પુત્ર પર પિતા કરતાં સો ગણો અધિક સ્નેહ માતાનો હોય છે

0
1019

(ગતાંકથી ચાલુ)
સંધ્યાવલીએ રુકમાંદગને હિંસા અને અહિંસા ઉપરાંત ધર્મ અને સત્યનું જ્ઞાન પણ આપ્યું. રુકમાંગદ સમક્ષ ધર્મ છોડવો અથવા પુત્ર ધર્માંગદનો વધ કરવો એવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે સંધ્યાવલીએ દ્વિધામાંથી માર્ગ કાઢવા કહ્યુંઃ ‘ધર્મ છોડવા કરતાં તો પુત્રનો વધ કરવો જ શ્રેષ્ઠ છે. ગર્ભ ધારણ કરવામાં માતાને જ અધિક ક્લેશ સહન કરવો પડે છે. બાળક પર તેનો જ સ્નેહ વિશેષ હોય છે. ખેદ અને સ્નેહ જેવો માતાનો હોય છે તેવો પિતાનો હોઈ શકતો નથી. આ ભૂતલ પર પિતાને બી વાવનાર કહેવામાં આવ્યો છે અને માતા તેને ધારણ કરનારી છે. તેથી બાળકનું પાલનપોષણ કરવામાં વધારે કષ્ટ તેને જ ઉઠાવવું પડે છે. પુત્ર પર પિતા કરતાં સો ગણો સ્નેહ માતાનો હોય છે. તેના સ્નેહની અધિકતા પર જ દષ્ટિ રાખીને ગૌરવમાં માતાને પિતા કરતાં મોટી માનવામાં આવી છે. હું માતા હોઈને પણ સત્યના પાલનથી પરલોકને જીતવાની ઇચ્છા રાખીને પુત્રસ્નેહને તિલાંજલિ આપી ચૂકી છું. સ્નેહને દૂર કરી પુત્રનો વધ કરો. સત્યનું પાલન કરાવનારી આપત્તિઓને પણ ધન્ય છે. સત્યનું રક્ષણ કરાવનારી હોવાથી માણસો માટે તે મોક્ષ આપનારી છે. માટે આપના સત્યની રક્ષા કરો. સત્યના પાલનથી વિષ્ણુનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે.
સંધ્યાવલીની જેમ જ રુકમાંદગની બીજી રાણી મોહિની પણ શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન ધરાવતી હતી. એટલે જ મોહિનીએ રુકમાંગદ રાજાને કર્તવ્યપાલન, રાજાઓનાં કર્મ, સત્ય અને વ્રત અંગે બોધવચનો કહ્યાં હતાં. રુકમાંગદ મોહિની માટે વધુ સમય ફાળવી ન શકતો. એટલે મોહિનીએ વિવિધ ઉદાહરણો સાથે કર્તવ્ય-પાલનનું મહત્ત્વ સમજાવતાં કહ્યુંઃ જે માણસ અન્ય કાર્યોમાં લાગ્યો રહીને પોતાની પત્નીનું સેવન કરતો નથી તેની તે પત્ની કેવી રીતે રહી શકે? જેનું દાન કરવામાં આવતું નથી તે ધન પણ ચાલ્યું જાય છે. જેનું રક્ષણ કરવામાં આવતું નથી તે રાજ્ય વધુ સમય ટકતું નથી, ને જેનો અભ્યાસ કરવામાં આવતો નથી તે શાસ્ત્રજ્ઞાન પણ સ્થિર હોતું નથી. આળસુ માણસોને વિદ્યા પ્રાપ્ત થતી નથી. હંમેશાં વ્રત કર્યા કરનારાઓને પત્ની મળતી નથી. પુરુષાર્થ વિના લક્ષ્મી મળતી નથી. ભગવાનની ભક્તિ વિના યશની પ્રાપ્તિ થતી નથી. ઉદ્યમ વિના સુખ મળતું નથી અને પત્ની વિના સંતાનની પ્રાપ્તિ થતી નથી. અપવિત્ર રહેનારને ધર્મલાભ થતો નથી. અપ્રિય વચન બોલનારો બ્રાહ્મણ ધન પામતો નથી. ગુરુજનોને જે પ્રશ્ન કરતો નથી તેને તત્ત્વજ્ઞાન થતું નથી. જે ચાલતો નથી તે ક્યાંય પહોંચી શકતો નથી. ને સદા જાગતા રહેનારને ભય હોતો નથી.
