ધિસ ઈઝ મી…

0
1087


(ગતાંકથી ચાલુ)

જે માણસ આપણને દીઠો ગમતો ન હોય એ જો આપણો બોસ હોય તો શું કરવું? જો પુત્રવધૂને પોતાની સાસુ પ્રત્યે બિલકુલ આદર ન હોય તો સાસુ સાથે કેવો વ્યવહાર કરવો?

કેટલીક અણગમતી વ્યક્તિઓને બે નંબરનું સ્મિત આપવામાં માણસનું આયખું પૂરું થઈ જાય છે. પોતાના મનમાં હોય એનાથી સાવ જુદું બોલવાની મજબૂરીને કારણે એક દુર્ઘટના બને છે. જેવાં હોઈએ એવા પ્રગટ ન થવામાં આપણું અસ્તિત્વ જાણે મનોવૈજ્ઞાનિક લકવો મારી જાય છે. લગભગ આપણો આખો સમાજ લકવાગ્રસ્ત છે.

જીવતા હોવાનો ડોળ કરવામાં ખરેખરું જીવવાનું વિસારે પડી જાય છે. સજ્જન હોવાનો ડોળ કરવામાં આપણી ખરી સજ્જનતાને લૂણો લાગી જાય છે. ચારિત્ર્યવાન હોવા કરતાંય જ્યારે ચારિત્ર્યવાન દેખાવું એ વધારે મહત્ત્વનું લાગે ત્યારે જાણવું કે આપણા અસ્તિત્વ પર આપણું વ્યક્તિત્વ ચડી બેઠું છે. માનવસમાજ એક વિરાટ મનોવૈજ્ઞાનિક કતલખાનું હોય એવો વહેમ પડે છે. એમાં કપાઈ મરવાનું ટાળવું હોય તો મોટી રુશવત આપવી પડે છે. એ રુશવતનું બીજું નામ દંભ છે. માણસ સતત એક કામ કરે છે. એ જેવો છે એવો પ્રગટ થવાને બદલે જેવો હોવો જોઈએ એવો દેખાવા મથે છે. ટૂંકમાં, અસલ આદમીની જગ્યાએ કાયમ કોઈ બનાવટી માણસ પ્રગટ થતો રહે છે. કૃત્રિમતા પણ એક કાયમી કુટેવ બનીને થીજી જાય છે!
દુનિયામાં આજે માનવીય મનોવિજ્ઞાન (હ્યુમનિસ્ટિક અથવા ટ્રાન્સપર્સનલ સાઇકોલોજી)ની બોલબાલા વધી છે. આ નવતર વિચારધારાને વેગ આપવાનો જશ અબ્રાહમ મેસ્લો, કાર્લ રોજર્સ અને રોલો મે જેવા મનોવિજ્ઞાનીઓને જાય છે. અહીં માત્ર કાર્લ રોજર્સની વાત કરવી છે. એણે એક સુંદર પુસ્તક લખ્યુંઃ ઓન બિકમિંગ એ પર્સન. એ પુસ્તકનું પહેલું પ્રકરણ છેઃ ધિસ ઇઝ મી. (હું જે છું, એ છું). એમાં લેખક પોતે જીવનમાં શું શું શીખ્યા એની વાત માંડીને કરે છે. કાન દઈને અને મન પરોવીને થોડાક શબ્દ સાંભળોઃ
માણસો સાથેના સંબંધોમાંથી મને જે
એક વાત શીખવા મળી તે એ કે ઃ
લાંબા ગાળે જે હું નથી, તેવા હોવાનો
ડોળ કરવાથી કોઈ લાભ થતો નથી.
હું જો ક્રોધી હોઉં કે ટીકાકાર હોઉં,
તો શાંત હોવાનો કે પ્રસન્ન હોવાનો
ડોળ કરવામાં કશો જ લાભ નથી.
મને અમુક ચીજ આવડતી ન હોય,
તો એ આવડે છે એમ બતાવવાનો
કશો જ અર્થ નથી.
જો કોઈ પ્રત્યે અમુક ક્ષણે મને
શત્રુભાવ હોય, તોય પ્રેમાળ છું
એવો ડોળ કરવામાં કોઈ જ લાભ નથી.
જો હું અવઢવમાં હોઉં કે અનિશ્ચિત હોઉં,
તો આત્મવિશ્વાસથી ભરેલો છું,
એમ બતાવવામાં કોઈ જ ફાયદો નથી.

ખરી વાત એમ છે કે ચાવવાના અને બતાવવાના દાંત વચ્ચે જોજનના જોજનનું અંતર પડી જાય ત્યારે માણસ જીવવાનું ચૂકી જાય છે. માણસ દ્વિદળ ચણા જેવો છે. ચણાની જેમ માણસના જીવનની પણ બે ફાડ પડી જાય છે. એક ખાનગી સ્વ અને બીજો જાહેર સ્વ. બન્ને સ્વ વચ્ચે ઘર્ષણ વધી ન પડે એ માટે દંભનું લુબ્રિકેશન! વખત વીતે પછી લુબ્રિકેશન (ઊંજણ) એ જ જીવન બની જાય છે. દંભને કારણે કેટલાંય યુગલોનું લગ્નજીવન નભી જાય છે, પરંતુ પ્રેમજીવન નષ્ટ થાય છે.
એક માણસે ચોરથી બચવા માટે કૂતરો પાળ્યો. એક રાતે ચોર આવ્યો ત્યારે કૂતરો નિરાંતે સૂતો રહ્યો અને માણસ ભસવા માંડ્યો! સવાર પડી ત્યારે માલિકે કૂતરાને સખત ઠપકો આપ્યોઃ ‘તને મેં ચોર આવે ત્યારે જોરથી ભસવા માટે રાખેલો, પણ તું તો અહીં શા માટે હતો એ જ ભૂલી ગયો?’ કૂતરાએ જવાબ આપ્યોઃ ‘સાહેબ! તમે જો ઊંઘવાનું ભૂલી ગયા ન હોત તો હું ભસવાની તૈયારીમાં જ હતો, પરંતુ તમને ભસતા જોઈને હું નિરાંતે ઊંઘી ગયો!’

