નૈરોબીમાં મોરારીબાપુની રામકથાઃ માનવતાનો મહેરામણ ઘૂઘવ્યો!

રામકથાનું રજવાડું છે. રાજીપાની રમણા રૂડી,
ત્રેવડનું ધસમસ ધાડું છે. રામકથાનું રજવાડું છે.
હળવે હળવે કથા ઊઘડતી, હળવેથી અનુભૂતિ,
બાપ, તમારાં વાની-વચને, ઝળાંહળાં ’ને દ્યુતિ.
તુલસીદલથી તુલા નમે, આ તુલસી ભવનીભુતિ,
મારુતિનંદન માંડે આસન, હોઠ ઉપર લઈ શ્રુતિ.
ત્રિભુવન કહેતાં તીરથ પામે,
બેઉ હાથમાં બે લાડુ છે.
રામકથાનું રજવાડું છે.
કથા એ જ સંવાદ ભીતરે, કથા કાન આમળતી,
શબદ સરિતા સહજ નીતરે, જ્યમ શિવ માથે ગળતી.
વાયુપુત્ર સિંદૂર લગાવે, આંખ આપની ઢળતી.
કવિતા વળતી કાન તમારે, જાત અમારી રળતી,
ખૂણે-ખાંચરે ફરતું રહેતું,
સત સંગત સમરથ ઝાડુ છે.
રામકથાનું રજવાડું છે.
– રક્ષા શુક્લ

નૈરોબીના વાદળછાયા વાતાવરણમાં, નહિ ઠંડી કે નહિ ગરમીની મિશ્ર મોસમના મધ્યબિંદુ પર પ્રેમયજ્ઞરૂપી મોરારી-બાપુની રામકથાનો પ્રારંભ થયો હતો. થોડાં વર્ષો પહેલાં નૈરોબીમાં કથા થઈ હતી. આ ઐતિહાસિક રામકથામાં સમગ્ર વિશ્વમાંથી ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. એ રીતે બાપુના વૈશ્વિક વિચારો વૈશ્વિક ફલક પર વિસ્તર્યા હતા. નૈરોબીની ધરતી પર પગ મૂકતાં જ બાપુએ યજમાન કૌશિકભાઈને પૂછ્યું હતું કે અહીં કોઈ એવો વિસ્તાર ખરો કે જ્યાં લોકોને અન્ન મળતું ન હોય? લોકો ભૂખ્યા સૂએ તો આપણને રોટલા કેમ ભાવે? યજમાને કહ્યું કે હા, એવા કેટલાક વિસ્તારો ખરા. આ વાત બાપુને ડિસ્ટર્બ કરી ગઈ અને કથાના પ્રારંભે એમણે કેન્યાના વંચિતો માટે હાકલ કરી અને માત્ર એક જ મિનિટમાં એક કરોડ જેટલી રકમ એકઠી થઈ ગઈ હતી. નવ દિવસમાં આ રકમ પાંચ કરોડની આસપાસ આવીને અટકી હતી. બાપુથી પ્રેરાઈ ભૂખ્યાજનો માટેની મુવમેન્ટ કેન્યા સરકારે પણ શરૂ કરી હતી. સરકારે આ વિચાર બદલ બાપુનો આભાર માન્યો હતો. વંચિતોની વાર્તામાં સુખદ અંત લાવવા તલગાજરડી વ્યાસપીઠે મનોરથની કાળી કામળી પાથરી અને સહયોગનું સપ્તધનુષ્ય સર્જાયું. આમ પણ કાળા રંગમાં બધા રંગો એકરૂપ થઈ જાય છે. બાપુએ કહ્યું કે ત્રણે ભુવન મારો દેશ છે. વ્યાસપીઠ વિશ્વપ્રવાસી છે અને વિશ્વનિવાસી છે. વ્યાસપીઠની વાત રાજપીઠ સુધી પહોંચે એનો હૈયે હરખ હોય જ. ગાંધીબાપુ પછી આફ્રિકામાં કોઈ મિડિયાએ આટલું કવરેજ આપ્યું હોય એમાં મોરારીબાપુ આવે છે. ગાંધીબાપુ પછી ભારતભરમાં બીજું કોઈ નામ મૂકવું હોય તો મોરારીબાપુનું આવે, જેમની નિષ્ઠા માટે કોઈને લેશમાત્ર શંકા ન હોય. એકે આઝાદી અપાવી, બીજા આબાદી તરફ લઈ જઈ રહ્યા છે. એક મહિનામાં નવ દિવસની કથા ઉપરાંત પંદરથી વીસ કાર્યક્રમ અને બાપુનાં અન્ય રોકાણો તો ખરાં જ. આ યુવાન ડોસલામાં