આટલું કહ્યું પછી મોહિનીએ સત્યનું મહત્ત્વ સમજાવ્યું. ‘સર્વ વર્ણ અને આશ્રમોમાં સત્યની જ પૂજા થાય છે. સત્યને લીધે જ સૂર્ય તપે છે. સત્યથી જ ચંદ્રમા શોભે છે. સત્યને લીધે જ પૃથ્વી ટકેલી છે ને સત્ય જ સંપૂર્ણ જગતને ધારણ કરે છે. સત્યના પ્રભાવથી જ વાયુ ચાલે છે, અગ્નિ પ્રજ્વલિત થાય છે. આ સંપૂર્ણ ચરાચર જગતનો આધાર સત્ય જ છે. સત્યના બળથી જ સમુદ્ર પોતાની મર્યાદાથી આગળ વધતો નથી. સત્યથી બંધાયેલો હોવાને લીધે જ વિંધ્ય પર્વત ઊંચો વધતો નથી. સત્યના પ્રભાવથી જ સ્ત્રી સમય વીતી ગયા પછી ક્યારેય ગર્ભ ધારણ કરતી નથી. સત્યમાં સ્થિર રહીને જ વૃક્ષ યોગ્ય સમયે ફૂલતાં ફળતાં દેખાય છે. મનુષ્યોને પારખવા માટેની દિવ્ય પરીક્ષાનો આધાર સત્ય જ છે. હજારો અશ્વમેધ યજ્ઞો કરતાં પણ ચડી જાય એવું સત્ય જ છે.
મોહિનીએ સત્યનો મહિમા કરવાની સાથે જ રાજાને તેના ધર્મ – કર્મ અંગે માર્ગદર્શન આપ્યું. રુકમાંગદ એકાદશીનું વ્રત કરતો હતો. મોહિનીએ તેને વ્રત કરતો અટકાવતાં કહ્યુંઃ રાજાઓએ વ્રતાદિ કરવા એવું તો શાસ્ત્રમાં ક્યાંય કહેવામાં આવ્યું નથી. કેવળ બ્રાહ્મણને માટે જ તે કરવાનું વિધાન છે. તેમના સિવાય વૈશ્ય અને શૂદ્ર જાતિ માટે પણ તે કરવાનું લોકમાં કહ્યું નથી. રાજાઓ માટે તો મુખ્યત્વે ત્રણ જ કર્મ કરવાનાં કહ્યાં છે. પ્રથમ કર્મ દાન આપવું, બીજું કર્મ પ્રજાનું પાલન કરવું અને ત્રીજું કર્મ વિરોધી રાજાઓ સાથે યુદ્ધ કરવાનું છે… હું મંદરાચલ પર્વત પર રહેતી હતી તેવામાં મહર્ષિ ગૌતમે મને કહેલી એક વાત યાદ આવે છે, તે આ પ્રમાણે છેઃ ગર્ભિણી સ્ત્રી, ગૃહસ્થ પુરુષ, ક્ષીણ થઈ ગયેલો રોગી, બાળક, શરીરે કરચલીઓ પડી ગઈ હોય તેવો, યજ્ઞના આયોજન માટે તૈયાર થયેલો પુરુષ તેમ જ સંગ્રામભૂમિમાં રહેનારો યોદ્ધા અને પતિવ્રતા સ્ત્રી – આ સર્વ માટે નિરાહાર વ્રત કરવાનું ઉચિત નથી.
