ધર્મવાદ અને ધર્મલાભઃ નેતાઓ ‘ધર્મ’ના શરણે…

0
852
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરની મુલાકાત લઈ પૂજાઅર્ચના કરી હતી. (ફાઇલ ફોેટો)

આપણા રાજકારણ અને નેતાઓના વિચાર – વ્યૂહમાં ગજબનું પરિવર્તન આવ્યું છે! એક સમય હતો જ્યારે રાજકારણમાં ‘ધર્મ’ના પ્રવેશનો વિરોધ હતો. ભારતીય જનસંઘ – હિન્દુવાદી પક્ષ ગણાય અને તેથી અન્ય પક્ષોથી અલગ. 1969માં કોંગ્રેસમાં ભવ્ય ભંગાણ પડ્યું ત્યારે પણ ‘શાસક કોંગ્રેસ’ (અર્થાત્ કોંગ્રેસ – ઇન્દિરા’નો પ્રચાર લઘુમતીને આકર્ષવા માટે હતો અને તેથી સંસ્થા કોંગ્રેસ માત્ર હિન્દુતરફી છે એવો પ્રચાર થયો. કોંગ્રેસને હટાવવા માટે 1967માં વિપક્ષોનો ‘ભવ્ય મોરચો’ (ગ્રાન્ડ એલાયન્સ) બન્યો તેમાં સ્વતંત્ર પક્ષ અને જનસંઘ જોડાયા હતા, પણ 1969માં કોંગ્રેસના ભંગાણ માટે અને તે પછી પણ ઇન્દિરા ગાંધીનો આક્ષેપ અને પ્રચાર હતો કે કોંગ્રેસના જૂના-સિનિયર નેતાઓએ જનસંઘ સાથે હાથ મિલાવ્યા છે. સંસ્થા કોંગ્રેસના નેતાઓ વિરોધ કરતા રહ્યા અને ખુલાસા આપતા રહ્યા, પણ સત્તા ઇન્દિરાજીના હાથમાં હતી અને ચૂંટણી જીતવા માટે એમણે પોતાની ડાબી બાજુ ફખરુદ્દીન અલી અહમદને અને જમણી બાજુએ બાબુ જગજીવનરામને બેસાડ્યા! અને 1971ની લોકસભા અને 1972માં રાજ્યોમાં સત્તા મેળવી, પણ આ પછી ઇમરજન્સી આવી અને તેમાં મુસ્લિમ સમાજને ‘નિશાન’ ઉપર લઈને પરિવાર નિયોજન કાર્યક્રમનો અમલ થયો હોવાની ફરિયાદોના પરિણામે 1977ની ચૂંટણીમાં કોંગ્રેસે મુસ્લિમ લઘુમતીના વોટ પણ ગુમાવ્યા. જયપ્રકાશ નારાયણ, આચાર્ય કૃપલાની, મોરારજીભાઈ વગેરેએ જનસંઘ સહિત – જનતા પાર્ટીના નેજા હેઠળ કેન્દ્રમાં પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર આપી હતી.
