ન્યાયતંત્ર પર રાજતંત્રનો ઓછાયોઃ રાજકારણમાં ન્યાયતંત્રનો ઉપયોગ થાય છે?

0
952

 

 

 

કોણ સર્વોચ્ચ – સર્વોપરી? – સંસદ કે સુપ્રીમ કોર્ટ? આ વિવાદ જૂનો થઈ ગયો છે! હવે નવો વિવાદ જાગ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોણ? સિનિયર કોણ? ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સંસદે ઊલટાવી નાખ્યા છે. ઇન્દિરાજી અને સ્વ. રાજીવ ગાંધીએ પણ સંસદમાં બંધારણીય સુધારા પસાર કરાવીને સુપ્રીમ કોર્ટને બતાવી આપ્યું છે કે રાજતંત્ર સર્વોપરી છે! ઇન્દિરાજીએ ‘કમિટેડ જ્યુડિશિયરી’ની થિયરી અમલમાં મૂકીને સુપ્રીમ કોર્ટના સિનિયર ન્યાયમૂર્તિઓને હાંસિયામાં ધકેલીને જુનિયર – કહ્યાગરા ન્યાયાધીશને બઢતી આપીને ચીફ જસ્ટિસ બનાવ્યા હતા! (દાયકાઓ પછી આ પૂર્વ ચીફ જસ્ટિસ એ. એન. રાયના અવસાન પછી એમને ‘શ્રદ્ધાંજલિ’ પણ  બંધબારણે આપવામાં આવી હતી!)

સરકાર અને સુપ્રીમ કોર્ટના વિવાદ ઘણા થયા છે, પણ હવે વડા ન્યાયમૂર્તિ સામે ચાર ન્યાયમૂર્તિઓની બગાવત – બળવો જાહેરમાં આવ્યો છે. આ ઐતિહાસિક ઘટનામાં આખરે સમાધાન ભલે થાય – ગમે તે થાય, ન્યાયતંત્રની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા ઉપર લાગેલો ડાઘ – ભુલાતાં કદાચ વર્ષો લાગશે. એક સમય હતો જ્યારે લોકોને ન્યાયતંત્ર પર અડગ વિશ્વાસ હતો – ન્યાય માટે કોર્ટમાં જઈશું, સુપ્રીમ કોર્ટ સુધી લડીશું – એવું લોકો વિશ્વાસથી કહેતા હતા. ઇન્દિરાજીના શાસનમાં આ વિશ્વાસ પર પ્રથમ આઘાત થયો હતો. હવે તો ન્યાયમૂર્તિઓએ જ એમના મુખ્ય ન્યાયમૂર્તિ પર ‘આક્ષેપ’ કર્યો છે! આ આક્ષેપ પાછળ ‘તટસ્થતા અને ન્યાય’ની માગણી છે? કે પછી રાજકારણનો ઓછાયો છે? યાકુબ મેમણને ફાંસીની સજા કોણે આપી? નિર્ભયા ગેન્ગરેપમાં ત્રણ નરાધમોને ફાંસી કોણે સંભળાવી? અત્યારે રામજન્મભૂમિનો કેસ પણ ચીફ જસ્ટિસની બેન્ચમાં છે.

આક્ષેપ એવો છે કે ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સંવેદનશીલ – કેસ સાંભળવા માટે ‘મનપસંદ બેન્ચ’ને જવાબદારી સોંપે છે! વાસ્તવમાં ચીફ જસ્ટિસ ‘માસ્ટર ઓફ રોસ્ટર’ ગણાય છે અને બેન્ચ નક્કી કરવાની જવાબદારી એમની હોય છે. ચાર ન્યાયમૂર્તિઓએ ચીફ જસ્ટિસની કામગીરી – વ્યવસ્થાને પડકારી છે અને જાહેરમાં – પત્રકાર પરિષદ બોલાવીને વિવાદ અને અવિશ્વાસ જગાવ્યો તે સામેના મંજૂરી – વિરોધ ખુદ અન્ય નિવૃત્ત ન્યાયમૂર્તિઓ અને બંધારણ નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. ફરિયાદ હોય તો આખરે રાષ્ટ્રપતિને પત્ર લખીને જાણ કરી શક્યા હોત, પણ ‘જનતાની અદાલત’માં જવાનો નિર્ણય લેવાયો તેથી ‘રાજકીય સંબંધ’ અને રાજરમત હોવાની શંકા જાગી અને એમની સામે – પ્રતિઆક્ષેપ થયા છે. વકીલો પોતાની રાજકીય વિચારસરણી અને સંબંધ રાખવા માટે સ્વતંત્ર છે. હોવા જોઈએ, પણ ન્યાયમૂર્તિ – ન્યાયાધીશો રાજકીય હોય નહિ – ઇન્દિરાજીએ ‘કમિટેડ જ્યુડિશિયરી’ ચલાવી તેનાં બીજ ફરીથી ઊગી રહ્યાં છે?

