પ્રામાણિકતા એ ઉત્તમ નીતિ છે?

(‘ખુશવંતસિંહ’ – એક દંતકથા જેવું નામ! રૂંવે-રૂંવે જીવતો માણસ કેવો હોય એનું એમનાથી ચડિયાતું દષ્ટાંત ભાગ્યે જ જડે! એમની નિખાલસતા અને પારદર્શિતા પણ અજોડ! ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ના એક એવા તંત્રી જેમને કારણે ‘વીકલી’નું સર્ક્યુલેશન વધ્યું હતું. આવાં દષ્ટાંતો પણ જૂજ મળવાનાં. સર્જક પણ મોટા ગજાના! સ્વ. ખુશવંતસિંહ એમની મજાકો માટે પણ ખૂબ જાણીતા હતા. એક સંસ્થાએ એમને પ્રામાણિકતા માટેનો એવોર્ડ આપ્યો ત્યારે એમણે એમના પ્રવચન દ્વારા સૌને ચોંકાવી દીધા હતા. આ પ્રસંગને અનુલક્ષીને આ લેખ લખાયો છે)
‘આ ખુશવંતસિંહ બી ખરા છે!’ એક મિત્રે કહ્યું.
‘કેમ?’
‘તો શું? એક સંસ્થાએ એમને પ્રામાણિકતા માટેનો એવોર્ડ આપ્યો. એ એવોર્ડના અર્પણ-સમારંભમાં એમણે કહ્યું કે ‘તમે મને પ્રામાણિકતાનો એવોર્ડ આપો છો, પણ મેં કોન્ફરન્સમાં બીજાના પાકીટમાંથી ઘણી વાર પેન ઉઠાવી લીધી છે’ આવું કર્યું હોય તોયે પ્રામાણિકતાના એવોર્ડ અર્પણ-સમારંભમાં એવું કહેવાની શી જરૂર?’
‘આ તો ખુશવંતસિંહ! જોકે ખરેખર તો ખુશવંતસિંહ હાસ્યમજાકના માણસ હતા. એમણે એવોર્ડો આપવાની પ્રથાની મજાક કરવાય આવું કહ્યું હોય.’
‘પણ એમના જેવા માણસ કોઈની પેન ઉઠાવી લે એ સારું કહેવાય?’
‘જુઓ, કોઈની પેન ઉઠાવી લેવામાં મને કશી અપ્રામાણિકતા નથી લાગતી. કોઈની પેન રાખી પાડવામાં કશું ખોટું હોય એમ પણ હું માનતો નથી.’
‘શું? શું? તમેય આમ કહો છો? તમે આમ કહેશો એટલે તમને કોઈ એવોર્ડ નહિ આપી દે!’
‘મારી નબળાઈઓની જાહેર કબૂલાત કરી શકું એટલો મોટો માણસ કદાચ હું નથી; કદાચ નહિ, ચોક્કસ નથી. કોઈની પેન હું ઉઠાવી પણ નથી લેતો; પરંતુ ઉઠાવી લેવાનું મન તો મને થાય જ છે’
‘મને લાગે છે કે તમને સો વર્ષ થઈ ગયાં છે એ તમારે જાહેર કરવાની જરૂર નહિ રહે. તમારી વાતો પરથી જ લોકો સમજી જશે.’ ખુશવંતસિંહને બદલે મારા પર નાખુશ થઈને મિત્ર જતા રહ્યા.
