પત્ની માટે પતિસેવાથી કોઈ ધર્મ નથી, પુરુષના ધર્મનું મૂળ પણ પતિવ્રતા સ્ત્રી જ છે

0
2555

(ગતાંકથી ચાલુ)
પદ્માવતીએ પતિ પ્રાપ્ત કરવાની વિદ્યા શીખવી, જ્યારે એક બ્રાહ્મણીએ પાર્વતીને પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપ્યો. શિવ મહાપુરાણની બ્રાહ્મણીએ સાસરે જઈ રહેલી પાર્વતીને વિવિધ પ્રકારની પતિવ્રતાઓ અને પતિવ્રતા ધર્મ વિશે આ પ્રકારનો બોધ આપ્યોઃ ‘પતિવ્રતા સ્ત્રી જ ખાસ પૂજ્ય અને ધન્ય છે. પતિવ્રતા સર્વલોકને પવિત્ર કરનારી અને પાપોના સમૂહનો નાશ કરનારી છે. જે સ્ત્રી પતિને પરમેશ્વરની પેઠે પ્રેમથી સેવે છે તે આ લોકમાં સર્વ ભોગો ભોગવીને પતિની સાથે શુભ ગતિ પામે છે. સાવિત્રી, લોપામુદ્રા, અરુંધતી, શાંડિલી, શતરૂપા, અનસૂયા, લક્ષ્મી, સ્વધા, સંજ્ઞા, સુમતિ, શ્રદ્ધા, મેના અને સ્વાહા – આ સ્ત્રીઓ પતિવ્રતા અને સતી છે. પતિવ્રતા પત્ની ગૃહસ્થનું મૂળ છે. પતિવ્રતા પત્ની તેના સુખનું મૂળ છે. પતિવ્રતા પત્ની તેના ધર્મનું ફળ મેળવી આપે છે. ઉત્તમ, મધ્યમ, અધમ અને અતિ અધમ એમ ચાર પ્રકારની પતિવ્રતા હોય છે. જેનું મન સ્વપ્નમાં પણ કાયમ પોતાના પતિને જ દેખે છે તે સ્ત્રી ઉત્તમ પતિવ્રતા કહેવાય છે. જે સ્ત્રી સારી બુદ્ધિને લીધે પરપુરુષને પિતા, ભાઈ કે પુત્ર જેવો દેખે છે તે મધ્યમ પતિવ્રતા કહેવાય છે. જે સ્ત્રી પોતાનો ધર્મ સમજી મનથી વ્યભિચાર કરતી નથી તે સારા ચરિત્રવાળી હોઈ અધમ પતિવ્રતા જ કહેવાય છે, પણ જે સ્ત્રી પતિના તથા કુળના ભયથી વ્યભિચાર કરતી નથી તેને પૂર્વકાળના વિદ્વાનોએ અતિ અધમ પતિવ્રતા કહી છે. આ ચારે પ્રકારની પતિવ્રતાઓ સર્વ લોકનાં પાપને હરનારી અને પવિત્ર કરનારી છે.’ આમ એ બ્રાહ્મણી પતિવ્રતા અને તેના ધર્મ અંગે પારંગત હતી.
એ જ રીતે નારદ મહાપુરાણની સંધ્યાવલી નારીધર્મ અને ધર્મભ્રષ્ટ નારીની દશા અંગે નિષ્ણાત હતી. સંધ્યાવલીએ એ વિશે મોહિનીને કહ્યું કે, ‘જે નારી સદા પોતાના પતિની આજ્ઞાનું પાલન કરે છે તેને સાવિત્રી સમાન અક્ષય તથા નિર્મળ લોકની પ્રાપ્તિ થાય છે, પણ જે વચનથી અને શપથ-દોષથી પતિને નિરુપાય કરીને તેની પાસે ન કરવા જેવાં કામ કરાવે છે તે નારી નરકમાં જાય છે. ભયંકર નરકમાંથી નીકળ્યા પછી અનેક જન્મ સુધી શૂકરીની યોનિમાં જન્મ લે છે. પછી ચાંડાળ યોનિમાં જન્મ લે છે. જે પતિ પત્નીના વ્યવહારથી દુઃખી થાય છે તે સમૃદ્ધિવાળી હોય તો પણ તે પાપિણીની અધોગતિ જ થાય છે. તે સિત્તેર વર્ષ સુધી પૂય નામના નરકમાં પડી રહે છે. સાત જન્મ સુધી છછુંદરી થાય છે. પછી કાગડાની યોનિમાં જન્મ લે છે. પછી અનુક્રમે શિયાળવી, ગરોળી અને ગાય થયા પછી શુદ્ધ થાય છે. પણ પત્ની જો કલ્યાણકારી ગતિ ઇચ્છતી હોય તો તેણે દેહ અથવા વિત્તથી પતિને કદી છેતરવો નહિ, કારણ કે પતિ જ સ્ત્રીનું દૈવત છે. સ્ત્રીને પતિ વિના બીજું કયું ભાગ્ય છે? તેને ખાતર ધન અને જીવનનો પણ ત્યાગ કરવો. આ પ્રમાણે કરનારી સ્ત્રી કરોડો કલ્પ સુધી વિષ્ણુલોકમાં આનંદ માણે છે. હું કુંવારી હતી અને પિતાના ઘરમાં રહેતી હતી ત્યારે મેં આ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું!’