અત્યારે વિવાદના મૂળમાં – કેન્દ્રમાં નાગપુરની સીબીઆઇ કોર્ટના જજ બી. એચ. લોયાના અવસાનનો વિવાદ છે. ગુજરાતમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ ચાલતો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર, 2013માં આ કેસ ગુજરાતથી મુંબઈ હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. આ દરમિયાન જજ લોયા 1લી ડિસેમ્બર, 2014ના રોજ કોઈ લગ્ન સમારંભમાં હાજરી આપવા ગયા હતા ત્યાં હાર્ટએટેકથી અવસાન પામ્યા. આ પછી સુનાવણી પછી બીજા જજ આવ્યા અને અમિત શાહ તથા અન્ય આરોપીઓ નિર્દોષ ઠર્યા. આ પછી જજ લોયાના પુત્ર તથા મુંબઈ હાઈ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવાઈએ પણ અવસાન કુદરતી હોવાનું જણાવ્યું છે, પણ એક મેગેઝિનમાં અહેવાલ છપાયો કે જજના મૃત્યુને સોહરાબુદ્દીન કેસ સાથે સંબંધ છે અને તેના આધારે મુંબઈ હાઈ કોર્ટમાં આઠમી જાન્યુઆરીએ ‘જાહેર હિત’ની અરજી થઈ કે બોમ્બે લોયર્સ એસોસિયેશને મૃત્યુના કારણની તપાસ કરવાની માગણી કરી છે.

આ દરમિયાન મહારાષ્ટ્રના એક પત્રકાર બી. આર. લોન અને એક્ટિવિસ્ટ તેહસીન પૂનાવાલાએ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી ત્યારે સિનિયર એડવોકેટ દુષ્યંત દવે અને ઇન્દિરા જયસિંગે બેન્ચમાં એવી દલીલ કરી કે – આવી જ અરજી મુંબઈ હાઈ કોર્ટમાં પણ થઈ હોવાથી સુપ્રીમ કોર્ટની બેન્ચે તે હાથ નહિ ધરવી જોઈએ, કારણ કે અહીંની સુનાવણીની અસર મુંબઈ હાઈ કોર્ટની સુનાવણી પર પડશે. અદાલતે જવાબ આપ્યો કે ‘અમે માર્ગમાં નહિ આવીએ.’ આ કેસ – અરજી ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, એ. એમ. ખાનવિલકર અને ડી. વાય. ચંદ્રચૂડે સાંભળ્યા પછી જસ્ટિસ અરુણ મિશ્રા અને શાંતાન ગોડરની બેન્ચને જવાબદારી સોંપી. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું કે ‘અવસાન ગંભીર બાબત’ છે અને આ કેસમાં સ્વતંત્ર તપાસ કરવી જરૂરી છે એમ પણ કહ્યું. આમ છતાં દુષ્યંત દવેએ કહ્યું – હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ કેસ હાથ પર નહિ ધરો, ત્યારે અદાલતે કહ્યું, અમે તમને સાંભળ્યા છે – હવે બેસી જાવ. અદાલતે મહારાષ્ટ્રના પ્રતિનિધિને પણ જણાવ્યું કે રાજ્ય સરકાર પાસેથી સૂચના મેળવો અને લોયાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા અન્ય સંબંધિત દસ્તાવેજો રજૂ કરો. આ ગંભીર બાબત છે અને અમારે રિપોર્ટ તપાસવા છે.

આ પછી ચાર ન્યાયમૂર્તિઓનો બળવો થયો. સિનિયર એડવોકેટ દુષ્યંત દવેએ આક્ષેપ કર્યો કે જજ અરુણ મિશ્રાના ગાઢ સંબંધ ભાજપના નેતાઓ અને અન્ય રાજકીય નેતાઓ સાથે છે. આ દરમિયાન જાહેર હિતના અરજદારે એમ કહ્યું કે દુષ્યંત દવે મારા પર દબાણ કરે છે કે આ કેસ પાછો ખેંચો!

એક્ટિવિસ્ટ પૂનાવાલાના કહેવા મુજબ જસ્ટિસ અરુણ મિશ્રા તો ચીફ જસ્ટિસના ‘માણસ’ છે અને તેથી એમના હાથમાં આ કેસ નહિ હોવો જોઈએ. પૂનાવાલા તો રોબર્ટ વડરાના સંબંધમાં છે અને ટીવીની ચર્ચામાં કોંગ્રેસનો બચાવ કરવા ઊતરતા હોય છે – તેઓ કહે છે કે દુષ્યંત દવે પહેલાં તો મારા વતી કેસ લડવા તૈયાર હતા, પણ મિશ્રાની બેન્ચમાં સુનાવણી થશે એમ જાણ્યા પછી દબાણ કર્યું કે આ કેસ પાછો ખેંચીને મુંબઈ હાઈ કોર્ટનો સંપર્ક કરો અને પૂનાવાલા સંમત થયા નહિ ત્યારે – તમારું ફોડી લો – કહીને ગુસ્સામાં ચાલ્યા ગયા…

આ દરમિયાન ચાર ન્યાયમૂર્તિઓએ પત્રકાર પરિષદમાં ‘ધડાકો’ કર્યો અને રાજકીય નેતાઓને મોકળું મેદાન મળ્યું. ભાજપના બળવાખોર નેતા યશવંત સિંહાએ તો કહ્યું કે મંત્રીઓએ પણ ન્યાયમૂર્તિઓની જેમ અવાજ ઉઠાવવો જોઈએ. અર્થાત્ બળવો કરવો જોઈએ!

