પૌરાણિક કન્યાઓ પગલાં પારખવાની કલામાં પણ પારંગત હતી

0
839

(ગતાંકથી ચાલુ)
એ જ રીતે અશોકસુંદરી ભવિષ્યદર્શનના શાસ્ત્રની જાણકાર હતી. પદ્મપુરાણની અશોકસુંદરીએ હુંડ ગૈત્યને ભાવિનું દર્શન કરાવતાં કહેલું કે, ‘જ્યારે દ્વાપર નામનો અઠ્યાવીસમો યુગ આવશે ત્યારે શેષનાગના અવતાર વસુદેવપુત્ર શ્રી બળદેવજી થશે. તે રેવતની દિવ્ય પુત્રીને પોતાની પત્ની બનાવશે. તે રેવતી પણ યુગોમાં ઉત્તમ સતયુગમાં થશે. એમ ત્રણ યુગના પ્રમાણમાં રેવતી બળદેવ કરતાં પણ ઘણી મોટી ઉંમરની હશે. છતાં તે રેવતી પોતાના કરતાં અતિશય નાની ઉંમરના બળદેવની પ્રિય પત્ની થશે. એ રેવતી નામની સ્ત્રી ભવિષ્યનો દ્વાપરયુગ પ્રાપ્ત થશે ત્યારે થશે. તે જ પ્રમાણે પૂર્વે માયાવતી નામની એક શ્રેષ્ઠ ગંધર્વપુત્રી ઉત્પન્ન થઈ હતી. તેને દાનવોમાં ઉત્તમ શંબરે અપહરણ કરી પોતાના કબજામાં રાખી હતી. તેનો પતિ શ્રીકૃષ્ણનો બળવાન પુત્ર પ્રદ્યુમ્ન નામનો ઉત્તમ વીર થવાનો છે. આ ઘટના પણ ભવિષ્યમાં બનવાની છે. છતાં પુરાતની જ્ઞાનીઓ વ્યાસ આદિ મહાત્માઓ એને પ્રત્યક્ષ જોઈ રહ્યા છે.’ આ વિધાનો પરથી સ્પષ્ટ થાય છે કે અશોકસુંદરી ભવિષ્યશાસ્ત્રમાં પારંગત હતી.
ભવિષ્યશાસ્ત્રની એક શાખાના રૂપમાં સામુદ્રિક શાસ્ત્રનો વિકાસ થયો હતો. આ શાસ્ત્રમાં શારીરિક ચિહ્નો પરથી ભાવિનું દર્શન કરી શકાય છે. વામનપુરાણની તપતી આ સામુદ્રિક શાસ્ત્રની જાણકાર હતી. એક વાર તપતીએ અરણ્યમાં વિહરતા દેવકુમાર જેવા સંવરણને જોયો. એના વિશે વાત કરતાં તપતીએ વસિષ્ઠ ઋષિને કહ્યુંઃ ‘એ કુમારને હું આ જાતનાં લક્ષણોથી ઓળખું છું. તેના સુંદર પગમાં ચક્ર, ગદા અને તલવારનાં ચિહ્ન છે. તેની જંઘાઓ અને ઉરુ હાથીની સૂંઢ જેવા છે. સિંહના જેવી તેની કમર છે. તેનું પેટ સૂક્ષ્મ ત્રિવલીયુક્ત છે. તેની ડોક શંખના જેવી છે. તેના ભુજ ઘટ્ટ, કઠણ અને દીર્ઘ છે. તેના હાથ કમળદળનાં ચિહ્નવાળા છે. તેનું મસ્તક છત્રની માફક સુશોભિત છે. તેને કાળા અને વાંકડિયા વાળ છે. કાન માંસથી ભરાવદાર છે. નાક સીધું અને અણિયાળું છે. તે રાજકુમારનાં છ અંગ-બગલ, કૂખ, છાતી, નાક, ખભા અને કપાળ – ઉન્નત છે. ત્રણ અંગ – સ્વર, ગતિ અને નાભિ ગંભીર છે. ત્રણ અંગ – ભવાં, અંડકોશ અને બાહુ – લાંબા છે. સાત અંગ – બે આંખના ખૂણા, નખ, બે હથેળી અને બે પગનાં તળિયાં રાતાં છે. ચાર અંગ – કેશ, ભ્રમર અને બે આંખની કીકી – કાળાં છે. ત્રણ અંગ – પગનાં તળિયાંનો મધ્ય ભાગ, પાદરેખા અને હડપચી – ખૂબ નમેલાં છે. માતાપિતાના બન્ને વંશથી તે શુદ્ધ છે. ક્ષમા, દયા, સત્ય અને ધર્મ – એ ચાર વડે યશસ્વી છે. તેનું મુખ, નેત્ર, હોઠ, મધ્ય ભાગ, જીભ, તાળવું, વક્ષ, નખ, હાથ અને પગે – એ દસ કમળસમાન છે. આમ તપતી શરીરનાં અંગો અને તેનાં લક્ષણોની જાણકાર હતી.
