નરોડા પાટિયા હત્યાકાંડઃ માયા કોડનાની નિર્દોષ, બાબુ બજરંગીને 21 વર્ષની સજા

 

નરોડા પાટિયા હત્યાકાંડમાં ગુજરાત હાઈ કોર્ટે પૂર્વ મહિલા-બાળવિકાસમંત્રી ડો. માયા કોડનાનીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગીને દોષી ઠેરવ્યા છે, પરંતુ તેમની સજા ઘટાડીને 21 વર્ષની કરી છે. (બન્ને ફાઈલ ફોટો)

અમદાવાદઃ નરોડા પાટિયા હત્યાકાંડમાં ગુજરાત હાઈ કોર્ટે પૂર્વ મહિલા-બાળવિકાસમંત્રી ડો. માયા કોડનાનીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યાં છે, જ્યારે બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગીને દોષી ઠેરવ્યા છે, પરંતુ તેમને જીવે ત્યાં સુધી જેલની આજીવન કેદની સજા ઘટાડીને 21 વર્ષની કરી છે. હાઈ કોર્ટે આપેલા ચુકાદામાં 32 આરોપીમાંથી 17 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે 13 આરોપીઓને દોષી ઠેરવ્યા છે.
ગોધરામાં 27મી ફેબ્રુઆરી, 2002માં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-6 કોચને સળગાવી દેવાની ઘટના પછી ગુજરાતમાં ફાટી નીકળેલાં રમખાણોમાં નરોડા પાટિયા હત્યાકાંડનો સમાવેશ થતો હતો. 28મી ફેબ્રુઆરી, 2002ના રોજ નરોડા પાટિયા વિસ્તારમાં ફાટી નીકળેલાં રમખાણો દરમિયાન 97 નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ટ્રાયલ કોર્ટે ઓગસ્ટ, 2012ના રોજ ડો. માયા કોડનાની સહિતના 32 આરોપીને દોષી અને 30ને નિર્દોષ જાહેર કર્યા હતા.
આ ચુકાદા સામે દોષિત આરોપીઓ, સિટ અને ભોગ બનેલાઓ સહિત કુલ 11 પિટિશન હાઈ કોર્ટમાં થઈ હતી. આ પિટિશનો પર જસ્ટિસ હર્ષાબહેન દેવાણી અને જસ્ટિસ એ. એસ. સુપૈયાની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો હતો. ટ્રાયલ કોર્ટે જે 32 આરોપીને કસૂરવાર ઠેરવ્યા હતા ઐમાંથી એકનું અપીલની સુનાવણી દરમિયાન અવસાન થયું હતું. ટ્રાયલ કોર્ટે કસૂરવાર ઠરાવેલા 31માંથી હાઈ કોર્ટે 13 અને ટ્રાયલ કોર્ટે નિર્દોષ જાહેર કરેલામાંથી ત્રણ એમ કુલ 16 આરોપીને આ કેસમાં દોષી ઠેરવ્યા છે, જ્યારે ટ્રાયલ કોર્ટે નિર્દોષ ઠરાવેલામાંથી ત્રણ આરોપીને કસૂરવાર જાહેર કર્યા છે.
ડો. માયા કોડનાની હત્યાકાંડના દિવસે ઘટનાસ્થળે જ હાજર હોવાનું સાબિત થઈ શક્યું ન હોવાથી તેમને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવાનું હાઈ કોર્ટે ઠરાવ્યું હતું. ટ્રાયલ કોર્ટનાં જજ જ્યોત્સ્નાબહેન યાજ્ઞિકે ડો. માયા કોડનાનીને કસૂરવાર ગણાવી 2012માં 28 વર્ષની જેલની સજા ફરમાવી હતી. કોર્ટે માયા કોડનાનીના અંગત મદદનીશ કિરપાલસિંહ છાબડાને પણ નિર્દોષ જાહેર કર્યા છે.
બાબુ બજરંગીને સમગ્ર હત્યાકાંડના મુખ્ય ષડ્યંત્રકાર ગણાવી દોષી ઠેરવ્યા છે, પણ તેમની સજા ઘટાડીને 21 વર્ષ કરી છે. આ ઉપરાંત હરીશ છારા, સુરેશ લંગડા જેવા આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે.
ડો. માયા કોડનાનીને છોડી મૂકવા માટે હાઈ કોર્ટેે નોંધ્યું છે કે જે 11 સાક્ષીઓએ નિવેદનો આપ્યાં છે તે પરસ્પરવિરોધાભાસી નિવેદનો છે અને તેઓ વિશ્વસનીય સાક્ષી જણાતા નથી. ડો. કોડનાની વિરુદ્ધના કાવતરાના આક્ષેપો સાબિત થતા નથી અને તેમને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવવામાં આવે છે.
હાઈ કોર્ટે બાબુ બજરંગીને આખા હત્યાકાંડમાં મુખ્ય ષડ્યંત્રકાર ગણાવી દોષી ઠેરવ્યા છે, પણ તેમની સજા ઘટાડી છે. માયાબહેન ઘટનાના દિવસે હિંસક ટોળાની આગેવાની કરી તેમને હિંસા માટે ઉશ્કેરતાં હોવાની જુબાની 11 સાક્ષીઓએ આપી હતી, જ્યારે ચાર પોલીસ સાક્ષીઓએ કહ્યું કે આ ઘટના વખતે માયાબહેન સ્થળ પર નહોતાં. હાઈ કોર્ટે 11 સાક્ષીઓની વાતને વિરોધાભાસી ગણી સ્વીકાર કર્યો નથી, પણ ચાર પોલીસ સાક્ષીની વાતને સમર્થન આપ્યું છે.
દરમિયાન નરોડા પાટિયા કેસમાં હાઈ કોેર્ટે નિર્દોષ જાહેર કરેલા આરોપીઓને રવિવારે અમદાવાદ સાબરમતી જેલમાંથી છોડી મૂકવામાં આવતાં તેમના ચહેરા પર અને તેમના પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવારજનોએ ફટાકડા ફોડી અને ગુલાલ ઉડાડી તેમને આવકાર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here