સંધ્યાવલીની જેમ સુકલાએ પણ સ્ત્રીધર્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પદ્મપુરાણની સુકલાએ પોતાના પતિ કૃકલ સમક્ષ આ શબ્દો કહ્યાઃ ‘હે પ્રિય પતિ, તમારી છાયાનો આશ્રય કરી હું ઉત્તમ ધર્મ કરી શકું છું, કારણ કે સ્ત્રીઓનો પતિવ્રતધર્મ તેમનાં પાપને દૂર કરનાર તથા તેમને ઉત્તમ ગતિ આપનાર છે તેમ જ જે સ્ત્રી પતિની સેવામાં તત્પર રહે છે તે લોકમાં પુણ્યશાળી કહેવાય છે. એ જ કારણે કોઈ પણ સધવાએ પતિ વિના એકલી તીર્થયાત્રા કરવી તે શોભે નહિ, તેમ જ એમ કરેલી તીર્થયાત્રા સ્ત્રીઓને લોકમાં સુખદાયી થતી નથી. તેમ જ એ યાત્રા તે સ્ત્રીઓને સ્વર્ગ તથા મોક્ષ આપનાર પણ ન થાય. પતિવાળી સ્ત્રીને પોતાના પતિનો જમણો પગ પ્રયાગ તીર્થ છે અને ડાબો પગ પુષ્કર તીર્થ છે. જે સ્ત્રી પતિના પગ ધોઈને એ જળથી સ્નાન કરે છે તેને પ્રયાગ તથા પુષ્કર તીર્થમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી. દરેક સ્ત્રીને તેનો પતિ સર્વ તીર્થમય હોઈને સર્વ પુણ્યમય હોય છે. તેથી જ દીક્ષિત બ્રાહ્મણને યજ્ઞો કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ ફળ સ્ત્રીઓને પોતાના પતિની સેવાથી મળે છે. પત્ની માટે પતિસેવાથી અલગ કોઈ ધર્મ નથી. પુરુષના ધર્મનું મૂળ પણ પતિવ્રતા સ્ત્રી જ છે.’
એ જ રીતે મનસાએ પોતાના પતિ જરત્કારુને પતિવ્રતાનાં લક્ષણો કહ્યાં હતાં. મનસાએ કહ્યું કે, ‘પતિવ્રતાઓ માટે પતિ સેંકડો પુત્રોથી પણ અધિક હોય છે. સ્ત્રીઓને પતિ સૌથી પ્રિય હોય છે. તેથી વિદ્વાન તેને સ્ત્રીઓનો પ્રિય કહે છે. જે રીતે એક પુત્રવાળાનું મન પુત્રમાં, વૈષ્ણવોનું ભગવાનમાં, એક નેત્રવાળાનું નેત્રમાં, તરસ્યાનું જળમાં, ભૂખ્યાનું અન્નમાં, કામીનું સ્ત્રીમાં, બીજાના ધનમાં ચોરોનું, શાસ્ત્રમાં વિદ્વાનોનું અને વ્યાપારમાં વાણિયાઓનું મન લાગેલું રહે છે એ જ રીતે પતિવ્રતા સ્ત્રીઓનું મન પોતાના પતિમાં લાગેલું રહે છે.
