પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈને શ્રુતનિધિ એવોર્ડ અપાયો

અમદાવાદઃ અર્હમ સ્પિરિચ્યૂઅલ સેન્ટર સંચાલિત પ્રાણગુરૂ જૈન ફિલોસોફિકલ સેન્ટર, મુંબઈ તરફથી પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈને ‘શ્રુતનિધિ’ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. બ્રિટનની પાર્લામેન્ટના વિલ્સન હોલમાં બ્રિટનના મિનિસ્ટર અોફ ફેઇથ બેરોનેટ સ્કોટના હસ્તે એમને અહિંસા દિવસની ઉજવણીના ભાગ રૂપે ચૌદમો અહિંસા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. અગાઉ આ એવોર્ડ નેલ્સન મંડેલા, આચાર્ય મહાપ્રજ્ઞજી, દલાઈ લામા અને ડો. પદ્મનાભ જૈની જેવી વૈશ્વિક પ્રતિભાને અર્પણ કરાયેલ, એવો આ આંતરરાષ્ટ્રીય અહિંસા એવોર્ડ પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈએ પ્રાપ્ત કરી જૈનશાસન અને સમગ્ર ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે.
સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, ધર્મદર્શન અને પત્રકારત્વમાં આગવી સિદ્ધિ મેળવનાર ડો. કુમારપાળ દેસાઈના એવોર્ડ અર્પણ સમારોહમાં ટ્રસ્ટી ગુણવંત બરવાળિયાએ એમની સાહિત્ય સેવાઓની વાત કરતાં જણાવ્યું હતું કે, તેમણે દોઢસોથી વધુ ગ્રંથોનું સર્જન તથા સંપાદન કર્યું છે, જેમાં એંંશી જેટલાં જૈન સાહિત્ય વિષયક ગ્રંથો છે. છેલ્લા કેટલાય વર્ષોમાં અખબારની નિયમિત કોલમમાં, સામયિકોમાં, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તથા વૈશ્વિક ધર્મ પરિષદોમાં કુમારપાળ દેસાઈની શ્રુતસેવા અનન્ય છે. શ્રુતસેવા, સર્જન અને સંવર્ધનના કાર્યમાં અહર્નિશ રત રહેનાર પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈને ૨૦૨૩નો ‘શ્રુતનિધિ’ એવોર્ડ અર્પણ કરતા આનંદ અનુભવીએ છીએ. આ પ્રસંગે સાહિત્યકારો, પત્રકારો, વિદ્વાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here