પેટ્રોલ, ડીઝલને જીએસટી હેઠળ લાવવાની વિચારણા કરવાનો નાણામંત્રીનો સંકેત

 

નવી દિલ્હીઃ મોટર ફ્યુઅલ પર ઊંચા દરે વેરાઓ અંગે કાગારોળ વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે જણાવ્યું હતું કે તેઓ જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દાયરા હેઠળ લાવવાની ચર્ચા કરવા માટે આનંદિત હશે.

રાજ્યોના વેરાઓ અને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલ અને ડીઝલની છૂટક વેચાણ કિંમતના અડધા કરતા વધુ જેટલો ભાગ ધરાવે છે. ઉદાહરણ તરીકે, દિલ્હીમાં પેટ્રોલની હાલની કિંમત ૯૧.૧૭ રૂ. લિટર છે જેમાં વેરાઓનો હિસ્સો ૬૦ ટકા જેટલો થાય છે જ્યારે ડીઝલની કિંમત ત્યાં લિટરે ૮૧.૪૭ રૂ. છે જેમાં વેરાઓનો હિસ્સો ૫૩ ટકા કરતા વધારે છે. છૂટક કિંમતોમાં ૩૯ ટકા જેટલો ભાગ સેન્ટ્રલ એક્સાઇઝનો હોય છે.

આજે લોકસભામાં નાણાકીય બિલ ૨૦૨૧ પરની ચર્ચાનો જવાબ આપતા નાણા મંત્રીએ કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય  બંને સરકારો વેરાઓ લે છે. અલબત્ત, કેન્દ્ર પોતાના વેરાની વસૂલાતની વહેંચણી રાજ્ય સરકારો સાથે કરે છે. આજની ચર્ચાના આધારે હું પ્રમાણિકપણે માનું છું કે ઘણા રાજ્યો આ જુએ છે.

જો જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં તે ચર્ચા પર આવશે તો હું તેને એજન્ડા પર લેવામાં આનંદ અનુભવીશ. મને કોઇ વાંધો નથી. રાજ્યોને આવવા દો અને ચર્ચા કરવા દો. નિર્ણય ત્યાં લેવાનો છે એમ તેમણે કહ્યું હતું. કેન્દ્રીય નાણામંત્રીના વડપણ હેઠળની જીએસટી કાઉન્સિલે જીએસટીને લગતા નિર્ણયો લેનારી સર્વોચ્ચ સંસ્થા છે જેમાં રાજ્યોના નાણા મંત્રીઓનો સમાવેશ થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here