જનતા પાર્ટી સાચા અર્થમાં સેક્યુલર પાર્ટી અને સરકાર હતી. મોરારજીભાઈની સરકારમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જોડાયા હતા. જ્યોર્જ ફર્નાન્ડિસ પણ ઉદ્યોગ ખાતાના મંત્રી હતા ત્યારે જનતા સરકારને તોડવાની રમત સફળ થઈ. વડા પ્રધાન મોરારજીભાઈ ઇન્દિરાજીને મળવા – ઔપચારિક પ્રથા અનુસાર – ગયા ત્યારે ઇન્દિરાજીએ કહ્યું – તમે જનસંઘને દૂર કરો તો કોંગ્રેસના વડા પ્રધાન તરીકે સ્વીકારવા અમે તૈયાર છીએ! મોરારજીભાઈનો જવાબ હતોઃ હવે તો માત્ર જનતા પાર્ટી છે! પણ સંજય ગાંધીએ ચૌધરી ચરણ સિંહની કોણીએ ગોળ બતાવ્યો અને મધુ લિમયેએ ચૌધરીને વડા પ્રધાનપદનું સ્વપ્ન બતાવ્યું. જનતા પાર્ટીમાં વિવાદ શરૂ થયો કે જનસંઘ મૂળના બન્ને મંત્રીઓ આરએસએસના પણ સભ્યો છે – આવાં બેવડાં સભ્યપદ ચાલે નહિ – આરએસએસ – સાંસ્કૃતિક સંસ્થા છે. તેથી રાજીનામાં આપવાનો ઇનકાર થયો. જ્યોર્જે તો જનતા પાર્ટીના સેક્યુલરવાદનો જોરદાર બચાવ કર્યો, પણ આખરે સત્તા માટે જનતા સરકાર તૂટી! -ત્યારે આરએસએસનો મુદ્દો હતો. આ પછી પણ વાજપેયીની સરકાર 14 દિવસમાં તૂટી હતી – આ અસ્થિરતા હિન્દુવાદ અને સેક્યુલરવાદના કારણે હતી.
1999માં ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી દરમિયાન મધ્ય પ્રદેશમાં ઝાબુઆ અને ખ્રિસ્તી સાધ્વીઓ ઉપર બળાત્કાર થયાની ઘટના પછી પ્રચાર શરૂ થયો કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળવાળા અપરાધી છે – કેન્દ્ર સરકારે તપાસ અહેવાલ મગાવ્યો. મોટા ભાગના અપરાધીઓ ખ્રિસ્તીધર્મી હતા. પશ્ચિમના એક દેશના એલચી ભારતમાં આવી ઘટનાનો વિરોધ કરવા ગૃહમંત્રી અડવાણીને મળ્યા અને ગૃહમંત્રીએ દસ્તાવેજી પુરાવા બતાવ્યા ત્યારે અપરાધીઓનાં નામ – ધર્મ વાંચીને ચૂપ થઈ ગયા – થેન્ક યુ – કહીને વિદાય થયા.
ગુનાખોરી – અપરાધ અને આતંકને ધર્મ સાથે જોડવા પાછળ ધર્મવાદનો ધર્મલાભ ઉઠાવવાની નેતાઓની ચાલબાજી હોય છે. બિન-ધર્મ-સેક્યુલરવાદ પાછળ પણ ધર્મના નામે જ લાભ મેળવાય છે! હવે ઘડિયાળના કાંટા ઊંધા ફરી રહ્યા છે! કોંગ્રેસને ખાતરી થઈ કે હિન્દુ વોટ મળવા જોઈએ. તેથી ગુજરાત – જેને ભાજપની હિન્દુત્વની લેબોરેટરી હોવાનો આક્ષેપ હતો ત્યાં હિન્દુ મત મેળવવાનો પ્રયોગ ગાંધીએ કર્યો અને તેઓ કાશ્મીરી બ્રાહ્મણ છે, જનોઈધારી છે – એવો દાવો કરવામાં આવ્યો. આમ તો ઇન્દિરાજીના ગળામાં રુદ્રાક્ષની માળા હતી તે યાદ છે? અયોધ્યામાં રામમંદિરનાં કમાડ ખોલાવ્યાં પછી યજ્ઞ-યાગ કરાવ્યા તેના ફોટા મિડિયા – મેગેઝિનોમાં છપાયા હતા અને ધીરેન્દ્ર બ્રહ્મચારી એમના યોગ-ગુરુ હતા. ઉપરાંત સાધુ-સંતો પણ હતા. નરસિંહ રાવની નજીકના ‘સાધુ’ તો રાજકીય સોદાગીરીમાં ભાગીદાર હતા. રાજકીય નેતાઓના સાધુ-સંતો-જ્યોતિષીઓ અને તાંત્રિકોના સંબંધ ખાનગી – છતાં જગજાહેર હતા!
