ધર્મને ધનના પ્રદૂષણથી મુક્ત કરવા માટે માનવતાનો મેક-અપ કરવો જોઈએ!

0
936

એક વખત કવિવર રવીન્દ્રનાથ ટાગોર એમના અંગત મિત્ર સાથે બેઠા હતા. બન્નેની સામે ટેબલ પર ચાના કપ પડ્યા હતા. મિત્રે ચાનો એક કપ ઉઠાવીને પોતાના હોઠે લગાડ્યો. રવીન્દ્રનાથ ટાગોરે ચાનો કપ હાથમાં લીધો અને રકાબીમાં થોડી ચા કાઢી અને તે પીવા લાગ્યા. એ જોઈને પેલા મિત્રે પૂછ્યું, ’તમે આટલા મોટા કવિરાજ થઈને રકાબીમાં ચા કાઢીને પીવો છો? કેવું મેનરલેસ લાગે!’
રવીન્દ્રનાથ ટાગોરે એક કવિને શોભે તેવો જવાબ આપતાં કહ્યું, ’રકાબીમાં ચા કાઢીને પીવાથી આપણે મેનરલેસ કેવી રીતે બની જઈએ? ઊલટાનું મને તો એમ લાગે છે કે કપને સીધો હોઠે લગાડીને ચા પીવી એ મેનરલેસ બાબત છે. હું તમને એનું કારણ પણ સમજાવું! સપોઝ, આપણે બન્ને અહીં ચા પીતા બેઠા છીએ અને અચાનક કોઈ ત્રીજી વ્યક્તિત અહીં આવે તો મારી ચામાંથી અડધો ભાગ એને હું આપી શકીશ, પણ તમે એવું નહિ કરી શકો, કારણ કે તમારો કપ એંઠો થયેલો છે જ્યારે મારો કપ એંઠો થયેલો નથી. આપણા રોજિંદા સામાન્ય વ્યવહારમાં પણ બીજી વ્યક્તિનો વિચાર ભાવનાત્મક રીતે વણાયેલો હોવો જોઈએ!’
પોતે ધર્મ કરવો એ સારી બાબત છે, પરંતુ બીજા લોકોને ધર્મ માટેની પ્રેરણા આપવી અથવા બીજા લોકોને ધર્મ કરવાની અનુકૂળતાઓ કરી આપવી એ ઉત્કૃષ્ટ બાબત છે – બહુ મોટી સિદ્ધિ છે. જંગલમાં જઈને તપ કરવું એ સામાન્ય બાબત છે, પરંતુ સંસાર વચ્ચે રહીને, અન્ય જીવો સાથે સુમેળ સાધીને એમના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરવો એ બહુ મોટી સિદ્ધિ છે.
માણસે બનાવેલા ઈશ્વર કરતાં, ઈશ્વરે બનાવેલા માણસનું મૂલ્ય જરાય ઓછું ન હોઈ શકે! આપણે ત્યાં સદીઓથી ’જનસેવા એ જ પ્રભુસેવા’નો કન્સેપ્ટ દરેક ધર્મમાં સ્વીકૃત છે. એનો અર્થ એ થયો કે દરેક ધર્મ માનવતા અને માનવસેવાને જ પ્રાયોરિટી આપે છે.
પરંતુ આજે ધર્મના ક્ષેત્રમાં બિલકુલ વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે. માણસ ઈશ્વરની શોધમાં, ઈશ્વરને પામવાના ખોટા રસ્તે ચડી ગયો છે અને તે માનવતાને ભૂલી ગયો છે, માણસને જ ભૂલી ગયો છે! જગતના દરેક ધર્મ પર આજે ધનનું એવું વિકરાળ પ્રભુત્વ વ્યાપી વળ્યું છે કે ધર્મ પોતે ગૂંગળાઈ રહ્યો હશે અને ઈશ્વર જો હોય તો એ પણ માનવીની આ વિકૃત વર્તણૂક જોઈને વિચારમાં પડતો હશે! ઈશ્વર પણ વિચારતો હશે કે મારા સુધી પહોંચવાનો માર્ગ કેટલો સીધો અને કેટલો સરળ હતો! આ માણસે એને કેવો વાંકોચૂકો અને વિકરાળ કરી મૂક્યો છે! મને શોધવા બહાર તો ક્યાંક જવાનું હતું જ નહિ અને માણસ માત્ર બહાર જ ભટકે છે! હું એની ભીતર બેઠો છું એની એને ખબર હોવા છતાં એ ભીતર જતો નથી કે ભીતર જોતો પણ નથી! હું એને ક્યાંથી મળવાનો છું?
