પંગુ લંઘયતે ગિરિમ્ પ્રત્યક્ષ!

ટૂકેશ ભટ્ટ! આવું વિચિત્ર નામ? અરે, એની હસ્તી પણ આડીટેડી છે, એનો જોડીદાર કામગાર હસમુખ વૈષ્ણવ, એનું નામ તો ઓકે છે, પણ એની હસ્તી પણ ટૂકેશ જેવી જ છે. બન્ને મૂક-બધીર (બહેરા અને મૂંગા) એવા પુખ્ય વયના જુવાનો છે. આપણને એમ થાય કે એવાને કોણ નોકરીએ રાખે? એ બિચારા કામેય શું કરી શકે? પણ છે, ભાવનગરમાં એક ભડવીર છે, નિશીથ મહેતા. એમની ફેક્ટરીનું નામ છે, માઇક્રોસાઇન પ્રોડક્ટ્સ કે જે ટાટા મોટર્સ, મર્સિડીઝ બેન્ઝ, હોન્ડા સ્કૂટર્સ, ફિયાટ અને જોન્ડિયર ઉપરાંત ઇલેક્ટ્રિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝ, અરે સ્પેસ અને સ્પેસ ક્ષેત્રે પ્લાસ્ટિક્સમાંથી બનતા સ્પેરપાર્ટ્સ અને પેટા-સ્પેરપાર્ટ્સ બનાવીને મોકલે છે, એમનાં એ તમામ ઉત્પાદનોને વ્લ્નો માર્કો મળ્યો છે, જે ત્લ્ત્ માર્કાની સમકક્ષ છે. 2007ની સાલમાં એમને એમનાં ઉત્પાદનોની ગુણવત્તા બદલ ઇન્ડિયન મચન્ટ્સ ચેમ્બર્સ તરફથી મુંબઈમાં રામકૃષ્ણ બજાજ ક્વોલિટી એવોર્ડ મળેલો. એ જ વર્ષે એ જ શ્રેણીમાં કોઈ બીજી વિશેષતા માટે ત્રણથી ચાર હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી સન ફાર્મા (દિલીપભાઈ સંઘવી)ને પણ એવોર્ડ મળ્યો હતો. સમારંભ પછી નિશીથભાઈને પૂછવામાં આવ્યું કે તમારાં ઉત્પાદનોની આવો ઊંચો એવોર્ડ ખેંચી લાવતી ગુણવત્તા શેને આભારી છે?
જવાબ માની ન શકાય એવો હતો. એમણે કહ્યું હતુંઃ મારા તમામ વિકલાંગ કર્મચારીઓને.
જવાબ સાંભળીને સાંભળનારો આંચકો ખાઈ ગયો. ખરેખર આ જવાબ સાંભળવાથી જ નહિ, જોવાથી જોનારની આંખો ચાર થઈ જાય તેવું છે. આ ટૂકેશ ભટ્ટ અને હસમુખા વૈષ્ણવ જ નહિ, પણ મૂકબધીર અનિલ ધામેચા અને નરેન્દ્ર ભટ્ટી, મહમ્મદભાઇ, વળી મંદબુદ્ધિ (જેને હવે મેન્ટલી ચેલેન્જ્ડ કહેવાય છે તે) ધરમદીપ જાડેજા અને પ્રણવ પટેલ… અહીં જેને બોલવામાં થોડી તકલીફ છે તે નીના નાનવાણી પાસેથી તાલીમ લઈને અતિ કુશળતાપૂર્વક ક્લિપ્સ અને ક્લેમ્પિંગનું કામ અથવા પેકેજિંગનું કામ અફલાતૂન રીતે સંભાળે છે. બહેરા અને મૂંગા કામગારોને અહીં અતિશય અવાજ પેદા કરતા ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનો પર બેસાડવામાં આવે છે, કારણ કે અવાજ તેમને નડી શકતો નથી. તેઓને સતત કર્કશ અવાજને કારણે ત્રાસી જવાની સમસ્યા ઊભી થતી નથી, કામ કરતાં કરતાં વાતોનાં વડાં કરતા કોઈ કર્મચારીની જેમ ભઇ. વાતો કરવાને બદલે તારા કામ પર ધ્યાન આપને એમ એમને ટોકવા પડતા નથી, કુદરતે તેમને એ કવચ જન્મથી જ બક્ષી દીધું છે. અને નિશીથ મહેતાનું તો એવું સચોટ નિરીક્ષણ છે કે એ વસ્તુ છીનવી લઈને કુદરતે એના બદલામાં આવા લોકોને આંખ અને દિમાગની અને સાથોસાથ હાથની કંઈક વિશેષ શક્તિઓ આપી હોય છે કે એમના કામમાં કે પ્રિસિઝન જોવા મળે છે તે નોર્મલ કામગારમાં જોવા મળવી સંભવ નથી.