‘સાઠે બુદ્ધિ જતી રહી છે’ એવું આ મિત્રે કહી દીધું. સાઠ પહેલાં મારામાં આવવી જોઈતી બુદ્ધિ કદી આવી જ નહોતી એવું પણ બીજા મિત્રો માને છે એટલે આ વિવાદાસ્પદ વાત બાજુ પર રાખીએ, પણ કોઈની પેન રાખી પાડવામાં કશું ખોટું હોય એવું મને ખરેખર નથી લાગતું. અલબત્ત, મેં ક્યારેય કોઈની પેન ચોરી નથી, પણ બીજાની પેન ચોરવાની વૃત્તિ જ મને કદી થઈ નથી કે થતી નથી એવું હું સોગંદપૂર્વક કહી શકું એમ નથી. સત્યના પ્રયોગો કરીને કહેવું હોય તો મારે કહેવું જોઈએ કે મેં નહિ કરેલા અનેક ગુનાઓ કેવળ હિંમતના અભાવે જ નથી કર્યા. શાળા-કોલેજમાં હું બહુ શાંત વિદ્યાર્થી તરીકે જાણીતો હતો, પણ ક્લાસમાં તોફાન કરવાની અદમ્ય વૃત્તિએ મને સતત સતાવ્યો હતો. વર્ગમાં ઊંઘતા મારા શિક્ષકનું કાર્ટૂન બોર્ડ પર દોરવાનું મને મન થતું. નિદ્રાધીન શિક્ષકના નાકમાં બજર ચડાવી દેવાના વિચારો પણ મને આવતા. એક-બે વાર દાદીમાની ડાબલીમાંથી શાળાએ બજર લઈ પણ ગયો હતો. અલબત્ત, મેં કરવા ધારેલાં તોફાનો હું કદી કરી શક્યો નહોતો; પરંતુ, આજે પણ આ વાત હું આનંદપૂર્વક નથી કહેતો, ખેદપૂર્વક કહું છું. કમાવાનું શરૂ કર્યા પછી મેં હંમેશાં પાઈએ પાઈનો આવકવેરો ભર્યો છે. પણ કરોડો રૂપિયાનો આવકવેરો બાકી નીકળતો હોય એવા મહાનુભાવો વિશે છાપામાં વાંચું છું ત્યારે મારામાં આવી હિંમત ન હોવા બદલ મને ખરેખર જ દુઃખ થાય છે. મને પણ શ્રીમંત થવાની અને લાખો રૂપિયાની નોટો કે ઘરેણાં છુપાવી રાખવાની વારંવાર ઇચ્છા થાય છે. ટ્રાફિક પોઇન્ટ પર હંમેશાં હું ડાહ્યોડમરો થઈને જ ઊભો રહું છું, પણ લાલ લાઇટ હોય ત્યારે સ્કૂટર દોડાવી જવાનો વિચાર દરેક વખતે મને અચૂક આવે છે એટલે ઘણી ખરી બાબતોમાં મારી નિર્દોષતા ગુનાની વૃત્તિના અભાવે નથી, ગુનો કરવાની હિંમતના અભાવે છે. માણસનું મન ઘણું વિચિત્ર છે. કોને કયો ગુનો કરવાની વૃત્તિ થઈ આવે છે એના કોઈ ચોક્કસ નિયમો નથી. કોઈના કાંડે સુંદર ઘડિયાળ જોઈને મારું મન કદી લોભાતું નથી. કોઈની આંગળીએ સુંદર વીંટી જોઈને કે કોઈના ગળામાં સોનાનો ચેઇન જોઈને એવી વીંટી કે ચેઇન મારે હોય તો કેવું સારું એવો ભાવ મને ક્યારેય થયો નથી, પણ કોઈની પાસે સરસ પેન જોઉં છું કે તરત જ એ પેનનું હરણ કરી લેવાના વિચાર આવે છે. એ વખતે મારે કશું લખવાનું ન હોય – લખવાનું હોય તોયે મારા ખિસ્સામાં પેન પણ હોય; છતાં, એ સરસ પેનનું ભલે અલ્પ સમય માટે પણ હસ્તાંતરણ (હાથબદલો) કરવાના શુભાશયથી (આમ તો જોકે દુરાશયથી) હું પેનના માલિકને કહું છું, ‘જરા તમારી પેન આપશો?’ હું હંમેશાં સત્ય જ બોલું છું એવું નથી, પણ હું ખાસ જૂઠું પણ બોલતો નથી, પણ કોઈની સરસ પેન જોઈને અસત્યના પ્રયોગો પર ઊતરી આવું છું. અનેક અજાણ્યા માણસો પાસે મેં આ રીતે અનેક વાર બેધડકપણે પેન માગી છે. ખાસ આ હેતુસર જ હું મારા ખિસ્સામાં ચાર-પાંચ પોસ્ટકાર્ડ રાખું છું. કોઈની પાસે સરસ પેન જોઉં કે તરત જ પેન માગીને એક-બે સ્નેહીને પોસ્ટકાર્ડ લખી નાખું છું. મારા મિત્રવર્તુળમાં ને મારાં સ્નેહીજનોમાં પત્રવ્યવહારની મારી નિયમિતતા ખૂબ જ વખણાય છે એનું રહસ્ય કોઈની પેનના અપહરણની મારી વૃત્તિ અને યથાશક્ય પ્રવૃત્તિમાં રહેલું છે! આપણા મૂર્ધન્ય વિદ્વાન સ્વ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પત્રો લખવામાં ખૂબ જ નિયમિત હતા. (તેઓ અલબત્ત પોતાની પેન જ વાપરતા), આથી કવિ ઉમાશંકર જોશી એમને પ્રેમથી ‘મેન ઓફ લેટર્સ’ કહેતા. ‘મેન ઓફ લેટર્સ’ એટલે પત્રોના માણસ એવો તો અર્થ ખરો જ, પણ ‘વિદ્વાન’, ‘સાક્ષર’ એવો અર્થ પણ ખરો. વિષ્ણુપ્રસાદભાઈ બન્ને અર્થમાં ‘મેન ઓફ લેટર્સ’ હતા. પત્ર લખવાની મારી નિયમિતતાથી પ્રભાવિત થઈને હજી સુધી કોઈએ મને ‘મેન ઓફ લેટર્સ’ની પદવીથી વિભૂષિત કર્યો નથી. ‘વિદ્વાન’ કે ‘સાક્ષર’ના અર્થમાં કોઈ મને ‘મેન ઓફ લેટર્સ’ કહે એવો મારો દુરાગ્રહ પણ નથી, પણ ‘પત્રોનો માણસ’ એ અર્થમાં હું ‘મેન ઓફ લેટર્સ’ અવશ્ય છું.
અલબત્ત, આનું રહસ્ય મારો પત્રપ્રેમ કે સ્વજનપ્રેમ નથી, પણ પેનપે્રમ છે એ મારે સત્યને ખાતર સ્વીકારવું જોઈએ. કોઈની પેન લખવા લઉં છું પછી એ પેન પાછી ન આપવાની મારી વૃત્તિ અવશ્ય હોય છે. જોકે પાછી આપી તો દઉં જ છું – ભલે અનિચ્છાએ! કોઈવાર પોસ્ટ ઓફિસે, કોઈવાર રેલવે-સ્ટેશને, કોઈ વાર બેન્કમાં મને આપેલી પેન પાછી લેવાનો આગ્રહ રાખ્યા વગર પેનના માલિક ચાલવા માંડે છે. હું એમને સાદ પાડીને રોકવા પ્રયત્ન કરું છું; પરંતુ મોટા હોલમાં છેક છેલ્લે બેઠેલા શ્રોતા સુધી વગર માઇકે પહોંચતો મારો અવાજ એ વખતે એકાએક સાવ દુર્બળ થઈ જાય છે એટલે કેટલીક વાર – જોકે કેટલીક વાર નહિ, ઘણી વાર મારા અવાજનો પેનના માલિકના કાન સાથે સંયોગ થતો નથી. પેનના માલિકની પાછળ દોડીને એમને પેન પાછી આપી દેવાનો વિચાર પણ મારા મનમાં આવે જ છે, પણ સારા વિચારોને મારા મન સુધી પહોંચતાં હંમેશાં વાર થાય છે એટલી વારમાં તો પેનના માલિક પેન તજીને સ્કૂટર પર કે મોટરમાં બેસીને અદશ્ય થઈ ચૂક્યા હોય છે.
