પંજાબ સરકારની ભેટ ૧૩ હજાર ખેડૂતોની ૧૧૮૬ કરોડની લોન માફ

 

અમૃતસરઃ પંજાબ સરકારે ખેડુતોને મોટી ભેટ આપી છે. કેપ્ટન સરકારે એક લાખ ૧૩ હજાર ખેડૂતોની ૧૧૮૬ કરોડની લોન માફ કરી દીધી છે. આ સિવાય જમીન વિહોણા ખેડૂતોનું ૫૨૬ કરોડનું દેવું પણ માફ કરાયું છે. પંજાબના નાણામંત્રી મનપ્રીતસિંહ બાદલ દ્વારા વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરવામાં આવી હતી.

પંજાબના નાણાં પ્રધાન મનપ્રીતસિંહ બાદલે સોમવારે ૨૦૨૧-૨૨ માટે રાજ્યનું ૧,૬૮,૦૧૫ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. તેમણે વૃદ્ધાશ્રમ પેન્શન દર મહિને ૭૫૦ રૂપિયાથી વધારીને ૧,૫૦૦ રૂપિયા અને શગુન યોજના હેઠળની ગ્રાન્ટ ૫૧,૦૦૦ રૂપિયા કરવાની દરખાસ્ત પણ કરી હતી. તેમણે પંજાબમાં સ્વતંત્રતા સેનાનીઓની પેન્શન ૭૫૦૦ રૂપિયાથી વધારીને ૯૪૦૦ કરવાની જાહેરાત કરી.

મનપ્રીત બાદલે મહિલાઓ માટે બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે મહિલાઓને સરકારી બસોમાં મફત મુસાફરી કરવાની છૂટ આપી છે. સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ પણ મફત મુસાફરી કરી શકશે. આ માટેના બજેટમાં ૧૭૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિની છોકરીઓ માટે ચલાવવામાં આવતી આશીર્વાદ યોજનામાં આપવામાં આવેલી રકમ પણ વધારી દેવામાં આવી છે. હવે ૨૧ હજારને બદલે ૫૧ હજાર રૂપિયા આપવામાં આવશે. નાણાં પ્રધાને સરકારી શાળાઓમાં છઠ્ઠાથી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે સેનેટરી પેડ માટે ૨૧ કરોડની જોગવાઈ કરી છે. યુવાનોને સ્માર્ટ ફોન આપવા માટે ૧૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. શિરોમણિ એવોર્ડની રકમ પણ વધારી દેવામાં આવી છે. આ રકમ પાંચ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ કરી દેવામાં આવી છે. પટિયાલા સરકારી મેડિકલ કોલેજના પાયાના સુધારા માટે ૯૨ કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. ગુરદાસપુર અને મલેરકોટલામાં નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે. હોશિયારપુરમાં કેન્સરની હોસ્પિટલ ખોલવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું કે બજેટમાં આરોગ્ય સેવાઓ માટે ૩૮૨૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પંજાબ સરકારે કોરોના સામે લડવા માટેનાં સાધનો પર ૧૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here