સ્ફૂર્તિનો મહાસાગર ભર્યો છે.
અમે તો અહીંથી જશું,
પરંતુ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે.
ખબર નથી શું કરી ગયા
પણ કરી ગયા એ કમાલ રહેશે.
-મકરંદ દવે

પ્રવાહી પરંપરા પ્રમાણે પ્રથમ દિવસે કથાનું માહાત્મ્ય આપવાનું હોય, બાપુએ માનવતાનું માહાત્મ્ય ગાયું હતું. કચ્છના દાદા મેકરણની જેમ કાળી કામળીવાળા બાપુએ આ કાર્ય ઉપાડ્યું છે.

બાપુએ કહ્યું કે ભારતના લોકો જ્યાં જાય છે ત્યાં આપીને, ત્યાગીને આવે છે એવી વૈશ્વિક લેવલે છાપ ઊભી કરવી છે. તાજેતરમાં સાવરકુંડલાની કથામાં દર્દીઓ માટે બાપુએ ઝોળી ફેલાવી અને કરોડો રૂપિયા એકઠા થયા હતા. દરેક કથામાં સામાજિક નિસ્બતનું બહુ મોટું કામ થઈ રહ્યું છે. કેન્યાનાં રાજમાતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. એમણે કહ્યું હતું કે બાપુની પ્રતિભા સંમોહિત કરે તેવી છે.

એક કલાક તેમની કથા સાંભળી. લોકોના ચહેરાના પ્રતિભાવ પરથી લાગતું હતું કે ભાષા નહોતી સમજાતી તો પણ તેઓ કથામાં રમમાણ થઈ ગયા છે. બાપુની વાતો પર હસતાં કેન્યાનાં રાજમાતાને જોઈ બાપુએ કહ્યું હતું કે સંવેદનાને ભાષા અવરોધ નડતો નથી. હસતો રાજનેતા રાષ્ટ્ર માટે કલ્યાણકારી છે. હવે મારે હસે નહિ એને કથા આપવી નથી. હાસ્ય એ હોઠનું ઘરેણું છે. જેની પાસે આ ઘરેણું નથી એ પૈસાદાર હોવા છતાં ગરીબ છે. નૈરોબીમાં ફેન (પંખા) બહુ ઓછા જોવા મળે છે, પણ બાપુના ફેન (ચાહક) ખૂબ છે, એ પ્રથમ દિવસની વિશાળ જનમેદની પરથી સાબિત થયું.

