પૌરાણિક કન્યાઓ ગણિતશાસ્ત્રમાં નિપુણ હતી

0
954

(ગતાંકથી ચાલુ)
એટલે સ્નાન કરી, શુદ્ધ થઈ, બ્રાહ્મણોના આશીર્વાદ લઈ વીંટીમાં રહેલા સૂક્ષ્મ અક્ષરોવાળું લખાણ બહાર કાઢ્યું. તેમાં લખ્યું હતું કે, ‘દરેક મનુષ્યે ખરા અંતઃકરણથી માયિક ઉપાધિનો ત્યાગ કરવો અને જો તેનો ત્યાગ કરી શકે તેમ ન હોય તો તે ઉપાધિનો સંગ સજ્જનો સાથે રહીને કરવો. સજ્જનોનો સંગ એ જ એમાંથી મુક્ત થવાનું ઔષધ છે.’ વીંટી પર લખવામાં કુશળ મદાલસાનો આ ધર્મબોધ હતો.
મદાલસાએ ધર્મબોધ આલેખ્યો જ્યારે દમયંતીએ શ્લોકના સ્વરૂપમાં આપવીતી લખી. વામનપુરાણની દમયંતી અંજન અને પ્રમ્લોચાની દીકરી હતી. તેનો જન્મ થયો ત્યારે મુદગલ ઋષિએ ભવિષ્ય લખેલું કે આ બાળા રાજાની પટરાણી થશે એમાં શંકા નથી, પણ કન્યાવસ્થામાં તેને ઘણું કષ્ટ પડશે. એવું જ થયું. દમયંતી પર દુઃખના ડુંગરા ખડકાયા, સંકટોનો સામનો કરતાં કરતાં એ યમુનાકાંઠે શ્રીકંઠ તીર્થમાં જઈ પહોંચી ત્યાં મંદિરમાં એક ઋષિએ લખેલો શ્લોક વાંચ્યો. તેનો અર્થ સમજી લીધો. પછી મુદગલ ઋષિએ પોતાનું ભાવિ કહેલું તે ઉપરથી આત્મવૃત્તાંતનો આ શ્લોક લખ્યોઃ
મુદગલેનાસ્મિ ગદિતા રાજપત્ની ભવિષ્યતિ૤
સા યાવસ્થાભિમાં પ્રાપ્તા કશ્વિન્માં ત્રાતુમશ્વરઃ૤૤
અર્થાત્ મુદગલે કહેલું કે હું રાજપત્ની થઈશ, પણ હું તો આવી અવસ્થા ભોગવું છું. મારું રક્ષણ કરવાને કોણ સમર્થ છે?
અહીં પુરવાર થાય છે કે દમયંતી અક્ષરજ્ઞાન ધરાવવાની સાથે જ લેખનશાસ્ત્રમાં પણ કુશળ હતી. એટલે જ પોતાની આપવીતીનું બયાન શ્લોકરૂપે કરી શકી હતી.
પૌરાણિક ગ્રંથોમાં લેખનની જેમ જ અન્ય શાસ્ત્રોમાં પારંગત કન્યાઓનાં દષ્ટાંત પણ જોવા મળે છે. સ્કંદ મહાપુરાણની કુમારી ગણિતશાસ્ત્રમાં નિપુણ હતી. કુમારી શતશ્રૃંગ રાજાની કુંવરી હતી. શતશ્રૃંગ એક કુંવરી ઉપરાંત આઠ પુત્ર એમ નવ સંતાનના પિતા હતા. શતશ્રૃંગે રાજકાજ છોડીને તપસ્યા કરવા જવાનું વિચાર્યું. એટલે ભારતના નવ વિભાગ કર્યા. એમાંના આઠ વિભાગ પોતાના આઠ પુત્રને આપ્યા. નવમો ભાગ કુંવરીને આપ્યો. એ નવેનવ ખંડ કુમારી અને પુત્રોના નામથી જ પ્રસિદ્ધ થયા. ઇન્દ્રદ્વીપખંડ, કસેરુખંડ, તામ્રદ્વીપખંડ, ગભસ્તિમાનખંડ, નાગખંડ, સૌમ્યખંડ, ગંધર્વખંડ, વરુણખંડ અને કુમારિકાખંડ… એમાં પર્વતો હતા. મહેન્દ્ર, મલય, સદ્મ, શુક્તિમાન, ઋચ્છ, વિંધ્ય અને પારિયાત્ર. આ સાત કુળપર્વત હતા. મહેન્દ્રની પાછળનો ભાગ ઇન્દ્રદ્વીપખંડ અને પારિયાત્રની પાછળનો ભાગ કુમારિકાખંડ. આ બધા ખંડ એક એક હજાર યોજનનો વિસ્તાર ધરાવતા.