કોંગ્રેસના વકીલ નેતાઓ પી. ચિદમ્બરમ, કપિલ સિબ્બલ, મનીષ તિવારી, સલમાન ખુરશીદ અને વિવેક તનખા સાથે કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીની બેઠક મળી, જેમાં એમ નક્કી થયું કે આપણે હાલ તરત સંબંધિત પ્રત્યાઘાત આપવા અને પછી વિવાદમાં કેવો વળાંક આવે છે તે જોઈને વ્યૂહ નક્કી કરવો. એક નેતાએ તો કહ્યું, આ વિવાદનો અંત નહિ આવે તો આપણે આગળ વધીશું. ચીફ જસ્ટિસને પદભ્રષ્ટ કરવા માટે ‘ઇમ્પિચમેન્ટ’ની પ્રક્રિયા શરૂ કરવાની વાત વહેવા લાગી! કોંગ્રેસ નેતા અને પૂર્વ કાયદામંત્રી અશ્વિનીકુમાર અને અભિષેક સિંઘવી – સામાન્ય સંજોગોમાં આપણે પત્રકાર પરિષદ અંગે સહમત ન થઈએ પણ આ ગંભીર બાબત છે. સમધાન થાય નહિ તો ભડકો થશે!

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં જજ લોયાના મૃત્યુની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ એ બાબત પર ભાર મૂક્યો. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરે અને સુપ્રીમ કોર્ટની ફુલ બેન્ચે તમામ મુદ્દા સાંભળવા જોઈએ અને સિનિયર ન્યાયમૂર્તિઓને ‘રાષ્ટ્રીય મહત્ત્વ’ના કેસ સોંપવા જોઈએ. ચાર જજોએ લોકશાહીને ખતરો હોવાની વાત કરી છે તે ધ્યાનથી સાંભળવી જોઈએ. જજ લોયાનો કેસ ઉચ્ચ કક્ષાએ તપાસવાની માગણી પણ કરી.

જજ લોયાના કેસ પર ભાર મૂકવા પાછળ નિશાન પર ભાજપ છે, કારણ કે અમિત શાહ એક આરોપી હતા! ભાજપે ત્યારે પણ કહ્યું હતું કે ‘આ કેસ રાજકારણ – પ્રેરિત છે અને 2014ની ચૂંટણી પૂર્વે આ રાજરમત શરૂ થઈ છે.’

આ વિવાદ 2019 સુધી લંબાશે? બીજી બાજુ ભાજપ અને સરકારે સુપ્રીમ કોર્ટના વિવાદમાં પડવાનો ઇનકાર કર્યો છે, પણ સોશિયલ મિડિયામાં ચાર જજો અને એમના કોંગ્રેસ સાથેના ગાઢ સંબંધની ચર્ચા વિસ્તરી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ તાજેતરમાં જ – અયોધ્યા કેસની સુનાવણી 2019 પછી કરવાની માગણી કપિલ સિબ્બલે કરી ત્યારે એમનો ઊધડો લીધો હતો. રામજન્મભૂમિ કેસ ઉપરાંત ઇન્દિરાજીની હત્યા પછી થયેલાં શીખવિરોધી રમખાણો અને કત્લેઆમની તપાસના કેસ ફરીથી હાથમાં લીધા પછી રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા થઈ રહી છે. એનડીએ સરકારના સામાજિક સુધારાઓને સુપ્રીમ કોર્ટનું સમર્થન મળે છે તે પણ મહત્ત્વનું છે. જજોના વિવાદમાં સમાધાન થાય તો પણ રાજકીય મેદાનમાં ‘લોકશાહી ખતરે મેં હૈ’ ગજાવાશે – ઇમરજન્સીમાં લોકશાહીની રક્ષા કરવા બદલ ન્યાયાધીશોને અન્યાય થયા. ધમકીઓ મળી અને છતાં ન્યાયતંત્ર અને લોકશાહીને વફાદાર રહ્યા. ઇન્દિરા ગાંધીના શાસનમાં ન્યાયતંત્ર સરકારનું – જી-હજૂર – દાસ બન્યું. આજના રાજકારણમાં ન્યાયતંત્રનો ઉપયોગ થાય છે?ે.

 

લેખક ‘જન્મભૂમિ’ જૂથના તંત્રી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here