ભારતમાંથી વિધવિધ ક્ષેત્રની 200થી પણ વધુ પ્રતિભાને આમંત્રણ આપ્યું હતું. યોગેશભાઈ શાસ્ત્રી, આણદાબાવા આશ્રમ, જામનગરના દેવપ્રસાદ બાપુ, દ્વારકેશલાલજી, સંતરામ મંદિરના સંતો પ્રથમ વાર વિદેશની ધરતી પર પધાર્યા હતા. રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતી હસ્તીઓ ભીખુદાન ગઢવી, જિતુભાઈ દ્વારકાવાળા, યોગેશ ગઢવી, માયાભાઈ આહિર, સુખદેવ ધામેલિયા, તુષાર શુક્લ, હરદ્વાર ગોસ્વામી ઇત્યાદિ કલાકારોની રસભર રંગત દુબારાનો દરબાર સર્જતી હતી. ખૂણામાં રહીને પોતાની કલાને અજવાળતાં ભારતના કલાકારોમાંથી મોટા ભાગનાએ પહેલી વાર વિદેશપ્રવાસ કર્યો હતો. બોટાદનું મહાકાળી ભવાઈ મંડળ વર્ષોથી પેઢી દર પેઢી ભવાઈને સમર્પિત સંસ્થા છે. પહેલી વાર એને આટલું મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું હતું, એ પણ ફાઇવસ્ટાર ફેસિલિટી સાથે… આવી જ રીતે આગનાં કરતબ બતાવનાર, શંખ ફૂંકનાર, રાજસ્થાનના મીર કલાકારો ઇત્યાદિ… સાવ છેવાડાના માણસ સુધી બાપુની નજર પહોંચે છે. સૌ કલાકારોએ ગળગળા થઈ કહ્યું કે અમારું આ આજીવન મધમીઠું સંભારણું છે. નેશનલ પાર્કમાં નૈરોબીના બે સિંહ નિહાળ્યા હતા. મેં નૈરોબીવાસીને કહ્યું કે ભારતના 200 સિંહ જોવા હોય તો રામકથાના સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારો. એની ડણક મસાઈ મારા સુધી સંભળાશે. જયંતીભાઈ ચાંદરા, જયદેવ માંકડ, નીલેશ વાવડિયા ઇત્યાદિની સેવા કાબિલે દાદ હતી. હજારો શ્રોતાઓનો કથા સંદર્ભે એક જ સૂર હતો કે અલૌકિક અનુભૂતિ. બાપુની ટીકા કરનારે નવ દિવસ એમને સાંભળવા જોઈએ. સોક્રેટિસનો વિરોધ કરનાર જ્યારે એમની સન્મુખ થતા હતા ત્યારે દોસ્ત બની જતા હતા.

આઇએ હનુમંત, બિરાજીએ,
કથા કરું મતિ અનુસાર,
પ્રેમ સહિત ગાદી ધરું,

પધારીએ પવનકુમારથી કથાનો પ્રારંભ થયો અને બીજી બાજુ આફ્રિકામાં જ વિરાટ કોહલીની ટીમનો ભવ્ય શ્રેણીવિજય થયો. બાપુની પ્રથમ વિદેશકથા નૈરોબીમાં હતી એટલે આ એમનું પાટલાનું ગામ કહેવાય. 1976ની નૈરોબીની કથા પછી બાપુએ રૂપિયા લેવાનું બંધ કર્યું હતું. પહેલાં જીવનનિર્વાહ માટે દક્ષિણા લેતા હતા. કેન્યાનું પ્રાકૃતિક સૌંદર્ય અને માણસોના સ્વભાવનું સૌંદર્ય મોહિનીઅટ્ટમ જેવું મોહક છે. સત્યનારાયણની કથા કરવી પણ અઘરી હોય છે ત્યારે આટલું મોટું આયોજન કરવા બદલ યજમાન કૌશિકભાઈ માણેક પરિવારને આકંઠ અભિનંદન.

વિભીષણને કેન્દ્રમાં રાખીને નવ દિવસ કથા ચાલી હતી. વિભીષણ અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય છે, જેનું સંશોધન હજી થવાનું બાકી છે. દ્વાપર, ત્રેતા, સતયુગ, અને કળયુગમાં વિભીષણ એની નિષ્ઠાને કારણે યાદ રહેશે. કેન્યાનો એક અર્થ નિર્દોષતા થાય છે. વિભીષણમાં પણ નિર્દોષતા છે. નામ બિભીષન જેહિ જગ જાના, બીશ્નૂ ભગત વિજ્ઞાન નિધાના વિભીષણની ભૂમિ પણ કેન્યાની માફક ફળદ્રુપ છે. કેન્યામાં તુલસીના ઘેઘૂર વન છે. એના પર બાળકને પણ બેસાડી દ્યો તોય પડે નહિ.

ગુજરાતી કે હિન્દી ન સમજી શકે એમના લાભાર્થે નગીનદાસ સંઘવી દરેક દિવસનો સંક્ષિપ્ત કથાસાર અંગ્રેજી ભાષામાં ભાવપૂર્ણ રીતે રજૂ કરતા હતા.

કથાના બીજા દિવસે બાપુએ કહ્યું કે કેટલાક લોકો શિલિંગ ઓછા થાય એટલે સીલિંગ તૂટી હોય એવા ભયભીત થાય છે. આવા લોકો માલમસ્ત હોય છે. કેટલાક લોકો બધી પરિસ્થિતિમાં સમાન હોય એ કમાલમસ્ત હોય છે. એકવીસમી સદીમાં ધર્મનું નવું અર્થઘટન જરૂરી છે. થોડું દિલનું ડાયવર્ઝન લેવું પડશે. રામકાર્ય કરવું હોય તો હરિના હસ્તાક્ષર લઈ જડ નિયમો તોડવા પડે.