ભાવિન પટેલ મેન્ટલી ચેલેન્જ્ડ હોવા ઉપરાંત હાઈપરએક્ટિવ હોવાનાં લક્ષણો ધરાવે છે, પણ છેલ્લાં ત્રણ વર્ષથી એ અહીં આવીને પેકેજિંગનું, રનર છૂટાં પાડવાનું અને હેન્ડલિંગનુ કામ સંભાળે છે, તેની કામગીરી વિશે કોઈ અસંતોષ નથી. એને પોતાને અહીં ગોઠી ગયું છે, વેલજી નામનો એક કામગાર ભાવનગરથી પચીસ કિલોમીટર દૂર કમળેજથી આવે છે, એ મૂકબધીર છે, પણ બસમાં સમયસર આવે છે અને સમયસર જાય છે, એવો જ એક ભાવનગરમાં જ રહેતો હરિશ્ચંદ્ર છગનાની છે. બીએ પાસ ધર્મેન્દ્ર અજરા અને એમનાં પત્ની તખુબહેન અજરા બેઉ પગની અપંગતાવાળાં છે, એમને એક સાત વર્ષનો ખોડવિહીન દીકરો પણ છે. પરિવાર શહેરમાં જ રહે છે. બન્ને અહીં કામ કરે છે ,ખૂબ મહેનતુ છે. સવારે પાંચ વાગ્યે એ લોકો ઊઠે છે… નાહી-પરવારી એ લોકો રસોઈ બનાવે છે. તખુબહેન નીચે બેસી ન શકે એટલે એક ટેબલ બનાવ્યું છે, જેની ઉપર ચડીને તે રસોઈ બનાવે છે; પછી ટિફીન લઈને બન્ને જણ મિકેનિકલ ટ્રાઇસિકલ લઈને અહીં કામે આવે છે. એવું જ એક વિકલાંગ દંપતી મુકેશ અને રંજન પટેલ છે, જેઓ છેલ્લાં પંદર વર્ષથી કામ કરે છે,
માઇક્રોસાઇનના આજની તારીખે કુલ કામગારો 46 છે, તેમાંથી 24 જેટલા વિકલાંગો છે. નોર્મલ કામગારોની કુશળતા અને સફળતામાં વિકલાંગોનો ફાળો છે. વિકલાંગોને સપોર્ટ કરવામાં નોર્મલ કર્મચારીઓનો પણ એટલો જ ફાળો છે. બન્ને વર્ગ વચ્ચેનું સંકલનનું બહુ પ્રોત્સાહક પરિણામ તેના ઉત્પાદનોને મળ્યું છે, જેણે આ સાહસની આબરૂ વધારી છે.
ભારતમાં કોઈ નાનો કે મોટો ઉદ્યોગ વિકલાંગ કામગારોને મશીનો પર બેસાડવાનો વિચાર કરતાં બહુ નકારાત્મકતા અનુભવે તો એવો વિચાર બીજા કોઈને નહિ ને આ નિશીથભાઈ પોપટલાલ મહેતાને કેવી રીતે આવ્યો? જવાબ રસપ્રદ છે. એ એક એવી ઘટના છે કે જેણે તેમના મનમાં આખી એક તાર્કિક અને મનોવૈજ્ઞાનિક થિયરીને જન્મ આપ્યો.
જે દિવસોમાં થોડી ઘણી પણ શારીરિક ખોડખાંપણ ધરાવતું બાળક જન્મતું તો એને ઈશ્વરનો એક અભિશાપ ગણાતું. એ દિવસોમાં નિશીથ મહેતાનાં મોટાં બહેન ઇલાબહેન ચંપકલાલ મોદીને ત્યાં જન્મથી જ મૂક-બધીર એવી બાળકી રક્ષા જન્મી. અભિશાપ માનીને એની ખોડને સૌએ સ્વીકારી લીધી, પણ પાંચ વર્ષની થતામાં એને મદ્રાસની બહેરાં-મૂંગાંની શાળામાં ભણવા બેસાડી, અને ત્યાં જ એ બાર ધોરણ સુધી ભણી, પછી ભણીને પાછી આવી ત્યારે સૌ એનો બૌદ્ધિક વિકાસ અને ગ્રહણશક્તિ જોઈને દંગ રહી ગયા. સામાન્ય તરુણ-તરુણીઓની સરખામણીમાં તો એની આવી શક્તિઓ જાદુઈ જ લાગે તેટલી હદે વિકાસ પામી હતી. નિશીથભાઈને ત્યારે જ ખ્યાલ આવી ગયો કે જે લોકો બોલી નથી શકતા તેમની પાસે બીજી કોઈ શક્તિ અઢળક પ્રમાણમાં હોય છે. એ શક્તિને જો સુયોગ્ય દિશામાં પ્રવૃત્ત કરવામાં આવે તો કોઈ પણ નોર્મલ વ્યક્તિ કરતાં એ બમણું કામ કરી શકે.
