નવા દલાઈ લામાની પસંદગી, ચીન સામે ટકરાવા તૈયારઃ ટ્રમ્પે તિબેટ નીતિને આપી મંજૂરી

 

વોશિંગ્ટનઃ તિબેટમાં બૌદ્ધોની વચ્ચે પોતાની પકડ મજબૂત કરવા માટે ચીન હવે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી કરવા જઈ રહ્યું છે. તો બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુની પસંદગીમાં ચીનના હસ્તક્ષેપને રોકવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તિબેટ નીતિ તથા સમર્થન કાયદો ૨૦૨૦ને મંજૂરી આપી દીધી છે. તેમાં તિબેટમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ સ્થાપિત કરવા અને તે નક્કી કરવા માટે એક આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવાની વાત કરવામાં આવી છે. 

અમેરિકા પહેલાથી કહેતું આવ્યું છે કે આગામી દલાઈ લામાની પસંદગી માત્ર તિબેટ બૌદ્ધ સમુદાયના લોકો કરે તથા તેમાં ચીનનો કોઈ હસ્તક્ષેપ ન હોય. ચીનના વિરોધ છતાં અમેરિકી સીનેટે પાછલા સપ્તાહે તેને સર્વસંમતિથી પસાર કર્યું હતું. આ કાયદામાં તિબેટને તેના આધ્યાત્મિક નેતાના ઉત્તરાધિકારીની પસંદગી કરવાના અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તિબેટના મુદ્દા પર એક વિશેષ રાજદ્વારીની ભૂમિકાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. 

અમેરિકાએ પારદર્શી ચૂંટણીના વિશેષ રાજદ્વારીને આપેલી શક્તિઓ બિલ હેઠળ તિબેટ સંબંધી મામલા પર અમેરિકાના વિશેષ રાજદ્વારીને તે અધિકાર આપવામાં આવ્યો છે કે તે નક્કી કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર ગઠબંધન કરી શકે છે કે આગામી દલાઈ લામાની પસંદગી માત્ર તિબેટ બૌદ્ધ સમુદાય કરે. તેમાં તિબેટમાં તિબેટી સમુદાયના સમર્થનમાં બિન સરકારી સંગઠનોની સહાયતાનો પ્રસ્તાવ છે. તેમાં અમેરિકામાં નવા ચીની વાણિજ્ય દૂતાવાસો પર ત્યાં સુધી પ્રતિબંધની વાત છે જ્યાં સુધી તિબેટના લ્હાસામાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસની સ્થાપના ન કરવામાં આવે.

અમેરિકાએ તિબેટમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે સૈમુએલ ડી બ્રાઉનબેકને વિશેષ રાજદૂત (એમ્બેસેડર એટ લાર્જ) જાહેર કર્યા છે. બ્રાઉનબેકે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, અમેરિકા ચીન તરફથી આગામી દલાઈ લામા ચૂંટવાની વિરુદ્ધ છે. તેની પાસે આમ કરવાનો કોઈ અધિકાર નથી. તેની પાસે આ માટે કોઈ ધાર્મિક આધાર પણ નથી. બૌદ્ધ ધર્મના તિબેટી અનુયાયીઓ ઘણા વર્ષોથી પોતાના નેતા સફળતાપૂર્વક ચૂંટતા આવ્યા છે અને તેની પાસે હજુ પણ આમ કરવાનો અધિકાર છે. 

દલાઈ લામાને ચૂંટવામાં કેમ રસ લઈ રહ્યું છે ચીન

તિબેટ પર કબજાના ૭૦ વર્ષ બાદ પણ ચીનની પકડ એટલી મજબૂત થઈ શકી નથી, જેટલી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઈચ્છે છે. આ કારણે જિનપિંગ પ્રશાસન હવે તિબેટમાં ધર્મનું કાર્ડ રમવાની તૈયારી કરી રહ્યું છે. તિબેટમાં બૌદ્ધ ધર્મના સૌથી વધુ અનુયાયીઓ રહે છે, જ્યારે ચીનની કોમ્યુનિસ્ટ સરકાર કોઈપણ ધર્મને માનતી નથી. એટલે અહીંના લોકો વચ્ચે પોતાને મજબૂત બનાવવા માટે ચીન હવે પંચેન લામાનો સહારો લેવાની તૈયારી કરી રહ્યું છે. 

તિબેટી બૌદ્ધ ધર્મમાં દલાઈ લામા બાદ બીજા સૌથી મહત્ત્વના વ્યક્તિ પંચેન લામાને માનવામાં આવે છે. તેમનું પદ પણ દલાઈ લામાની જેમ પુનર્જન્મની આસ્થા પર આધારિત છે. તિબેટ બૌદ્ધ ધર્મના બીજા સૌથી મહત્ત્વના વ્યક્તિ પંચેન લામાનું ૧૯૮૯માં શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હતું. કેટલાક લોકોનું માનવુ છે કે ચીન સરકારે તેમને ઝેર આપ્યું હતું. ત્યારબાદ જલદી તેનો બીજો અવતાર લેવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. 

દલાઈ લામાએ ૧૪ મે ૧૯૯૫ના નવા પંચેન લામાને ઓળખવાની જાહેરાત કરી હતી. તેમણે છ વર્ષના ગેઝુન ચોએક્યી ન્યામીને પંચેન લામાનો અવતાર જાહેર કર્યો હતો. તે તિબેટના નાક્શુ શહેરમાં એક ડોક્ટર અને નર્સના પુત્ર હતા. ત્યારબાદ ચીને તત્કાલીન ગેઝુન ચોએક્યી ન્યામીને પરિવાર સાથે ગાયબ કરી દીધો હતો. 

પંચેન લામાના પરિવારને ગાયબ કર્યા બાદ ચીન સરકારે પોતાના પ્રભાવ વાળા બૌદ્ધ ધર્મગુરુઓને એવા પંચેન લામાની ઓળખ કરવા માટે કહ્યું જે ચીનના ઈશારા પર ચાલે. ત્યારબાદ ચીને ગાઇનચેન નોરબૂને સત્તાવાર પંચેન લામા જાહેર કર્યા હતા. હવે નિષ્ણાંતો જણાવી રહ્યાં છે કે ચીન સમર્થિત પંચેન લામા આ ક્ષેત્રમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના શાસનમાં એક મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here