હવે ગુજરાતની ચૂંટણી પછી રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષો પણ હિન્દુ મત મેળવવા છડેચોક પ્રચાર અને પ્રવાસ કરે છે. સત્તા માટેનું આ શાણપણ – પરિવર્તન છે. હવે સેક્યુલરવાદ – સમાજવાદ અને વિકાસવાદના બદલે પ્રદેશવાદ અને ધર્મવાદની બોલબાલા શરૂ થઈ છે! લઘુમતી – એટલે માત્ર મુસ્લિમ સમાજ નહિ, લિંગાયત પણ લઘુમતી છે અને દલિત સમાજ મુખ્ય છે. દલિત સમાજ ન્યાય માટે લડે છે અને રાજકીય નેતાઓ વોટ માટે લડી રહ્યા છે!
આ મોટું પરિવર્તન છે. કર્ણાટકમાં તો જાણે રાજકીય પક્ષોનાં કાર્યાલયો જુદા જુદા ‘મઠો’માં જ ચાલી રહ્યાં છે! આ એક રાજ્ય એવું છે જ્યાં તમારી જાતિ અને કોઈ ‘મઠ’ સાથે જોડાયેલા હો નહિ તો તમારી ‘માન્યતા’ જ નથી. સેંકડો મઠ છે. દરેક જાતિ, પેટાજાતિના અલગ અલગ મઠાધિપતિ હોય છે, પણ મુખ્ય મઠ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ ચલાવાય છે, જેમાં હજારો વિદ્યાર્થી શિક્ષણ મેળવે છે. ઉપરાંત હોસ્ટેલો, હોટેલો અને હોસ્પિટલો તથા અનાથાશ્રમો પણ ચલાવાય છે. શ્રૃંગેરી મઠ (ચિત્રદુર્ગા) ન્યાયાલયની જેમ વિવાદ-ઝઘડા પણ ચુકાદા આપીને પતાવટ કરે છે. સિદ્દગંગા મઠની શાળાઓમાં 50,000 વિદ્યાર્થીઓ છે, જ્યારે મુરૂગા મઠ દ્વારા વિશેષ અદ્યતન શિક્ષણની સંસ્થાઓ છે. એન્જિનિયરિંગ અને ડેન્ટિસ્ટ્રીની કોલેજો છે.
આવા મઠાધિપતિઓ સામાજિક આંદોલનોમાં આગેવાન હોય છે. ગડગ જિલ્લામાં પોસ્કો સ્ટીલ પ્લાન્ટ નાખવાની યોજના હતી. 60 લાખ ટન ઉત્પાદનનું લક્ષ્ય હતું, પણ તોતાર્ધ્ય મઠના સહકારથી ખેડૂતો આંદોલન કરીને પ્લાન્ટ અટકાવવામાં સફળ થયા.
સરકારની નીતિવિષયક બાબતોમાં પણ ધાર્મિક ગુરુઓના અભિપ્રાયનું વજન પડે છે અને હવે તો કર્ણાટકના આવા ઘણા ગુરુ-સાધુ-સંતો સક્રિય રાજકારણમાં ઝુકાવવા માગે છે! ઉડૂપી, ધારવાડ, ચિત્રદુર્ગ, દક્ષિણ કન્નડામાં આવી માગણી ઊઠી છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે, તો દક્ષિણ ભારતમાં કેમ નહિ? અત્યારે સ્થિતિ એવી છે કે કયા નેતા કયા મઠમાં છે અને કયા ગુરુ – મઠાધિપતિ – કયા પક્ષને સમર્થન આપે છે? એની ચર્ચા છે.