1970માં સિવિલ ફેકલ્ટીમાં ડિપ્લોમા લેનારા નિશીથ મહેતાએ 1971માં પ્લાસ્ટિકના પાર્ટ્સ બનાવતી ફેક્ટરી શરૂ કરી હતી, 1986-87 પછી એમણે પોતાની વધુ વિકાસ પામેલી ફેક્ટરીમાં કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને કોઈ પણ જાતના અણગમા કે પૂર્વગ્રહ વગર નોકરીએ રાખવી અને એક પ્રયોગ લેખે જોવું કે એ કેવું કામ આપી શકે છે? પહેલાં એક, પછી બે-ત્રણ-ચાર વિકલાંગોને નોકરીએ રાખ્યા પછી એમણે જોયું કે બીજા સામાન્યો કરતાં ઊતરતું તો નહિ, પણ ઘણું ચડિયાતું પરિણામ આવા લોકો આપી શકે છે, માત્ર આપણે આપણી જાતને થોડી સાબદી અને સજ્જ કરવી પડે. બહેરા-મૂંગા લોકો સાથે કામ પાડતાં પહેલાં આપણે એમની સામાન્ય સાંકેતિક ભાષા શીખી લેવી પડે, જેથી તેમની સાથે કોમ્યુનિકેશન થઈ શકે, અથવા તો લખીને સમજાવવું પડે. આ રીતે પોતાની સજ્જતા કેળવતાં એમને સમજાયું કે એ લોકોની સમજશક્તિ સામાન્ય લોક કરતાં ચાર ગણી હોય છે, આપણે એમને કોઈ વાતની હા કે ના એમને લખીને આપીએ તે પહેલાં તો આપણી શારીરિક ભાષા (બોડી લેન્ગ્વેજ) પરથી એ લોકો આપણી હા કે ના પારખી જતા હોય છે. ધીરે ધીરે એમણે વિકલાંગ કામગારોને પડકારજનક કામો આપવા માંડ્યા. કોમ્પ્યુટર સંચાલિત ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન ઓપરેટ કરવાનું કામ સોંપી જોયું તો એમાં પરિણામો આશ્ચર્યજનક આવ્યાં. એ પણ જોઈ શકાયું કે એ લોકો અઘરાં જણાતાં કામો સ્વીકારી લેવા બહુ ઉત્સુક હોય છે, કોઇએ એમ ન કહ્યું કે હું નબળો છું કે જીવનથી હારી ગયો છું, મને આ ન સોંપો. મારાથી આ કામ નહિ થાય. નિશીથ મહેતા એ પછી વધુ ને વધુ વિકલાંગો, જેમા બહેરા, મુંગા, મંદબુદ્ધિ અને બીજી રીતે અપાહિજ એવા લોકોને નોકરી આપતા ગયા. આજે એમના કુલ વર્કિંગ ફોર્સમાંથી અર્ધા ઉપરાંત વિકલાંગો છે.
તે બધાનું પૂરેપૂરું માન જળવાય છે, એમના પગારની રેન્જ પણ બીજા સામાન્યો જેટલી જ છે, અને બીજા આનુષંગિક લાભો પણ એમની બરોબરના જ છે. માઇક્રોસાઇનનો આખો સ્ટાફ એક પરિવાર ભાવનાથી જીવે છે.
આ જોઈએ સહેજે એમ થાય કે માત્ર દક્ષિણ ગુજરાતના જ નહિ, પણ આખા દેશના બીજા ઉદ્યોગપતિઓ પણ એમને અનુસરે. કુદરતે જેમને કશુંક નહિ આપીને દેખીતી રીતે દયાપાત્ર ભલે બનાવ્યા, પણ તેમને આપણા કરતાં જે વિશેષ મળ્યું છે તે પારખવાની દષ્ટિ રાખીને એમને આત્મસન્માનભરી રોજગારી મેળવવાની તક બક્ષે. નિશીથભાઈ એમને માર્ગદર્શન આપવા તત્પર છે,

લેખક સાહિત્યકાર અને પત્રકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here