જે સમાજમાં 99 ટકા જેટલા માણસો લકવાગ્રસ્ત હોય એ સમાજમાં એક ટકો જેટલા સ્વસ્થ માણસોને સતત નાની નાની સજા ભોગવતાં રહેવું પડે છે અને એ જ ખરી ‘શહાદત’ છે!

ઘરના ઝાંપે ઇરાદાની અવરજવર
પ્રતીક્ષા પવિત્ર છે, કારણ કે એનો સંબંધ શક્યતાના પ્રવેશદ્વાર સાથે રહેલો છે. પ્રતીક્ષાને જ્યારે હૃદયનો રંગ લાગી જાય ત્યારે કોસ્મોસનો લય પ્રગટ થતો જણાય છે. પ્રતીક્ષાનું સૌંદર્ય ચાલાક માણસને નથી સમજાતું. ચાલાકી એક એવી મેલી બાબત છે, જે મનુષ્યને મધુર અનુભૂતિથી વંચિત રાખે છે. કોહિનૂર પામવાનું ચૂકી જાય અને કોડી પ્રાપ્ત કર્યા પછી હરખાયા કરે તે આદમી ‘ચાલાક’ ગણાય. ચાલાક આદમી દયનીય છે. એ કાયમ વિશ્વનિર્મિતિનો લય ચૂકી જાય છે.
પૃથ્વી પર જંગલનો જન્મ થયો તે વાતને લાખો સદીઓ વીતી ગઈ તોય હજી સુધી એવું ક્યારેય નથી બન્યું કે વાઘનું વર્તન વાઘને ન છાજે તેવું જોવા મળ્યું હોય. હાથી જીવનપર્યંત કેવળ હાથી તરીકે જીવે છે. મગર કેવળ મગર તરીકે જીવે છે. સિંહનું હોવું એટલે કેવળ સિંહનું હોવું! શિયાળને માથે ચાલાક હોવાનો આક્ષેપ માણસે મૂક્યો છે. એ આક્ષેપ નથી, પરંતુ પેટમાં પાપ રાખનારા ચાલાક માણસનો પ્રક્ષેપ (પ્રોજેક્શન) છે. માણસ કેવળ ‘માણસ’ તરીકે જીવે એટલા માટે ધર્મની શોધ થઈ છે. ધર્મનો ખરો શત્રુ એટલે ચાલાક માણસ. સો ટચની પ્રતીક્ષા કેવી હોય એનો ખ્યાલ ચાલાક માણસને નથી આવતો. ચાલાક આદમી એટલે એવો આદમી જે ગુલકંદ પ્રાપ્ત કરે છે, પરંતુ ગુલાબ પામવાનું ચૂકી જાય છે.
ઝાંપો હોય ત્યાં ઘર હોય છે. ઘર હોય ત્યાં માણસ હોય છે. માણસ હોય ત્યાં અવરજવર હોય છે. અવરજવર હોય ત્યાં ઇરાદો હોય છે. ઇરાદો હોય ત્યાં સારાંમાઠાં વાઇબ્રેશન્સ (આંદોલનો) હોય છે. આંદોલન ઉપકારક પણ હોય અને પીડાકારક પણ હોય. ક્યારેક ભવ્ય બંગલામાં કોઈ અભવ્ય માણસ રહેતો હોય છે. અભવ્ય આદમી ઝાંપા પર સૂચના મૂકે છેઃ ‘કૂતરાથી સાવધાન.’ જો જંગલના પ્રવેશદ્વાર પર પશુપંખીઓ સૂચના મૂકી શકતાં હોત તો એમણે જરૂર સૂચના મૂકી હોતઃ ‘માણસો માટે પ્રવેશ નથી.’ માનવ-ઇતિહાસની હજારો સદીઓ એવી વીતી, જે સમયગાળામાં માણસ જંગલનાં પ્રાણીઓની સાથોસાથ જીવ્યો. કોઈ વાઘ કે સિંહ જંગલમાં પ્રવેશતો નથી. એ તો બસ જંગલમાં હોય છે. જંગલની એક ખૂબી છે. જંગલમાં હોવું એટલે કેવળ ‘હોવું’. નગરમાં હોવું એટલે શું? નગરમાં હોવું એટલે જેવાં હોઈએ તેવાં ‘ન હોવું’. બીઇંગ અને નોન-બીઇંગ વચ્ચેનો આવો તફાવત વિકરાળ છે. એ તફાવત યુદ્ધ દ્વારા પ્રગટ થાય છે. જંગલમાં પરિશુદ્ધ બીઇંગનું સામ્રાજ્ય છે. નગરમાં નોન-બીઇંગનો (અનવસ્થાનો) હાહાકાર છે. એવો રિવાજ હોવો જોઈએ કે જંગલમાં પ્રવેશનારે પોતાનાં પગરખાં ઉતારીને અંદર જવું પડે. ચાલાક મનુષ્ય પાસે આવડી મોટી અપેક્ષા ન રખાય. એનો માંહ્યલો તો લગભગ રાખોડી બની ચૂક્યો હોય છે.

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here