય એવું બને. એમની આછકલાઈ કદાચ રાજકારણી રમતોમાં માહિર ટોળકીઓને વિરોધનો વિષય પૂરો પાડી શકે એમ બનતું હોય, પણ એટલે થોડા ઊગી નીકળેલા બાવળ માટે કંઈ આખેઆખો લીલોતરો મોલ વાઢી ન લેવાય.

વેલેન્ટાઇન્સ ડે હોય કે વસંત પંચમી, વોટ્સએપમાં આવતો કોઈ મેસેજ નથી કે ગમ્યો તો સેવ કર્યો અને ન ગમે તો ફોરવર્ડ કર્યો કે ડિલીટ કર્યો. આ તો ઇશ્કની ઇબાદત છે. ઈશ્વરના આશીર્વાદ છે. હૃદયમાંથી ઝરતો ધગધગતો લાવા છે, જે કોઈ પ્રેમી/પ્રેમિકાની નજરના અમીઝરણે ઊકળતો હોવા છતાં ટાઢક બક્ષે છે. ખુશનસીબ હૈ હમ જીનકો મિલી હૈ બહાર જિંદગીમેં…
અને એટલે જ પૂર્વ-પશ્ચિમની ઝંઝટમાં પડવાને બદલે, નિજી સ્વાર્થ માટે હોહા કરતી રાજકારણી ટોળી સાથે હાથ મિલાવવાને બદલે, મેલગુંગળા, છીછરા વિચારવમળમાંથી બહાર આવી જેને પ્રેમ કરો છો એને ખુલ્લા મને, મોકળા મને, દિલ ફાડીને, કચકચાવીને કહી દો કે, હું તને ચાહું છુ, પ્રેમ કરું છુ તને. અને એ કહેવા મને સમય, સ્થળ કે સરહદના કોઈ સીમાડા નડતા નથી.
એક વાર કોઈકને દિલ ખોલીને ચાહી તો જુઓ, પછી જુઓ જીવનનો મિજાજ, જીવતરની ખુમારી! કોઈનો પ્રેમ આપણને આપણા હોવાપણાનો અહેસાસ કરાવે છે. હું જીવંત છું એ અનુભવ કરાવે છે. જીવવું અને જીવંત હોવું એ બન્ને વચ્ચે ફરક છે મિત્રો.
પ્રણયોર્મિ કાવ્યોના પ્રણેતા રમેશ પારેખનો એક શેર આ વસંતમાં યાદ કરવા જેવો છેઃ
શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ ઉજ્જડ રહી ગયું કોને ખબર?
આ ક્યાંક સ્પેશિયલી ફોર મી જ હતો એવી વસમી વેદનાનો અહેસાસ ન થાય માટે જ ગાઈ નાખો કે
મૈં પી આયા, મૈં પી આયા, મૈં પી આયા,
મૈં પ્રેમકા પ્યાલા પી આયા.
ઘોળી ઘોળીને ગટગટાવી જાવ ને ગાવ, મુઝે તુઝમે ઘોલ દે તો મેરે યાર બાત બન જાતી. એક વાર આ નશો લાગ્યો ને પ્રેમરસ રગ રગમાં વહેતો થયો પછી જુઓ કે જીવતરમાં બારે કોઠે દીવા જ દીવા છે.
જીવન આખું ગણગણતા જ રહેશો કે લહુ મુહ લગ ગયા…

લેખિકા કવયિત્રી અને પત્રકાર છે.