પાકિસ્તાનમાં ખાવાના ફાંફા વચ્ચે વસ્તી દર વધી રહ્યો છે

ગિલગિટઃ એક તરફ પાકિસ્તાનમાં લોકોને ખાવાના ફાંફા છે અને બીજી તરફ દેશમાં બેફામ વસ્તી વધારો થઈ રહ્યો છે. જે આગામી વર્ષોમાં પાકિસ્તાનને વધારે બેહાલ કરે તેવી શક્યતા છે. છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાનની વસ્તીમાં 3.3 કરોડ લોકો ઉમેરાયા છે. લેટેસ્ટ ફીગર પ્રમાણે પાકિસ્તાનની કુલ વસ્તી 24.6 કરોડ પર પહોંચી ચુકી છે. વસતીની જાણકારી મેળવવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં 59 લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના અલગ અલગ પ્રાંતના 66 જિલ્લામાં હજી વેરિફિકેશન બાકી છે પણ એક અંદાજ અનુસાર પાકિસ્તાનની વસ્તીમાં કુલ મળીને ચાર કરોડનો વધારો થયો છે. 2017ની વસતી ગણતરી વખતે પાકિસ્તાનની વસતી 20.7 કરોડ આંકવામાં આવી હતી. ગિલગિટ અને બાલ્ટિસ્તાનને તથા પીઓકેને પણ તેના આંકડા વહેલી તક પૂરા પાડવા માટે જણાવાયુ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15 મે સુધીમાં વસ્તી ગણતરી પૂરી કરવાનો આદેશ અપાયો હતો. જોકે 66 જિલ્લામાં આંડાનુ વેરિફિકેશન બાકી છે. આજે છેલ્લો દિવસ હોવાથી બાકીના આંકડા સુપરત કરી દેવામાં આવે તેવી શક્યતા છે. પાકિસ્તાનનો વસ્તી વધારાનો દર 2017માં 1.3 ટકા હતો અને તે વધીને 2023માં 1.9 ટકા વધી ગયો છે. આમ પાકિસ્તાનમાં વસ્તી દર ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. હાલમાં પાકિસ્તાનમાં પંજાબ સૌથી વધારે 12.5 કરોડની વસ્તી ધરાવતો પ્રાંત છે. એ પછી સિંધ 5.6 કરોડની વસ્તી સાથે બીજા ક્રમે, 3.9 કરોડની વસ્તી સાથે ખૈબર પખ્તૂન્ખા ત્રીજા ક્રમે, બલૂચિસ્તાન 2.08 કરોડની વસ્તી સાથે ચોથા ક્રમે અને ઈસ્લામાબાદ 2.3 કરોડની વસ્તી સાથે પાંચમા ક્રમે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here