આપણે ત્યાં લગભગ દરેક ધર્મમાં કોઈ પણ પ્રકારની જાહેર ધાર્મિક ક્રિયા કરવા માટે ચઢાવા અથવા બોલીઓ બોલવાની પરંપરા છે. એ દ્વારા જે તે તીર્થસ્થાન અથવા ધર્મસ્થાનને નિભાવ માટે સતત ઇન્કમ થતી રહે તેવો પણ એક ઉદ્દેશ હોય છે, પરંતુ હવે એ ચઢાવા અને બોલીઓને કારણે જ ધર્મ ઉપર ધનનું પ્રભુત્વ વધી ગયું છે અને તે દૂષણ પણ બની ગયું છે. ક્યારેક તો ચઢાવા અને બોલીઓની સામૂહિક ઘેલછા જોઈને એમ લાગે કે અહીં ધર્મની અને ઈશ્વરની બન્નેની હરાજી થઈ રહી છે! એવી જગ્યાએ આપણને ફીલ થાય છે કે જાણે ધર્મ વેચાઈ રહ્યો છે અને ઈશ્વર લાચાર બનીને એ બીભત્સ દશ્યો જોઈ રહ્યો છે! સપોઝ, કોઈ ગરીબ વ્યક્તિ સાચી ધાર્મિકતા ધરાવતી હોય તો પણ તે ધન ખર્ચીને – ચઢાવો બોલીને લાભ નહિ લઈ શકે અને કોઈ શ્રીમંત વ્યક્તિ એની ધાર્મિક ભાવના જેન્યુઇન નહિ હોય તો પણ હું આટલી રકમ ખર્ચીને આવો ચઢાવો લઈ શકું છું એવો દંભ કરવા માટે પણ લાભ લઈ જશે.
ધર્મ પર ધનના આ પ્રદૂષિત પ્રભાવને અટકાવવા માટે તે વિશે પુનર્વિચાર કરવાની જરૂર છે.
ચાલો, ઘડીભર માની લઈએ કે મોટી રકમનો ચઢાવો બોલીને કોઈ પુણ્ય કાર્ય કરવું એ સારી બાબત છે; પરંતુ એથી વધુ સારી અને ઉત્કૃષ્ટ વાત તો એ છે કે પોતે ચઢાવો બોલીને એનો લાભ બીજી વ્યક્તિને ગિફ્ટ કરી દેવો! એટલે કે ચઢાવો બોલનાર વ્યક્તિ પોતે ધાર્મિક ક્રિયા ન કરે અને બીજી યોગ્ય વ્યક્તિને તેનો લાભ લેવા દે! આમ કરવાથી ધર્મસ્થાનોને ધનની આવક પણ થતી રહેશે અને ગરીબ છતાં જેન્યુઇન ધાર્મિક વ્યક્તિતને ધર્મક્રિયા કે અનુષ્ઠાન કરવાનો લાભ પણ મળતો રહેશે.
વ્યક્તિ ધનનું – સંપત્તિનું દાન કે ત્યાગ તો બહુ આસાનીથી કરી શકે છે; પરંતુ પોતાના અધિકારનું દાન કરી શકે તો જ એ સાચી ધાર્મિકતા કહેવાય. બસ કે રેલવેમાં પોતાની સીટ બાજુમાં ઊભેલી કોઈ તકલીફવાળી વ્યક્તિતને આપવાથી પણ જો પુણ્યકાર્ય થતું હોય તો ધાર્મિક અનુષ્ઠાનમાં પોતે ચઢાવો બોલીને મેળવેલો અધિકાર બીજાને સોંપી દેવાથી કેટલો મોટો લાભ મળે એ ધનવાનોએ, ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીઓએ અને તમામ ધર્મગુરુઓએ પણ વિચારવાની જરૂર છે.
ધાર્મિક ક્રિયાનો ચઢાવો બોલીને લાભ લેવો એના કરતાં ધાર્મિક ક્રિયાનો ચઢાવો બોલીને એ ધાર્મિક ક્રિયાનો લાભ બીજી કોઈ વ્યક્તિતને ગિફ્ટ કરવો એ બહુ મોટું પુણ્યકાર્ય છે – આ સત્યનો હવે વ્યાપક પ્રચાર-પ્રસાર થવો જોઈએ અને દરેક ધર્મગુરુએ પોતાના વ્યાખ્યાનમાં પણ આ વાત ભારપૂર્વક ઉલ્લેખવી જોઈએ.