કુમારી પોતાના પ્રદેશમાંથી થતી આવકમાંથી દાન કરતી. એ સ્તંભતીર્થમાં રહીને તપસ્યા કરવા લાગી. આઠ ભાઈઓને પ્રત્યેકને નવ પુત્ર થયા. એ સૌ એક દિવસ ભેગા મળીને કુમારી પાસે આવ્યા. કહ્યુંઃ ‘તમે અમારાં કુળનાં દેવી છો. અમારા પર કૃપા કરો. અમે બોતેર ભાઈ છીએ, અને અમારી પાસે આઠ ખંડ છે. તમે આ પ્રદેશોની અમારી વચ્ચે વહેંચણી કરી દો, જેથી અમારામાં ફાટફૂટ ન પડે.’
કુમારીએ વિનંતી સ્વીકારી. આઠ ભાઈઓના આઠ અને પોતાનો એમ કુલ મળીને ભારતવર્ષના નવ ખંડના બોતેર ભાગ કર્યાઃ મંડળ પ્રદેશમાં ચાર કરોડ ગામ સામેલ કર્યા. અઢી કરોડ ગામનો બનેલો પ્રદેશ બાલાક કહેવાય છે. ખુરાસાહણક દેશમાં સવા કરોડ ગામ છે. અંધારમાં ચાર લાખ ગામ છે. નેપાળમાં એક લાખ ગામ છે. કાન્યકુબ્જ દેશ છત્રીસ લાખ ગામનો બનેલો છે. જનક પ્રદેશનાં બોતેર લાખ ગામ છે. ગૌડ દેશનાં અઢાર લાખ ગામ છે. કામરૂપનાં નવ લાખ, લાહર્વ અને માલદેશમાં નવ નવ લાખ ગામ છે. પામ્બીપુરમાં સાત લાખ, રટરાજમાં સાત લાખ, હરિઆલમાં પાંચ લાખ, ઇડદેશમાં સાડા ત્રણ લાખ, થામ્ભણવાહકમાં સાડા ત્રણ લાખ, નીલપુરમાં એકવીસ હજાર, અમ્લદેશમાં એક લાખ, નરેન્દુ દેશમાં સવા લાખ, તિલંગ દેશમાં સવા લાખ, મેવાડ દેશમાં સવા લાખ, બાગુરિ દેશમાં એંસી હજાર, ગુર્જર દેશમાં સત્તર હજાર, પાંડુ દેશમાં સત્તર હજાર, તેજાકુતિમાં બેતાળીસ હજાર, કાશ્મીર મંડળમાં અડસઠ હજાર, કોંકણ દેશમાં છત્રીસ હજાર, લઘુ કોંકણ દેશમાં 1440 ગામ, સૌરાષ્ટ્રમાં પંચાવન હજાર ગામ તથા તાડ દેશમાં એકવીસ હજાર ગામ આવેલાં મનાય છે. અતિસિંધુમાં દસ હજાર, અશ્વમુખમાં દસ હજાર, સજાનુહૂતિ દેશમાં દસ હજાર, વેણુ દેશમાં દસ હજાર, કલહજ દેશમાં દસ હજાર, દ્રવિડ દેશમાં દસ હજાર, ભદ્રાશ્વ તથા દેવ ભદ્રાશ્વમાં પણ દસ દસ હજાર ગામ, ચિરાયુષમાં દસ હજાર, યમકોટિ દેશમાં દસ હજાર અને રોનક દેશમાં અઢાર કરોડ ગામ છે. કામરુ, કર્ણાટક અને મંગલ એ પ્રત્યેક દેશમાં સવા લાખ ગામ છે. સ્ત્રીરાજ્યમાં પાંચ લાખ અને પુલસ્તિ દેશમાં દસ લાખ ગામ છે. કાંબોજમાં દસ લાખ, કૌશલમાં દસ લાખ, વાહિનકમાં ચાર લાખ, લંકામાં છત્રીસ હજાર, વર્ધમાનમાં ચોસઠ હજાર, સિંહલદ્વીપમાં દસ હજાર, પાંડ્ય દેશમાં છત્રીસ હજાર, મૂલસ્થાનમાં પચીસ હજાર, યવન દેશમાં ચાળીસ હજાર અને પક્ષબાહુમાં ચાર હજાર દેશ ગણવામાં આવે છે… આમ કુમારીએ બોતેર દેશ અને તેના ગામોનું વર્ણન કર્યું. એ સમયના ભારતનાં કુલ ગામોની સંખ્યા 96 કરોડ 72 લાખ અને 36 હજાર છે. કુમારીએ પોતાના ભાગે આવેલા પ્રદેશો સહિતના દેશોના ભાગ પાડીને ભત્રીજાઓને આપી દીધા. ભત્રીજાઓ પોતાની ફોઈનો ભાગ લેવા ઇચ્છતા નહોતા, પણ કુમારીએ સમુદ્ર સુધીના નવ ખંડના વિભાગ કરીને ભત્રીજાઓને સોંપી દીધા… કુમારીએ જે કુશળતાથી ગામો તથા પ્રદેશોની ગણતરી અને વહેંચણી કરી તે પુરવાર કરે છે કે એ ગણિતશાસ્ત્રમાં પારંગત હતી!

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here