પરમવીર ચક્ર પ્રાપ્ત કરનારા ૨૧ વીર શહીદોની સંતરામ મંદિરમાં કથા


(ડાબે) નડિયાદ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજના પટ્ટશિષ્ય લક્ષ્મણદાસજી મહારાજના સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે દેશમાં સૌપ્રથમ વાર પરમવીર ચક્ર પ્રાપ્ત કરનારા ૨૧ વીર શહીદોની કથાનું દીપપ્રાગટ્ય કરતા ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ, સંત નિર્ગુણદાસજી મહારાજ, સત્યદાસજી મહારાજ, કથાકાર યોગેશદાન ગઢવી. (જમણે) વીર શહીદોના પરિવારજનોનું સન્માન કરતા સંતરામ મંદિરના સંતો. 

નડિયાદઃ નડિયાદ સંતરામ મંદિરમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના પટ્ટશિષ્ય લક્ષ્મણદાસજી મહારાજની સાર્ધ શતાબ્દી (૧૫૦) મહોત્સવ નિમિત્તે શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોતિના શુભાશીર્વાદ તથા મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી સંતરામ મંદિર પરિસરમાં સૌપ્રથમ વાર ત્રિદિવસીય શહીદ કથા યોજવામાં આવી હતી. કથાના પ્રારંભે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી, જે ખેડા જિલ્લાનાં વિવિધ ગામોમાં ફરી કથાસ્થળે આવી પહોંચી હતી, જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નડિયાદના સંતરામ મંદિર પટાંગણમાં દેશમાં સૌપ્રથમ વાર પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર ૨૧ વીર શહીદોની ગાથા (શહીદો બોલાવે છે)ની યોજાઈ હતી. પ્રથમ દિવસે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર, ખેડા, મહેમદાવાદ અને આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાથી ૧૦ હજાર કરતાં વધારે વાહનોમાં હજારોની સંખ્યામાં લોકો ત્રિરંગા ઝંડા સાથે નડિયાદ શહેરમાં ઊમટી પડ્યા હતા.
નડિયાદમાં આવેલા દેશપ્રેમીઓએ બંને દિશાઓમાંથી ત્રિરંગા રેલી યોજી હતી અને બંને રેલીઓ સંતરામ મંદિરમાં પહોંચી હતી, જ્યાં આ રેલીનું ગણેશદાસજી મહારાજ, નિર્ગુણદાસજી મહારાજ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓએ સ્વાગત કર્યુ હતું. મિલેટરી બેન્ડ દ્વારા ત્રિરંગા રેલીનું સ્વાગત કર્યા બાદ આ રેલી સન્માન સમારંભમાં તબદીલ થઈ હતી.


 કથાના પ્રારંભમાં વિશાળ ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. આ ત્રિરંગા યાત્રામાં ખેડા-આણંદ જિલ્લાના પ્રજાજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. (તમામ ફોટોઃ અકબર મોમિન)

જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સંતરામ મંદિર ઉમરેઠના મહંત ગણેશદાસજી મહારાજ, સંત નિર્ગુણદાસજી મહારાજ, સત્યદાસજી મહારાજ સહિત સંતો, મહંતો અને હાજર મિલેટરીના જવાનોના હસ્તે દીપપ્રાગટ્ય કરી કથાકાર યોગેશભાઈ ગઢવી દ્વારા કથાનો પ્રારંભ કરાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં વીર શહીદોના પરિવારજનોનું પરંપરાગત રીતે સન્માન કરાયું હતું. સંતરામ મંદિર અને તેનાં શાખામંદિરોના મહંતો દ્વારા વીર શહીદોના પરિવારજનોને તિલક કરી, શાલ ઓઢાડી, રુદ્રાક્ષની માળા પહેરાવી, પ્રસાદ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ મહંત રામદાસજી મહારાજ દ્વારા સન્માનપત્ર આપી શહીદોના પરિવારનું સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં શહીદોના પરિવારના સન્માન સમયે જાણે કે સમગ્ર માહોલ દેશભકિતના રંગે રંગાયો હોય તેવું દશ્ય જોવા મળ્યું હતું. બાળકોએ દેશભક્તિ ગીત સાથે ત્રિરંગો ફરકાવી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here