‘હવે કોઈની પણ પેન મારી પાસે રહી જશે તો તે તરત જ પાછળ દોડીને એમને પેન પાછી આપી દઈશ.’ એવો સંકલ્પ હું કરું છું, પણ બીજા આવા પ્રસંગોએ આ સંકલ્પ સમયસર યાદ આવતો નથી. તેથી વિકલ્પે બીજી પેન પણ મારી પાસે રહી જાય છે. જોકે હવે ધીરેધીરે માણસનો માણસ પરથી વિશ્વાસ ઊઠતો જાય છે એવોય અનુભવ કેટલીક વાર થાય છે. પેનના એવાય માલિકો હોય છે, જે એકલી પેન જ આપે છે ને ઢાંકણું પોતાની પાસે રાખે છે; એટલું જ નહિ, હું લખી રહું ત્યાં સુધી માથા પર ઝળૂંબી રહે છે. માણસ માણસ પરનો વિશ્વાસ આ રીતે ખોઈ બેસે એ માણસજાત માટે શુભ નિશાની ન ગણાય. જોકે આવા માણસોની સંખ્યા હજી ઓછી છે; એટલે, માનવજાત માટે હજી થોડી આશા રહે છે.
મારા એક મિત્ર એમ માને છે કે એકવીસમી સદીમાં લેખનના સાધન તરીકે પેનનો ઉપયોગ તરીકે ધીરે ધીરે ઓછો થતો જશે અને લેખનકાર્ય માટે કેવળ કોમ્પ્યુટર જ વપરાશે. તમારે જે કંઈ લેખનકાર્ય કરવાનું હોય એ ઘરે જ કોમ્પ્યુટર પર ઉતારવાનું થશે. બેન્કોમાં, પોસ્ટ ઓફિસમાં અને એવાં જાહેર સ્થળોએ કાઉન્ટર પર કોમ્પ્યુટરો રખાશે ને તમે નક્કી કરેલી રકમનો સિક્કો નાખી આવાં કોમ્પ્યુટર વાપરી શકશો. મારા મિત્રને ડર છે કે બેન્ક કે પોસ્ટ ઓફિસનું કોમ્પ્યુટરો ઉપાડી લાવાનું મને મન થશે અને કોઈક વાર બુદ્ધિ સાવ બગડશે અને હું આવું કોમ્પ્યુટરો ઘેર ઉપાડી લાવીશ તો મારા પર પોલીસકેસ થશે ને જતી જિંદગીએ મારે જેલમાં જવું પડશે, પણ મિત્રનો આ ડર અકારણ છે. આવું કદી નહિ બને. એક તો મારી ઉંમર જોતાં મારે બેન્ક કે પોસ્ટ ઓફિસમાં જવાનું થશે ત્યાં સુધી હજી પેનનું ચલણ ચાલુ રહેશે એમ હું માનું છું અને ધારો કે પેનને પદભ્રષ્ટ કરી કોમ્પ્યુટરો સંપૂર્ણપણે ચલણમાં આવી જાય તો પણ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. કોઈની પચાસ-સો રૂપિયાવાળી પેન જોઈને એ પેનના માલિક બનવાની અને બને ત્યાં સુધી પૈસા ખર્ચ્યા વગર માલિક બનવાની ઇચ્છા મને થાય છે તે ખરું છે, પણ ચાલીસ-પચાસ હજાર રૂપિયાનું કોમ્પ્યુટરો જોઈ હું સહેજે લલચાઈશ નહિ એની મને ખાતરી છે.
મારા કહેવાનો સાર એ છે કે ખુશવંતસિંહને પેન ઉઠાવી લેવાની વૃત્તિ થઈ આવે એમાં કશું ખોટું નથી. મને પણ એમ જ થાય છે આનો અર્થ એવો પણ થાય કે મોટાં માણસો માત્ર સરખી રીતે વિચારતાં જ નથી, સરખી રીતે વર્તતાં પણ હોય છે!

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘મોજમાં રે’વું રે!’માંથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here