પાક. અને ચીનનો કાળ બનશે ‘પ્રલય’

 

નવી દિલ્હીઃ ચીન કે પાકિસ્તાન હવે ભારત સામે આંખ ઉઠાવી તો તેમની ખેર નથી. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન (ડી.આર.ડી.ઓ.)એ પહેલીવાર નાની રેન્જના બેલેસ્ટિક મિસાઇલ ‘પ્રલય’નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ ૧૫૦થી ૫૦૦ કિલોમીટરના અંતર સુધી દુશ્મનના તોપ, બંકર, બેઝને તબાહ કરવાની તાકાત ધરાવે છે. ડી.આર.ડી.ઓ. દ્વારા ભારતની ભરોસાપાત્ર પૃથ્વી મિસાઇલ પ્રણાલી પર વિકસિત પ્રલય મિસાઇલનું બુધવારની સવારે ૧૦.૩૦ વાગ્યે ઓરિસ્સાના ડો. અબ્દુલ કલામ ટાપુ પરથી પરીક્ષણ કરાયું હતું. પાંચ ટન વજનનાં આ મિસાઇલમાં ૫૦૦થી ૧૦૦૦ કિલોગ્રામ સુધીના પરંપરાગત હથિયાર લગાવી શકાય છે. આ ઇનર્શિયલ ગાઇડન્સ સિસ્ટમ પર ચાલતું મિસાઇલ છે. માર્ચ-૨૦૧૫માં પ્રલય મિસાઇલ વિકસાવવાની મંજૂરી સાથે તેના માટે ૩૩૨.૮૮ કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું હતું. 

પ્રલય મિસાઇલની લક્ષ્યને નષ્ટ કરવાની ક્ષમતા ૧૦ મીટર એટલે કે ૩૩ ફૂટ છે. મતલબ કે લક્ષ્યના ૩૩ ફૂટના દાયરામાં ત્રાટકે તો પણ ‘પ્રલય’ એટલું જ નુકસાન કરી શકશે જેટલું સટિક લક્ષ્યભેદમાં કરી શકે. ટૂંકા અંતરની મારક ક્ષમતાનો ફાયદો એ છે કે દેશની પૂર્વ, પશ્ચિમ કે ઉત્તર સીમા પર તૈનાત કરીને છોડાય તો માત્ર જેના પર નિશાન સધાયું હશે તે જ ભાગ નષ્ટ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here