પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત નહીંઃ નાણામંત્રી નિર્મલા સીતારામન

 

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી વધીને આમઆદમીના ખિસ્સા દઝાડતી અભૂતપૂર્વ સપાટીએ પહોંચી ગયા છે પણ સરકાર તરફથી આમાંથી રાહતના કોઈ અણસાર સુદ્ધાં મળતાં નથી. જેમાં સોમવારે વધુ એકવાર ઠાલી વાતો જેવું નિવેદન નાણામંત્રી નિર્મલા સીતારામને કર્યુ છે. તેમણે કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવો પર નિર્ભર છે અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારોએ આ સ્થિતિ સંભાળવી પડશે. છત્તીસગઢના રાયપુરમાં ભાજપ કાર્યાલયમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમત વૈશ્વિક બજારોમાં ઉછળવાનાં કારણે વધી છે. જેથી તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે ભેગા મળીને આ મુદ્દાને સંભાળવો પડશે. 

વધુમાં તેમણે કહ્યું કે ભારત તેની જરૂરિયાત પ્રમાણે ૯૯ ટકા પેટ્રોલ અને ડીઝલની આયાત કરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પર માત્ર કેન્દ્ર સરકાર ટેક્સ નથી લગાવતી. કેન્દ્ર સરકાર પેટ્રોલના ભાવ પર એક નિશ્ચિત ટેક્સ વસૂલે છે જ્યારે રાજ્ય સરકાર તેના પર વેટ લગાવે છે. સમગ્ર મામલે નિર્મલા સીતારામને કહ્યું કે પેટ્રોલના વધતા ભાવને કારણે સામાન્ય નાગરિકોને ભારે તકલીફ પડી રહી છે. 

દરમ્યાન એક તરફ તેલ કંપનીઓ નફો કમાઈ રહી છે અને બીજી તરફ સરકારની તિજોરી ભરાઈ રહી છે પણ આમ આદમી બેહાલ બની રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સોમવારે પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો. પેટ્રોલમાં લીટરે ૨પ પૈસા અને ડીઝલમાં ૩૦ પૈસાના વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ રૂ. ૧૦૨.૬૪ અને ડીઝલના ભાવ રૂ. ૯૧.૦૭ થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ તેલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી વધારો જોવા મળી રહ્યો છે. જો કે, સોમવારે કિંમતોમાં સાધારણ ઘટાડો પણ નોંધાયો હતો. 

બ્રેન્ટ ક્રુડની કિંમત ૦.૧૩ ટકા ઘટીને ૭૯.૩૮ ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત ૧૧૪ રૂપિયાને પાર કરી ગઈ છે તો જયપુરમાં પેટ્રોલના દામ ૧૦૯ રૂપિયાથી ઉપર પહોંચી ગયા છે. ભોપાલ અને ઈન્દોરમાં ડીઝલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર થઈ ગઈ છે. ગુજરાતના ભાવનગર અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં પણ પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર થઈ ગઈ છે. ચોતરફ  મોંઘવારીની ભીંસથી પ્રજા બેહાલ છે ત્યારે સરકાર ઈંધણ પરની જકાતમાં રાહત આપીને લોકોને ફાયદો કરાવે એવી અપેક્ષા સેવાઈ રહી છે પરંતુ નાણામંત્રીનું વલણ એ બાબત સ્પષ્ટ કરે છે કે, સરકાર પોતાની આવકમાં કાપ મૂકીને લોકોને લાભ પહોંચાડવાના મૂડમાં નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here