પવનની લહેરખીને પંપાળવાની ઝંખના

0
874

(ગતાંકથી ચાલુ)
માણસની નસનસમાં મૃગજળ વહેતું રહે છે. એના શ્વાસ અને ઉચ્છ્વાસ તો સારસ યુગલની માફક સાથોસાથ ચાલતા રહે છે. સમણાં અને વાસ્તવિકતા વચ્ચે અટવાતો એક તઘલખ દિલ્હીથી દોલતાબાદ વચ્ચે સતત અટવાતો રહે છે. જીવનની પ્રત્યેક ક્ષણને વળગેલી ઘડિયાળી ટક ટક શાશ્વતીનું ટીપું બનીને ટપકતી રહે છે. મારો ઇરાદો તો પતંગિયાની પાંખે બેસીને અવકાશયાત્રાએ નીકળી પડવાનો હતો, પરંતુ થયું એવું કે દીવાસળી વડે ધૂપસળી પેટાવવા જતાં ટેરવાં પર કોઈ વિચારનો ડામ પડી ગયો!
હજી સુધી કોઈ ચશ્માંને મોતિયો આવ્યો હોય એવું જાણ્યું નથી. તાળીઓના ગડગડાટની ગાદી પર બેઠેલો વક્તા પોતાની અધૂરપનો હુક્કો ગગડાવતો રહે છે. આંધળી આંખ મોતિયાની માથાકૂટથી મુક્ત હોય છે. કેટલાંક મસ્તિષ્ક પ્રેમથી મુક્ત હોય છે. આવાં થોડાંક મસ્તિષ્ક ભેગાં મળીને સંબંધ અંગેના નિયમો બનાવે છે. ઘરના ઉમરાને કહેવામાં આવે છે તું આંગણા સાથે અબોલા રાખ. ગામમાં વંટોળિયો આવે તોય ઝંખનાનાં ઝાંઝર કદી પગરવનો સંગાથ છોડતાં નથી.
શિયાળાની સવારે એક અચરજ બને છે. ગરમ પાણીએ સ્નાન કરીને કો’ક નીકળે પછી આપણો વારો આવે ત્યારે બાથરૂમ હૂંફાળો લાગે છે. બાલદીનું પાણી આમ તો ગરમ હોય છે, પરંતુ એને શિયાળામાં ઝટ ઝટ ખલાસ થઈ જવાની કુટેવ હોય છે. બાથરૂમ છોડતી વખતે મનમાં રહી ગયેલી અધૂરપ દિવસની ગુણવત્તા પર પ્રહાર કરતી રહે છે. જીવનમાં રહી ગયેલી કશીક ખાનગી અધૂરપને ‘ખટકો’ કહે છે. માણસને જીવતેજીવત ખતમ કરવા માટે એક ખટકો બસ છે. ખટકાના ખગોળશાસ્ત્રને પ્રતીક્ષા કહે છે. ખટકો માણસના હૃદયનો રોગ છે. એના હુમલા આગળ આઇસીસીયુ પણ લાચાર છે. એવે વખતે એક જ ઔષધિ કામ લાગે છે. શાયરો એને સ્મરણ કહે છે.
ક્યારેક એવું લાગે છે કે આ જગતમાં બે ભગવદ્ગીતા, બે કુરાન, બે બાઇબલ અને બે ધમ્મપદ હોય છે. એક ધર્મગ્રંથ કાગળોની થપ્પીમાં સચવાયેલો હોય છે, જ્યારે બીજો ધર્મગ્રંથ પ્રકૃતિની વિરાટ કિતાબમાં સંતાયેલો હોય છે. લોકો કાગળની થપ્પીમાં સચવાયેલી ગીતા તો વાંચે છે, પરંતુ પ્રકૃતિમાં સર્વત્ર છવાયેલી ગીતા વાંચવાનું ચૂકી જાય છે. પ્રત્યેક વૃક્ષ ગીતાના અઢારે અધ્યાયનો સાર જાળવીને આપણી સામે ઊભેલું હોય છે. પક્ષીઓના કલરવમાં કુરાનની આયાત સંભળાય એવા કાન ક્યાંથી લાવવા? આકાશ ભણી નજર માંડનારો માણસ જો આકાશના પિતાને જોવાની ટેવ પાડે તો એણે બાઇબલ વાંચવું પડે ખરું? પ્રત્યેક ઝરણાનું મંદ્રગાન આપણને કાનમાં કહે છેઃ ‘બુદ્ધં શરણં ગચ્છામિ.’
