પ્રવાસન વિભાગ દ્રારા સૌરાષ્ટ્રમાં ૭ ટાપુઓને વિકસિત કરાશે

 

 

રાજકોટઃ ગુજરાત સરકાર ટુરીઝમ ક્ષેત્રને વિકસાવવાનાં અનેક પ્રયાસો કરી રહી છે. સૌરાષ્ટ્રનાં સાત ટાપુઓને હરવા ફરવા માટે વિકસાવવાનો પ્લાન હવે ગુજરાત સરકારે ઘડ્યો છે. રાજ્યમાં આઇલેન્ડ ડેવલપમેન્ટ માટે ઓથોરિટી બનાવવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કે સૌરાષ્ટ્રનાં કુલ ૭ આઇલેન્ડ ડેવલપ કરવાનો નિર્ણય કરાયો છે. ખાસ કરીને આ તમામનો આંદામાન અને નિકોબાર ટાપુ જેવો વિકાસ કરવામાં આવશે.  પ્રવાસન વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતનાં આઇલેન્ડના વિકાસ માટે ખાસ ગુજરાત આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવી છે. રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આઇલેન્ડ વિકાસના અભ્યાસ પાછળ કુલ ૧૦ કરોડનો ખર્ચ કરવાનું આયોજન છે. જેમાં આ આઇલેન્ડ કોણ ડેવલપ કરશે, કોને કામ સોંપાશે અને કેટલા આઇલેન્ડનો વિકાસ કરાશે એનો નિર્ણય જીઆઈડીબી કરશે.

સરકારે જે ઓથોરિટી બનાવી છે એ પ્રવાસન વિકાસ, આઈલેન્ડમાં સલામતી વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, બંદરથી કનેક્ટિવિટી અને બાયો ડાઇવર્સિટી જેવા મુદ્દાઓનો અભ્યાસ કરશે. ગુજરાતને ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે. આ દરિયામાંના આઈલેન્ડને આંદામાન અને નિકોબારની જેમ વિકસાવવાનો સરકારનો પ્લાન છે. જો આ પ્લાન સફળ થાય તો ઉનાળામાં લોકોને બહુ દૂર જવું પડશે નહિ. કારણ કે આ આઈલેન્ડ પર જવા માટે બોટની સુવિધાઓ પણ હશે. આઇલેન્ડ પર પર્યાવરણીય જતન સાથેની હોટલ્સ અને મોટલ્સની સુવિધાઓ પણ મળશે.

આઇલેન્ડની પ્રક્રિયામાં નદીઓના આઈલેન્ડનો પણ સમાવેશ કરાશે. માત્ર દરિયામાં જ ટાપુઓની સાથે સાથે કેટલીક નદીઓની વચ્ચે પણ આઇલેન્ડ જેવી ખૂબસૂરત જગ્યાઓ છે. જેમાં જામનગરના પિરોટન, દ્વારકા, પોરબંદર, આલિયાબેટ, મિયાણી, ઓખા, માધવપુર અને નર્મદા નદીની નજીકના પ્રખ્યાત કબીરવડનો પ્રથમ તબક્કે વિકાસ કરવામાં આવશે. જ્યારે પિરોટન ટાપુ નજીકના ન્યૂ બેડી બંદરથી ત્યાં પહોંચી શકવાની બાબતે આ ટાપુ પર લીમડો, કાથી, આંબળાં, બાવળ જેવાં વૃક્ષો અને ચેરનાં વૃક્ષ સહિત પરવાળા તેમજ ટાપુ પર લાઇટ હાઉસ-દીવાદાંડી વગેરેને કારણે ટાપુના પ્રવાસનધામ તરીકે વિકાસની સંભાવનાઓ પ્રબળ છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ઓખાથી બેટ દ્વારકા જવા માટે હાલ બોટનો સહારો લેવો પડી રહ્યો છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઓખાથી બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. બ્રિજ બનતા બેટ દ્વારકા ટાપુ ધમધમતો થશે. તો બીજી બાજુ સરકાર દ્વારા આ ટાપુ વિકસાવવા જાહેરાત પણ કરાઈ છે. જેથી બેટ દ્વારકા ટાપુ પર જમીનના ભાવો પણ અત્યારથી વધવા લાગ્યા છે. દ્વારકા ટાપુ પર વિકાસ થતાં ધંધારોજગાર ધમધમતા થશે અને યાત્રિકોને તમામ સુવિધા મળી રહેશે.

પિરોટન ટાપુનો મરીન નેશનલ પાર્કમાં સમાવેશ થાય છે અને સુરક્ષાની દષ્ટિએ પિરોટન ટાપુ ગંભીર મુદ્દો છે. તો બીજી બાજુ, દરિયામાંથી બોટ વાટે પહોંચવું પડે છે. દરિયામાં સતત ભરતી અને ઓટ આવે છે. પિરોટન ટાપુ વિકસે તો ક્યારે અને કઇ તિથિએ પ્રવાસીઓને પિરોટન ટાપુ પર પહોંચવું એ સમયનો એક પ્રશ્ન ઊભો થશે. આમ, પિરોટન ટાપુ પર પ્રથમ દષ્ટિએ વિકસાવવાની વાત બંધબેસતી નથી.

ભારતના નીતિ આયોગે ગુજરાતમાં ૧૪૪ જેટલા આઈલેન્ડ શોધી કાઢ્યા છે અને ગુજરાત સરકારને એનો વિકાસ કરવા માટે ચોક્કસ નીતિ બનાવવાની ભલામણની સાથે ૧૦૮ કરોડની જોગવાઈ કરવાની પણ વિચારણા ચાલી રહી છે. જેમાં ૧૪૪ પૈકી ૨૬ આઈલેન્ડ ખડકો અને દરિયાની વચ્ચે આવેલા છે. આ તમામ આઇલેન્ડનો અભ્યાસ કર્યા પછી નીતિ આયોગે ગુજરાતને કુલ ૭ આઇલેન્ડ પ્રથમ તબક્કામાં વિકાસ માટે શોધી આપ્યા હતા. જેમાં મામલિયા, મુર્ગા, બેટ બેટ દ્વારકા, પિરોટન, શીયાળ બેટ, પિરામ અને આલિયાબેટનો સમાવેશ થાય છે. ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બોર્ડ જીઆઈડીબીએ આ આઇલેન્ડના વિકાસ માટેનો અભ્યાસ કર્યો છે અને હાલ રિપોર્ટ ફાઇનલ સ્ટેજ પર હોવાનું જાણવા મળ્યું છે. આ બોર્ડે વિકાસના અભ્યાસ પાછળ કુલ ૧૦ કરોડનો ખર્ચ પણ કરી દીધો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here