એ જ રીતે સુકન્યા શારીરિક ચિહ્નોની જાણકાર હતી. એ ચિહ્ન પરથી જ તેણે દેવ અને મનુષ્ય વચ્ચેનો ભેદ પારખ્યો હતો. ભવિષ્ય પુરાણની કથા અનુસાર અશ્વિનીકુમારોએ સુકન્યાના વૃદ્ધ પતિ ચ્યવનને યુવાન બનાવ્યા પછી સુકન્યાને કહ્યુંઃ ‘અમે તારા પતિને અમારા જેવા સ્વસ્થ અને સુંદર બનાવી દઈશું. અમે ત્રણે જ્યારે ગંગામાં સ્નાન કરીને બહાર નીકળીએ ત્યારે તું જેને પતિરૂપે પસંદ કરવા ઇચ્છે તેને કરજે.’ આમ કહીને અશ્વિનીકુમારો ચ્યવનને લઈને ગંગાજીના જળમાં પ્રવેશ્યા. થોડી વાર પછી ત્રણે બહાર નીકળ્યા. સમાન રૂપ, સમાન અવસ્થા તથા સમાન વસ્ત્ર – આભૂષણોથી અલંકૃત. સુકન્યાને મૂંઝવણ થઈ કે આમાંથી ચ્યવન કોણ હશે? એણે પ્રાર્થના કરી એટલે અશ્વિનીકુમારોએ દેવતાઓનાં ચિહ્ન ધારણ કર્યાં. સુકન્યાએ જોયું કે ત્રણમાંના બેની પાંપણ હાલતી નથી. અને તેમનાં ચરણ ભૂમિને સ્પર્શ કરતાં નથી. એટલે એ બન્ને દેવ જ છે, પણ જે ત્રીજા છે તે ભૂમિ પર ઊભા છે. અને તેમની પાંપણો પણ ફરકે છે. એટલે નક્કી એ જ મારા સ્વામી ચ્યવન મુનિ છે. અને ખરેખર એ જ ચ્યવન હતા. આમ સુકન્યા શારીરિક ચિહ્નો પારખવામાં પારંગત હતી.
એ જ પ્રમાણે વિષ્ણુપુરાણની ગોપાંગના પદચિહ્નોની પારખુ હતી. કથા અનુસાર એક વાર ગોપીઓ વૃંદાવનમાં ફરતી હતી ત્યારે એક ગોપાંગનાએ જમીન પર ધ્વજ, વ્રજ, અંકુશ તથા કમળની રેખાઓવાળાં શ્રીકૃષ્ણનાં પગલાં જોયાં. તે જોઈને તેનાં સઘળાં અંગો રોમાંચિત બન્યાં. તેણે સખીઓને કહ્યુંઃ ‘હે ગોપીઓ, જુઓ, આ સુંદર ચાલે ચાલતાં શ્રીકૃષ્ણનાં પગલાં છે. જેણે પુણ્ય કર્યાં છે એવી મદમાતી કોઈક સ્ત્રી તેમની સાથે ગયેલી છે, કેમ કે તે સ્ત્રીનાં પણ આ ઘાટાં નાનાં પગલાં અહીં પડેલાં દેખાય છે. આગળ જતાં શ્રીકૃષ્ણે ઊંચા ઉભડક પગે થઈ અવશ્ય વેલીઓનાં પુષ્પો ચૂંટ્યાં છે, કારણ કે અહીં એ મહાત્માનાં પગલાં માત્ર આગલા ભાગોથી જ દબાયેલાં પડ્યાં છે. વળી અહીં – લગાર આગળ જઈ – બેસીને કૃષ્ણે એ સ્ત્રીને પુષ્પોથી શણગારી છે. ખરેખર તે સ્ત્રીએ પૂર્વજન્મમાં વિષ્ણુ ભગવાનને બરાબર પૂજ્યા હશે. પણ અલી! અહીં તો જુઓ – માથામાં પુષ્પો ગૂંથવાથી અભિમાની બનેલી તે સ્ત્રીને છોડી દઈ કૃષ્ણ આ બીજા માર્ગે જતા રહ્યા છે. બીજી કોઈ સ્ત્રી તેમની પાછળ ઉતાવળી જઈ રહી છે, પણ કેડના પાછલા ભાગ – નિતંબના ભારથી ધીમી ચાલે જતી જણાય છે, કેમ કે આ તેનાં પગલાંની પંક્તિ પરાધીન પગલાંવાળી જણાય છે, પરંતુ અહીં કૃષ્ણે એ સ્ત્રીને પોતાના હાથનો માત્ર સ્પર્શ જ થવા દઈ પાછી તરછોડી જણાય છે, કેમ કે નિરાશા થવાને લીધે તે સ્ત્રીનાં પગલાં અહીં પાછાં પડેલાં લાગે છે. નક્કી, અહીં તે કૃષ્ણે એ સ્ત્રીને આમ કહ્યું જણાય છે કે, આપણે રમવાનાં ગુપ્ત લતાગૃહો જોવા હું ઉતાવળો થઈને પાછો જલદી તને તેડવા તારી પાસે આવું છું. એમ કહીને તે જલદી ગયેલા લાગે છે, કેમ કે તેમની આ પગલાંની પંક્તિ ઉતાવળી પડેલી લાગે છે. વળી પાછું આ સ્થળે શ્રીકૃષ્ણ કોઈ વાહનમાં બેસીને ગયેલા લાગે છે, કેમ કે અહીંથી તેમનાં પગલાં હવે જણાતાં નથી.’ ગોપાંગનાનાં આ ઝીણવટભર્યાં અને સૂક્ષ્મ અવલોકન પરથી પુરવાર થાય છે કે એ પગલાં પારખવાની કલામાં પારંગત હતી.
આ ગોપાંગના અને અન્ય ગોપીઓ ગીત, સંગીત તથા નૃત્ય જેવી કળાઓમાં પણ નિપુણ હતી. વિષ્ણુપુરાણ અનુસાર ગોપીઓએ કૃષ્ણ સાથે રાસલીલા કરી. ઉપરાંત કૃષ્ણના લયને અનુસરીને ગોપીઓ તેમના સ્વરમાં સ્વર મિલાવીને ગાવા લાગી. બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગોપીઓએ હાથમાં કરતાલ, મૃદંગ અને સ્વરયંત્ર ધારણ કર્યાં. કેટલીકે પોતાના હાથમાં વીણા લીધી હતી. આમ 36 રાગરાગિણીઓ ગોપીના રૂપમાં આવી. કેટલીક ગાવા લાગી ને કેટલીક નૃત્ય કરવા લાગી. આ ગોપીઓની જેમ ઉર્વશી પણ નૃત્યમાં નિપુણ હતી. એટલે જ તો તેણે નૃત્યનાટિકામાં ભાગ લીધો હતો. પદ્મપુરાણ અને મત્સ્ય મહાપુરાણ અનુસાર ઇન્દ્રની આજ્ઞાથી ભરત મુનિએ પુરુરવાને માન આપવા માટે ‘લક્ષ્મી સ્વયંવર’ નામનું નાટક યોજ્યું. તેમાં ઉર્વશી, મેનકા અને રંભાને નૃત્ય કરવા આદેશ આપ્યો. ઉર્વશીએ લક્ષ્મીનું રૂપ ધારણ કર્યું અને લય સાથે નૃત્ય કરવા લાગી. એ જ રીતે કામદેવની પત્ની રતિએ પણ નાટિકામાં નૃત્ય કર્યું હતું. પદ્મપુરાણની કથા પ્રમાણે કામદેવે યયાતિ રાજાના દરબારમાં વામનચરિત્ર પર આધારિત નૃત્યનાટિકા ભજવી. તેમાં કામદેવ પોતે સૂત્રધાર હતો. વસંત ઋતુ તે કામદેવની પાસે રહેનારો સેવક બન્યો. કામપત્ની રતિ પોતે સૂત્રધારની પત્ની બની. તેણે નટીનો વેશ ધારણ કર્યો. કામદેવ નેપથ્યમાં ફરતો અને રતિ નૃત્ય કરતી. આ નાટિકામાં જરા નામની સ્ત્રી ઉત્તમ ગીતને સુંદર સ્વરમાં ગાવા લાગી. (ક્રમશઃ)

લેખિકા વરિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here