એક સુખદ અનુભવ ધ એલિફન્ટ ઓરફન્સ જોવા ગયા ત્યાં થયો હતો. વ્યવસ્થાપક નિગ્રોએ રામકથામાં આવ્યા હોવાથી અમારી ટિકિટ ન લીધી. કથાઓમાં મોટા ભાગે વડીલો જ દેખાતા હોય છે, પણ બાપુની કથામાં યુવાનોની બહુ મોટી સંખ્યા જોવા મળતી હતી. જે યુવાનો મોબાઇલ સાથે માઇન્ડ પણ વાઇબ્રરેંટગ મોડ પર મૂકી એન્ડ્રોઇડ કથાને માણતા હતા. વિશેષણોના વનમાં ભટક્યા વગર અનુભૂતિના આકાશમાં વિહરશો તો કથાની કસ્તૂરી પામી શકો.
ગુજરાતીમાં પાંચસોથી વધુ કથા કરીને બાપુએ માતૃભાષાની બહુ મોટી સેવા કરી છે. દરેક કથામાં પચાસ હજારથી વધારે ભાવકો, ટી.વી.ના માધ્યમથી લાઇવ જોતા લાખો પ્રેક્ષકો તો જુદા…

નિજાનંદનાં નીરમાં વહેતા, અસ્ખલિત વાક્પ્રવાહમાં ગુજરાતી સાહિત્યના અનેક સંદર્ભોની માળા ગૂંથાતી રહે છે. બાપુએ વિખ્યાત અભિનેત્રી શ્રીદેવીને શ્રદ્ધાસુમન પાઠવ્યાં હતાં અને કહ્યું હતું કે મારી વ્યાસપીઠ કોઈ કલાને અસ્પૃશ્ય નથી ગણતી. જાણીતા ગાયક પાર્થિવ ગોહિલે શ્રીદેવી પર પિક્ચરાઇઝ થયેલું નાજા રે મેરે બાદશાહ… ગાઈને શબ્દાંજલિ અર્પી હતી. કૈલાસ પંડિતની ગઝલ દર્દને ગાયા વિના રોયા કરો… પુરુષોત્તમ ઉપાધ્યાયે માલકોશ રાગમાં કમ્પોઝ કરી છે. આ રાગમાં નારાયણ સ્વામીએ ગાયેલી રચનાઓ કેમ ભૂલી શકાય? શંકરનો આ પ્રિય રાગ છે. બાપુએ કહ્યું કે દોષપૂર્ણ વ્યક્તિને ગુરુ સ્વીકારે છે. બીમાર માણસ જ ડોકટર પાસે જાય છે. હું ગમે ત્યાં જાઉં મારી સાથે હંમેશાં રામાયણ અને ભાગવત બે ગ્રંથો હોય જ… બન્ને મારાં બાવડાં છે. બધી શંકાનું સમાધાન તેમાંથી મળી જાય છે.

છઠ્ઠા દિવસની કથાને અંતે રામકથામાં શ્રોતા તરીકે ઉપસ્થિત ઇન્ડિયન હાઈકમિશનરના પ્રતિનિધિએ કહ્યું કે કથાના માધ્યમથી આટલું મોટું સોશિયલ વર્ક થાય તે અભૂતપૂર્વ ઘટના છે. વાલ્મીકિ, તુલસીદાસ પછી રામાયણને ઘરે ઘરે લઈ જવામાં મોરારીબાપુનો બહુ મોટો ફાળો છે.

