પિત્તાશ્મરી – પિત્તાશયશોથનો ઈલાજ (ગોલ્ડ બ્લેડર સ્ટોન)

0
1187
Dr. Rajesh Verma

આયુર્વેદમાં આ રોગનું સ્થાન મુખ્ય રૂપે મૂત્રાશય કે જેને બસ્તી પ્રદેશ પણ કહેવામાં આવે છે, પરંતુ બસ્તીનું સ્થાન તો એક ઉપલક્ષણ માત્ર જ છે. ખરેખર તો બસ્તી પ્રદેશ એટલે પિત્તાશય, વૃક્ક મૂત્ર પ્રણાલી વગેરે કહેવાય, જ્યાં જ્યાં પથરી થઈ શકે છે. અશ્મરી એટલે પથરી, એટલે કે પિત્તાશયમાં એક એવી ગાંઠ ઉત્પન્ન થઈ જાય છે કે જે પથ્થર તો નથી હોતી, પણ પથ્થર જેવી સોલિડ કઠણ લાગે છે, જેને અશ્મીરી એટલે કે પથરી કહેવાય છે.
આ પથરી વાત, પિત્ત, કફ આ દોષોમાં મુખ્ય રૂપ છે. વાયુ દોષપ્રધાન છે. વાયુ જ બસ્તીપ્રદેશમાં શુક્ર, મૂત્ર, પિત્ત, કફને દૂષિત કરીને સૂકવી નંખે છે. ત્યારે અશ્મરી રોગની ઉત્પતિ થાય છે. જેવી રીતે ગાયના પિત્તાશયમાં ગોલોચનની ઉત્પતિ થઈ જાય છે એવી રીતે પિત્તજ અશ્મરી અને પિત્તાશયની અશ્મરી આ બન્નેનું વર્ણન કરવામાં આવ્યું છે, કેમ કે પિત્તાશયની અશ્મરીમાં પિત્ત જ સુકાઈ અને પછી પથરીનું રૂપ ધારણ કરી લે છે. આ પિત્તની અશ્મીરી ક્યાંય પણ જોવામાં આવી શકે છે. અને તેને પિત્તજ અશ્મીરી જ કહેવામાં આવે છે, જેમ કે વાતજ અશ્મીરી તથા કફજ અશ્મીરી વગેરે હોય છે. પિત્તદોષને કારણે જે અશ્મીરી થાય છે તેને પિત્તાશ્મરી કહેવાય છે. એટલે આ બધા પ્રકારની અશ્મીરીઓને પૂર્વ રૂપમાં બસ્તીપ્રદેશ ફૂલી જવો, બસ્તીપ્રદેશ તથા બસ્તીપ્રદેશના આસપાસનાં અંગોમાં દુખાવો થવો, મૂત્રમાંથી વાસ આવવી, મૂત્રકૃચ્છ, અરુચિ અને જ્વર જેવી તકલીફો જોવા મળે છે. પિત્તાશ્મરીમાં પણ આ તકલીફો જોવા મળે છે
પિત્તાશયની અશ્મીરીનું વર્ણનઃ વાયુના પ્રકોપના કારણે પિત્ત અથવા તેના કણ પિત્તાશયમાં એકત્ર થઈને સુકાતા રહે છે. પથ્થર જેવી ગાંઠ બનાવી દે છે,  આયુર્વેદમાં આને પિત્તાશયમાં થવાવાળી અશ્મીરી એટલે કે પથરી માનવામાં આવે છે. અશ્મીરી બનવા માટે પિત્ત જ જવાબદાર હોવાથી પિત્ત જ મુખ્ય દ્રવ્ય છે. અશ્મીરીનું સ્થાન મૂત્રપ્રણાલીથી લઈને પિત્તાશય સુધી હોય છે, પરંતુ જ્યારે આપણે પિત્તાશયની અશ્મીરી એવું કહીએ છીએ તો થોડુંક અંતર આવી જાય છે, કેમ કે પિત્તાશયની અશ્મીરી મૂત્રાશયમાં ન હોઈ શકે. એટલે ચિકિત્સા લખતી વખતે બન્ને પ્રકારની અશ્મીરીનો મટાડવા કે દૂર કરવા સફળતા મળે તે રીતે ચિકિત્સા કરવામાં આવે છે.
પિત્તાશયની અશ્મીરીનાં લક્ષણ – જ્યારે પિત્તાશયમાં અશ્મીરી ઉત્પન્ન થઈ જાય છે તો ઉદરના ડાબા ભાગમાં સંપૂર્ણ રીતે પાછળના ભાગમાં દુખાવો રહ્યા કરે છે. ભૂખ લાગતી નથી, અન્ન પાચન થતું નથી, રક્ત બનતું નથી, રોગીમાં લોહીની ઊણપનાં લક્ષણો દેખાવા લાગે છે. રોગીને વમન અને ઊબકા આવે છે, મળ સાફ આવતો નથી અને મૂત્ર સંબંધી ફરિયાદ રહ્યા કરે છે. ક્યારેક આખાય બસ્તી પ્રદેશમાં દુખાવો રહ્યા કરે છે. પિત્તદોષના લીધે બસ્તી પ્રદેશમાં બળતરા થયા કરે છે.
જ્યારે જ્યારે વ્યક્તિનો આહાર વિકૃત થઈ જાય, શારીરિક શ્રમનો અભાવ થાય ત્યારે, પાણીની માત્રા ઓછી થાય ત્યારે, તૈલીય પદાર્થ વધારે ખાવામાં આવે ત્યારે પિત્તાશયની પથરી થવાના ચાન્સીસ વધી જાય છે.
થોડાં સૂચન અને ઘરગથ્થુ ઉપાય નીચે બતાવ્યાં છેઃ
ખોરાકમાં ઘઉંના બદલે જવના લોટની રોટલીનો ઉપયોગ કરવો જોઈએ.
ગોખરું, પુનર્નવા અને પાષાણભેદ આ ત્રણેય પાઉડર સરખા ભાગે લઈ અડધી ચમચી સવાર-સાંજ સહેજ ગરમ પાણી સાથે લેવું જોઈએ.
કપાલભાતિ પ્રાણાયામ નિયમિત કરવાથી કોઈ પણ પ્રકારની પથરી થશે નહિ.
કોઈ વાર જમ્યા પછી મોળી છાશનું સેવન કરવું જોઈએ.
દરરોજ થોડો મૂળાનો રસ લેવાથી પથરી થતી નથી.
ઉપરના બધા જ ઉપચાર જો  પથરી નાની હોય અને એક કે બે હોય તો જ કારગત નીવડશે અન્યથા ગોલ્ડ બ્લેડર પથરીથી ભરેલું હોય તો ઓપરેશન જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here