ક્યારેક ઘણાં વર્ષ બાદ અભરાઈ પરથી હેઠે ઉતારેલા ધર્મગ્રંથનાં પાનાં વચ્ચે દબાઈને મરી ગયેલી વાંદીનું શબ આપણા હાથમાં આવી પડે છે. એ સદ્ગત વાંદી જેમાં દબાઈ મરી, તે કોઈ ધર્મની અનુયાયી નહોતી. લગભગ એ વાંદીની માફક અંધશ્રદ્ધાળુ લોકો પોતાની ધાર્મિક ગેરસમજોનાં પડળો વચ્ચે દબાઈ મરે છે. જેઓ ધર્મગ્રંથ ન વાંચે તેમને એ ગ્રંથ માટે વધારે અભિમાન રહે છે. ક્યારેક તો તેઓ પેલી સદ્ગત વાંદીની સ્મશાનયાત્રા પણ કાઢે છે અને વાંદીની યાદમાં ભવ્ય સ્થાનક પણ રચે છે. પ્રકૃતિમાં પથરાયેલા વિરાટ ધર્મગ્રંથને વાંચવાની ફુરસદ ચીજો પ્રત્યે ભારે પક્ષપાત હોય છે.
માણસ કેટલી પરંપરાઓ તોડે ત્યારે પોતીકી રીતે જીવી શકે??વહેલી સવારે તાજાં ખીલેલાં પુષ્પો અને રાત પડે ત્યાં તાજાંમાજાં જખમો! તાજા જખમમાંથી લોહીને બદલે નિર્વેદ વહેતો રહે છે. રિવાજ મુજબના મરણન પામવા માટે કદાચ માનવી રિવાજ મુજબનું જીવન જીવતો રહે છે. આપણે ત્યાં ખટકો કદી રિવાજ મુજબનો નથી હોતો. પરિણામે વ્યવહારુ માણસ ખટકામુક્ત હોય છે. આગ કદી પણ રિવાજ અનુસાર નથી લાગતી, પરંતુ બંબાખાનાને પોતીકા રિવાજો હોય છે. શ્વાસ અને ઉચ્છ્વાસની જુગલબંધી ચાલ્યા કરે છે. ગીતાએ આપણા શરીર માટે ‘ઇન્દ્રિયગ્રામ’ શબ્દ પ્રયોજ્યો છે. એ ગામની ગ્રામપંચાયત જીવનભર કારભાર કરતી રહે છે. દરરોજ પથારીમાં પોઢી જતાં પહેલાં માણસે પોતાની જાતને એક જ પ્રશ્ન પૂછવાનો રહે છેઃ ‘હું મારા ઇન્દ્રિયગામનો સરપંચ છું કે વસવાયો?’
પ્રત્યેક સવારે પૃથ્વીનું સત્ય આપણી સમક્ષ છતું થાય છે. રાત પડે છે અને એ સત્ય અંધકારની દાબડીમાં પુરાઈ જાય છે. સૂર્યનું સત્ય અંધકારથી પર છે. અંધકાર એ પૃથ્વીય ઘટના છે. ઘરમાં રણકતો ટેલિફોન એકલો-અટૂલો નથી હોતો. એ ટેલિફોનનું સ્થૂળ ડબલું કોઈ વિરાટ નેટવર્ક સાથે સંલગ્ન છે. માણસ જેવો માણસ પણ કોઈ કોસ્મિક નેટવર્કનો અંશ છે. આવા વિરાટ નેટવર્કને ચીની પરંપરામાં તાઓ કહે છે અને ભારતીય પરંપરામાં બ્રહ્મ કહે છે. એ નેટવર્ક એટલે સમય અને અવકાશ વચ્ચેનું સગપણ. આઇન્સ્ટાઇને એ સગપણને આધારે સમયને અવકાશના ચોથા ડાયમેન્શન (પરિમાણ) તરીકે ગણાવ્યો હતો. એ સગપણના આધારે આઇન્સ્ટાઇને દુનિયાને એક નવો સમાસ આપ્યોઃ ‘સ્પેસટાઇમ’ (સમયાવકાશ).
પાનખર અને વસંત તો કાલપંખીની બે પાંખો છે. આવનારી સવારને અને સરી જતી સાંજને કોઈ રોકી શકતું નથી. ગઈ રાતે જે છોડ પર ફૂલ નહોતું, તે છોડ પર સવારે તાજું ફૂલ ખીલ્યું હતું. આ થોડાક કલાકો દરમિયાન જે પુષ્પઘટના બની તેને મુવી કેમેરા પર ઝડપી લેવી જોઈએ. જ્યારે એ ફિલ્મનો શો ગોઠવાય ત્યારે નાસ્તિકો, આસ્તિકો અને અજ્ઞેવાદીઓને નિમંત્રણ આપી શકાય. ફિલ્મ જોતી વખતે સંપૂર્ણ મૌન પાળવાનું રાખી શકાય. ફિલ્મનો અંત અત્યંત રોમેન્ટિક હોવો જોઈએ. ઊગતા સૂર્યનું પ્રથમ કિરણ એ નવજાત પુષ્પ પર પડે ત્યાં ફિલ્મ પૂરી! આ સૃષ્ટિની સુંદરતમ ઘટનાઓ રોમેન્ટિક મિસ્ટિસિઝમથી ભરેલી જણાય છે. આવું રોમાંચભર્યું રહસ્ય નાસ્તિકને પણ વહાલું હોય છે. આપણા વૈજ્ઞાનિકો તો સૃષ્ટિના રહસ્યના અદશ્ય મૂળાક્ષરોને ઉકેલવા મથનારા સાધકો છે. મહાન વૈજ્ઞાનિકો મોટે ભાગે નમ્ર હોય છે, કારણ કે તેઓને રહસ્યના મહાસાગરનું ઊંડાણ પ્રભાવિત કરતું રહે છે. પ્રત્યેક સવારને આપણી કુંવારી જિજ્ઞાસા સાથે નિહાળવી એ જ પ્રાર્થના છે. પેટ ભરવા માટે માણસ ફાળવે, તેટલો સમય બીજું કોઈ પણ પ્રાણી ફાળવતું નથી.
પવનની પ્રત્યેક લહેરખીને હું પંપાળવા ઝંખું છું. પોતાની હથેળીમાં ખેતરની રવાદાર માટીનું એક ઢેફું લઈને ઊભેલો માણસ જો પોતાની ભીતર ઊંડો ઊતરી જાય, તો એ ઢેફું બ્રહ્માંડ બની જાય. પથ્થરની મૂર્તિને નમન કરનાર ભક્ત ભાગ્યે જ હવામાં કોસ્મિક નૃત્ય કરતા કણસલાને નમે છે. ધ્યાનસ્થ ચિત્તે કણસલાનું નૃત્ય જોનારને કદાચ સાક્ષાત્ કૃષ્ણની રાસલીલા જોવા મળે એમ બને! આપણા ઙ્ગષિઓએ સતત આનંદબ્રહ્મની શોધ કરી છે. પરમ રહસ્યને સમજવા માટેની મથામણ જેવી આનંદમય બાબત બીજી ન હોઈ શકે. રહસ્ય પ્રત્યેની જિજ્ઞાસાનો લાભ ફિલ્મ નિર્માતાઓએ ધરાઈને ઉઠાવ્યો છે. સસ્પેન્સનું તત્ત્વ પરમ રહસ્ય પામવાની ઝંખનાનો જ એક અંશ છે. રહસ્ય અને રોમાંચ વચ્ચેનો સેતુ સદીઓથી સચવાયો છે. મૃત્યુ તો પરમ રહસ્યનું દિવ્ય ગર્ભાશય છે. આત્મા માટે તેથી ‘હિરણ્યગર્ભ’ જેવો શબ્દ પ્રયોજાયો છે. (ક્રમશઃ)

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here