સાતમા દિવસના રામકથાના પ્રારંભે આછા વરસાદને કારણે સાત રંગો ધરતી પર ઊતરી આવ્યા હતા. ભાવકો ભીતરથી પણ ભીંજાયા હતા. જાણે વરુણદેવ પણ કથાશ્રવણ અર્થે આવ્યા ન હોય! અખાભગતની જેમ ચાબુક વીંઝતાં બાપુએ કહ્યું કે સામેથી પરાણે શિષ્યો બનાવવાની પરંપરા ખોટી છે. હાફ પેન્ટ પહેરેલા માનભાઈને પણ હું સાધુ કહીશ. બાપુ દઢપણે માને છે કે દરેક સર્જકને એના વિચારની ક્રેડિટ મળવી જોઈએ. નૈરોબીમાં વસતા એક નોન-ગુજરાતીએ બાપુની કથા સારી રીતે માણી શકે એ માટે ગુજરાતી ભાષા શીખી લીધી હતી. આથી વધુ લોકચાહના શું હોઈ શકે! બે દેશનું અંતર ઓગળી અંતર સુધી પહોંચ્યું છે.

નવમા દિવસે કથા વિશ્રામ લેતાં મોરારીબાપુએ કહ્યું કે ફરી નવી કથાની પ્રિયજન માફક રાહ જોઉં છું. કેન્યાના હજારો ભાવકો ભાવવિભોર થઈ ગયા હતા. રામકથાને કારણે નૈરોબી કેન્યાની જ નહિ, દિલ દુનિયાની રાજધાની બની ગઈ હોય એવું વહાલભર્યું વાતાવરણ સર્જાયું હતું. ઊંચાઈ પર આવેલું આ શહેર વિરાટ તરફ ગતિ કરી રહ્યું છે. નૈરોબીમાં એરકન્ડિશનર જોવા નહિ મળે, કેમ કે કુદરતે આખા શહેર ફરતે એ.સી. ફિટ કર્યું છે. કવિતા કરવાનું મન થઈ જાય એવું ખુશનુમા વાતાવરણ છે. અહીં રૂપિયાની લૂંટ થશે, પણ ઇજ્જતની લૂંટ કદી નહિ થાય… ગુજરાતીઓનો અહીં દબદબાભર્યો દરબાર છે. મોટા ભાગના શેઠિયાઓ ગુજરાતી છે. કેટલાક વિસ્તારમાં જતાં એવું લાગે કે ગુજરાતમાં જ ફરી રહ્યા છીએ. કથા સ્વર્ગ આપવા માટે નથી, પણ જીવનને સ્વર્ગ બનાવવા માટે છે. સાહિત્યને પુસ્તકથી મસ્તક સુધી વિસ્તારવામાં બાપુનો બહુ મોટો ફાળો છે. કવિ કાગળ પર લખે અને બાપુ આગળ ઉપર લખે છે. સાહિત્યકારોના હૃદયમાં બાપુ છે અને બાપુના હૃદયમાં સાહિત્યકારો છે. હોટેલ પર નિગ્રો વેઇટરને ટિપ આપી તો માથાના શિવલિંગ પર શિલિંગ ચડાવી પરત કરતાં કહ્યું કે રામકથા અમારા દેશ માટે આટલું મોટું સેવા સદાવ્રત કરે છે તો અમે તમારી નાનકડી સેવા ન કરી શકીએ? અને એણે સ્વાહિલીમાં સ્માઇલી આપ્યું. સ્વાહિલી ભાષાનું જામ્બો અને ગુજરાતી ભાષાનું જામો પડી ગયો, મને તો એમ જ લાગી રહ્યું હતું. છેલ્લા પાંત્રીસ વર્ષથી બાપુની દરેક કથામાં શ્રોતા તરીકે અચૂક હાજર રહેતા ગોંડલના પ્રતાપગિરિ ગોસ્વામી કહે છે કે દરેક કથાથી જીવનનો એક નવો મંત્ર લાધે છે. આ વખતે ઇગ્નોરાય નમઃ મંત્ર મળ્યો છે. કથાશ્રવણથી અનેકના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. જીવનનું નવું ભાથું બાંધે છે. અંતિમ દિવસે શ્રોતાઓની આંખમાં એક અનોખી ચમક હતી, જેમાં હજારો સૂર્યનું અજવાળું હતું…

ધૈર્ય કેરા બુટ્ટાઓ, પાંદડી ક્ષમા કેરી,
વેલ છે કરુણાની, પ્રાણના પટોળા પર,
દિવ્ય ભાત છાપીને, લો અમે તો આ ચાલ્યા.
– શૂન્ય પાલનપુરી

હરદ્વાર ગોસ્વામી

લેખક જાણીતા કવિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here