અહીં સુધી કહ્યા પછી મોહિનીએ આગળ ચલાવ્યુંઃ વ્રતનું સેવન તો વિધવાઓ અને યતિઓ માટે જ ઉચિત છે. જ્યારે રાજાનો ધર્મ તો પ્રજાનું રક્ષણ કરવાનો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – આ ચારે પુરુષાર્થના ફળને આપનારો છે. સ્ત્રીઓ માટે પતિની સેવા, પુત્રો માટે માતાપિતાની સેવા, શૂદ્રો માટે દ્વિજોની સેવા તથા રાજાઓ માટે સંપૂર્ણ જગતની રક્ષા એ સ્વધર્મ છે. જે પોતાના ધર્મને અનુકૂળ કર્મનો ત્યાગ કરીને અજ્ઞાન અથવા પ્રમાદવશ પરધર્મ માટે કષ્ટ ઉઠાવે છે તે ખરેખર પતિત છે. વેદનાં વચન ન માનનારો બુદ્ધિમાન પુરુષ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તનારી સ્ત્રી, વિનય વિનાનો પુત્ર, અંતઃપુરમાં જ રહેતો રાજા, પોતાને સોંપેલું કામ ન કરનારો સેવક તથા સદાચારહીન માણસ – આ બધાં નરક પ્રતિ ગમન કરનારાં હોય છે. પ્રજાનું પાલન કરવું એ જ એકમાત્ર વ્રત રાજા માટે હોય. રાજા માટે બીજું કોઈ વ્રત હોઈ જ ન શકે. પોતાના રાજ્યમાં રક્તપાત ન થાય એ જ રાજા માટે દેવકાર્ય છે. એ જ યજ્ઞ છે ને એ જ હોમ છે!
મોહિનીની જેમ તારામતીએ પણ પોતાના પતિને તેના ધર્મ અંગે ઉપદેશ કર્યો હતો. માર્કેંડેય પુરાણમાં તારામતીએ હરિશ્ચંદ્રને કહ્યુંઃ ‘સત્યનું પાલન કરવું એ જ આપનો ધર્મ છે. સત્યપાલનમાં આપ જરા પણ ઢીલા ન પડશો, કારણ કે,
સત્યાનુસારિણી લક્ષ્મીઃ કીર્તિસ્તયાગાનુસારિણી ૤
અભ્યાસ સારિણી વિદ્યા બુદ્ધિઃ કર્માનુસારિણી ૤૤
એટલે કે સત્યને અનુસરીને લક્ષ્મી વસે છે અને ત્યાગ હોય ત્યાં કીર્તિ વસે છે. અભ્યાસ કરે તો જ વિદ્યા મળે છે. અને મનુષ્યની બુદ્ધિ તેના કર્મ અનુસાર ઘડાય છે.
એ જ રીતે કામિનીએ તેના પતિ ભદ્રમતિને ધર્મનું જ્ઞાન આપ્યું હતું. સ્કંદ મહાપુરાણની કામિનીએ તેના પતિને કહ્યુંઃ મેં બાળપણમાં મારાં માતાપિતા પાસે આવેલા નારદજીના મુખેથી વેંકટાચલ પર્વતના શિખર પર આવેલા પાપનાશન તીર્થનું માહાત્મ્ય સાંભળ્યું છે. આ તીર્થ સર્વ દુઃખમાંથી મુક્તિ અપાવે છે. સર્વ પ્રકારની સંપત્તિ પ્રદાન કરે છે. આ તીર્થમાં સંકલ્પપૂર્વક સ્નાન કરીને અનંત ઐશ્વર્ય પ્રદાન કરનારા ધર્મનું મનોમન ચિંતન કરવું જોઈએ. દાન આપવું જોઈએ. ભૂમિદાન સૌથી મહાન છે. ભૂમિદાનથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. મનોવાંછિત ફળ મળે છે. માટે ભૂમિનું દાન કરવું જોઈએ.(ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here