સહેજ અંગત લાગે એવી એક વાત થોડા સંકોચ સાથે અહીં રજૂ કરું છું. મુંબઈમાં વસતા મારા કઝિન બ્રધર પ્રબોધભાઈ શાહ આજે તો હવે હયાત નથી, પરંતુ તેઓ હયાત હતા ત્યારે એમની લાઇફસ્ટાઇલ જોઈને કોઈ એમ ન કહી શકે કે આ માણસ ધાર્મિક છે! અને છતાંય એમના જેવી અને એમના જેટલી ઉત્કૃષ્ટ ધાર્મિકતા મેં બહુ ઓછા લોકોમાં જોઈ છે! ક્યારેક તો ધર્મગુરુઓમાં પણ એવી ધાર્મિકતા મને જોવા નથી મળી! પ્રબોધભાઈએ તેમની લાઇફમાં ક્યારેય કોઈ વ્રત-તપ કર્યું નથી, ક્યારેય કોઈ મૂર્તિની પૂજા કરી નથી અને છતાં જે લોકોને એ બધું કરવામાં શ્રદ્ધા હોય તેવા લોકોને એ માટેની અનુકૂળતા કરી આપવાના હેતુથી એમણે પોતે ગૃહ જિનાલય બનાવ્યું હતું! સાન્તાક્રુઝ વેસ્ટ – મુંબઈમાં પ્રબોધભાઈએ બનાવેલા એ ગૃહ જિનાલયમાં આજે પણ દરરોજ દોઢસોથી બસો ભાવિકો સેવાપૂજા કરવા માટે આવે છે! એમની ધાર્મિકતા બંધિયાર નહોતી, જડ નહોતી – એટલે તેઓ હંમેશાં બીજાનો વિચાર કરતા હતા. અનેક પાંજરાપોળો અને વૃદ્ધાશ્રમોમાં પોતાના નામની તકતીઓ લગાવડાવ્યા વગર તેઓ નિયમિત રૂપે યોગદાન આપતા હતા. એ રીતે માનવતાનો ધર્મ નિભાવતા હતા. સાથે સાથે બીજાની ધાર્મિકતાને પ્રોત્સાહન મળે એ માટે પણ તેઓ પુરુષાર્થ કરતા હતા. એમનો એ પુરુષાર્થ મારે મન પ્રાર્થના અને સાધના કરતાં જરાય ઊતરતો નથી!
આજના લેખની શરૂઆત ચાના કપની ઘટનાથી કરી હતી તો એનું સમાપન પણ ચાના કપ સાથે જોડાયેલી એક બીજી ઘટનાથી જ કરીએ! મહારાણી એલિઝાબેથ એક વખત તેના સાથીદારો અને મિત્રો સાથે બેઠી હતી. એની બાજુમાં એક મજૂર પણ બેઠો હતો. થોડી વારે એલિઝાબેથનો નોકર ચા-કોફી અને બિસ્કિટની ટ્રે લઈને ત્યાં આવ્યો અને ટેબલ પર મૂકીને ચાલ્યો ગયો. બધાએ ચા અને કોફીના કપ હાથમાં લીધા. પોતપોતાના કપ હોઠે લગાડીને પીવા લાગ્યા, પરંતુ મજૂર ગામડિયો હતો, અણઘડ હતો. એણે રકાબીમાં ચા કાઢીને પીવાની શરૂ કરી. ત્યાં ઊભેલા રાણીના ખાસ માણસો અને કેટલાક અમલદારો તેની સામે જુગુપ્સાથી જોવા લાગ્યા. જાણે એ લોકો એમ કહેવા માગતા હતા કે આ મજૂર કેવો અણઘડ અને મેનરલેસ છે! આટલી મહાન પ્રતિભાઓની વચ્ચે પોતે બેઠેલો છે અને છતાં ચા કેવી રીતે પીવી જોઈએ એનું પણ એને ભાન નથી. રાણીએ ત્રાંસી નજરે તે જુગુપ્સા જોઈ લીધી. મજૂરનું અપમાન તેનાથી સહન ન થયું. એણે પોતે જ પોતાની કોફીનો કપ રકાબીમાં ઠાલવીને રકાબી વડે કોફી પીવાનું શરૂ કર્યું.
પોતાની રાણીનું એવું બિહેવિયર જોઈને આસપાસ ઊભેલા મિત્રો અને અમલદારો સમજી ગયા કે નાના માણસની ઇજ્જત કરવી જોઈએ, એનું ઇન્સલ્ટ ન કરવું જોઈએ! એમાં જ ખરી માનવતા છે! રાણી એલિઝાબેથે એક પણ શબ્દ કહ્યા વગર કેવી મોંઘેરી અને કેવી મોટી વાત કરી દીધી! હજારો વ્યાખ્યાનો અને લાખો કથાઓ દ્વારા પણ જે ઉપદેશ ન આપી શકાય તે ઉપદેશ એલિઝાબેથ રાણીએ મૌન બિહેવિયર દ્વારા માનવતા બતાવીને આપ્યો હતો!
શબ્દોથી અપાયેલા ઉપદેશ કરતાં વર્તનથી – બિહેવિયરથી અપાયેલો ઉપદેશ વધારે પ્રગાઢ અસર પાડે છે અને તે વધારે ચિરંજીવ પણ હોય છે!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.
———–

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here