મનસા પતિવ્રતાનાં લક્ષણો જાણતી હતી, જ્યારે સુમના શાસ્ત્રોનું જ્ઞાન ધરાવતી. પદ્મપુરાણની સુકલાએ પોતાના પતિ સોમશર્માને ચિંતા, લોભ, અધર્મ, વિવિધ પ્રકારના સંબંધ, જુદા જુદા પ્રકારના પુત્ર, બ્રહ્મચર્ય, તપ, સત્ય, દાન, ઉત્તમ નિયમો, સહનશીલતા, અહિંસા, શાંતિ, અસ્તેય, પુણ્ય, પાપ, પાપીનાં મરણ સમયનાં લક્ષણો તથા પાપીઓને મૃત્યુ પછી થતાં દુઃખો અંગે બોધ આપ્યો હતો. સોમશર્મા અપુત્ર હોવાના દુઃખ અને ચિંતાથી પીડાતો હતો. એટલે સુમનાએ કહ્યુંઃ
નાસ્તિ ચિન્તાસમં દુઃખં કાયશોષણમેવ હિ૤
યશ્વિન્તાં ત્યજય વર્તેત સ સુખેન પ્રમોદતે૤૤
અર્થાત્ ચિંતા જેવું દુઃખ નથી. તે શરીરને સૂકવી નાખનાર જ છે. માટે જે મનુષ્ય ચિંતા છોડી દે છે તે સુખને લીધે અત્યંત આનંદમાં રહે છે. ત્યાર બાદ સુમનાએ સોમશર્માને સર્વ સંદેહોનો નાશ કરનાર ઉપાય કહ્યાઃ
લોભઃ પાપસ્ય બીજં હિ લોભો મૂલં ચ તસ્ય હિ
અસત્યં તસ્ય વૈ સ્કન્ધઃ માયા શાખા સુવિસ્તરા
એટલે કે લોભ જ પાપનું બીજ છે અને તે લોભ જ ખરેખર પાપનું મૂળ છે. તેમ જ તે પાપનું મોટું થડ અસત્ય છે અને માયા તે પાપની અતિશય વિસ્તાર ધરાવતી ડાળી છે વળી,
દમ્ભકૌટિલ્યપત્રાણિ કુબુદ્ધયા પુષ્પિતઃ સદા ૤
અનૃતં તસ્ય સૌગન્ધ્યં ફલમજ્ઞાનમેવ ચ ૤૤
એટલે કે દંભ, કૂડ, કપટ એ પાપરૂપી વૃક્ષનાં પાંદડાં છે અને કુબુદ્ધિ વડે તે સદા પુષ્પોવાળો રહે છે. અસત્ય એ પાપવૃક્ષનાં પુષ્પોની સુગંધ છે અને અજ્ઞાન એ જ તેનું ફળ છે. અને,
છદ્મવાખંડચૌર્યેર્ષ્યાઃ કૂરાઃ કૂટાશ્વ પાપિનઃ ૤
પક્ષિણો મોહવૃક્ષસ્ય માયાશાખાસમારશ્રતાઃ ૤૤
એટલે કે તે મોહરૂપી પાપી પક્ષીઓ કપટ, પાખંડ, ચોરી તથા ઈર્ષા નામનાં છે. તેઓ ક્રૂર તથા કપટી હોઈ તે વૃક્ષની માયારૂપી શાખાનો આશ્રય કરી રહ્યાં છે. ઉપરાંત,
અજ્ઞાનં સુફલં તસ્ય રસોઽધર્મઃ ફલસ્ય હિ ૤
તૃષ્ણોદકેન સંવૃદ્ધાઽશ્રદ્ધા તસ્ય દ્રવઃ પ્રિયઃ ૤૤
એટલે કે અજ્ઞાન તે વૃક્ષનું સુંદર ફળ છે. અધર્મ એ તે ફળનો રસ છે અને તૃષ્ણારૂપી જળથી વધેલી અશ્રદ્ધા એ તે ફળનું પ્રિય પ્રવાહી છે. સાથે જ,
અધર્મસ્તુ રસસ્તસ્ય ઉત્કટો મધુરાયતે ૤
વાદ્યશૈશ્વ ફલૈશ્વૈવ સુફલો લોમપાદપઃ ૤૤
એટલે કે અધર્મ પણ તે મોહવૃક્ષનો ઉગ્રરસ છે. તે મધુર જેવો લાગે છે. એમ લોભરૂપી વૃક્ષ જેવાં ફળોથી ઉત્તમ જણાય તેવાં જ ફળથી યુક્ત હોય છે.

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here