ધમણ વેન્ટિલેટર રાજકોટને દેશના નકશામાં ગૌરવ અપાવશે: કલેક્ટર

 

રાજકોટઃ કોરોનાની મહામારીથી દેશવાસીઓને બચાવવા સરકારે લોકડાઉનનો નિર્ણય લીધો છે ત્યારે કોરોના સંક્રમિત દરદીઓની સંખ્યામાં વધારો થતા વેન્ટીલેટરની અછત ન સર્જાય તેનું બીડું રાજકોટના ઉદ્યોગપતિએ ઝડપ્યું હતુ. રાજકોટના જ્યોતિ સીએનસી દ્વારા શનિવારે ૧૦૦ વેન્ટીલેટર મશીન તૈયાર કરીને કલેક્ટરને સુપ્રત કર્યા હતા. આ તકે કલેક્ટરે જણાવ્યું હતુ કે, જ્યોતિ સીએનસીએ ટુંક સમયમાં પ્રોજેક્ટ પાર પાડીને બનાવેલું ‘ધમણ’ વેન્ટીલેટર રાજકોટને ભારતના નકશામાં ગૌરવ અપાવશે. રાજકોટના ઉદ્યોગપતિ જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ વેન્ટીલેટર બનાવીને સરકારને અર્પણ કરવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે થોડા દિવસ અગાઉ એક વેન્ટીલેટર બનાવીને તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે સફળ થતા આખરે સરકારે વધુ વેન્ટીલેટર બનાવવાની મંજુરી આપી હતી. શનિવારે વેન્ટીલેટરનો ૧૦૧ નંગનો પ્રથમ જથ્થો તૈયાર થઈ જતા રાજકોટ જિલ્લા કલેક્ટરને અપર્ણ કર્યો હતો. આ જથ્થો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ બિલ્ડીંગમાં ઉપયોગમાં લેવા માટે મુકી દેવામાં આવ્યા છે.

આગામી સમયમાં તૈયાર થનારા ‘ધમણ’ વેન્ટીલેટર ૧૦૦-૧૦૦ના જથ્થામાં ગુજરાતના અન્ય રાજ્યોમાં ફાળવવામાં આવશે. ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ જો વધુ જરૂરિયાત ઊભી થશે તો રાજકોટથી વેન્ટિલેટર મોકલવામાં આવશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું હતુ. રાજકોટ કલેક્ટરને ધમણ વેન્ટિલેટર સુપ્રત કરવા સમયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સથી નિઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેક્ટરો પરાક્રમસિંહ જાડેજા, મુકેશભાઇ શેઠ, અરવિંદભાઇ પટેલ, દીપકભાઇ રીંડાણી, વિક્રમભાઇ સંઘાણી, હિરેનભાઇ સોઢા અને અતુલભાઇ કાલરિયાનો આભાર વ્યક્ત કરીને તેમની દેશ સેવાને બિરદાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here