ચર્ચા માત્ર ‘મઠ’ (સંપ્રદાય જ નહિ)ની નથી. અલગ અલગ મઠ અને મંદિરોના ‘ધ્વજ’ નેતાઓ પોતાના મોટર કાફલાઓ ઉપર ફરકાવી રહ્યા છે – જેથી એમનું શક્તિપ્રદર્શન થાય. આ રીતે ધ્વજ મેળવવા માટે ‘બોલી’ બોલાય છે. સ્પર્ધા થાય છે. મંજૂરી મળ્યા પછી ‘બ્રાન્ડેડ ધ્વજ’ બનાવવા પાછળ નંગદીઠ 500 રૂપિયા ખર્ચ થાય, પણ મંજૂરી માટેની ‘બોલી’ વખતે 28 લાખથી 72 લાખ રૂપિયા સુધી આંકડો બોલાયો છે!
મધ્ય પ્રદેશમાં પણ સાધુઓની બોલબાલા શરૂ થઈ છે. કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ પોલિટિક્સમાંથી ‘બ્રેક’ લઈને નર્મદા પરિક્રમા પૂરી કરી રહ્યા છે. ભાજપના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પણ આવી યાત્રા કરીને એક જ દિવસમાં છ કરોડ છોડ રોપવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. ગિનેસ રેકર્ડમાં આવવા માટે આવો દાવો કરીને મુખ્યમંત્રી મુંઝાયા છે! નર્મદાના કિનારા ઉપર – અમરકંટક સુધી જે પ્રખ્યાત આશ્રમો છે ત્યાંના સાધુ-બાબાઓએ ધમકી આપી હતી કે અમે ‘નર્મદા ઘોટાલા’ની જાણ જનતાને કરીશું! એક કરોડ છોડ રોપાયા છે અને છ કરોડનો દાવો કેમ કર્યો?! મુખ્યમંત્રીએ દિગ્વિજયસિંહ સામે આ સાધુઓને ગોઠવ્યા છે! પાંચ મોટા બાબાઓને રાજ્યકક્ષાના મંત્રીઓના દરજ્જા આપ્યા છે. વાહનો – માનમરતબા! આ ‘બાબા’ઓમાં હાથમાં માળાને બદલે લેપટોપ લઈને ફરતા કોમ્પ્યુટર બાબા પણ છે. પોતાના અંગત માલિકીના હેલિકોપ્ટરના ઉતરાણ માટે હેલિપેડ – જગ્યા માગનારા બાબા પણ છે!
આ કોમ્પ્યુટર બાબા ઉર્ફે નામદેવદાસ ત્યાગીએ 26મી ફેબ્રુઆરી, 2018ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયને પત્ર લખીને નર્મદાના તટે છ કરોડ છોડ રોપવાના મુખ્યમંત્રીના દાવાને પડકારીને ‘નર્મદા ઘોટાલા’ના કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. વડા પ્રધાનના કાર્યાલયે આ પત્ર કેન્દ્રના પર્યાવરણ ખાતાને મોકલ્યો. આ પછી રાજ્ય સરકારનો જવાબ માગવામાં આવ્યો છે – અને આ પત્રની નકલ ‘બાબા’ને પણ મોકલાઈ છે! હવે બાબા તો રાજ્ય કક્ષાના મંત્રી બની ગયા છે તો પર્યાવરણ બચાવશે? કે પછી મુખ્યમંત્રીને? આ વિવાદનો લાભ કોંગ્રેસને મુખ્યમંત્રીના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા પૂરો ઉઠાવશે. આ ‘બાબા’ઓ કોને કેટલા બચાવશે તે તો સમય બતાવશે, પણ ‘ઘોટાલા’ અને ભ્રષ્ટાચારને છાવરવાનું ‘પાપ’ એમને નહિ લાગે? આપણો ઇતિહાસ છે – ઋષિમુનિઓ – વસિષ્ઠ – વિશ્વામિત્ર વગેરે રાજસભામાં આસન ગ્રહણ કરતા – રાજવીને યોગ્ય સલાહ આપવા માટેઃ સત્તા ભોગવવા માટે નહિ.
હવે નેતાઓ સત્તા માટે ધર્મના શરણે જઈ રહ્યા છે – ધર્મમ્ શરણમ્ ગચ્છામિ-?!

લેખક ‘જન્મભૂમિ’ જૂથના તંત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here