દેશમાં હવે ચુકાદા આપનારી કોર્ટ પર સવાલ ઉઠાવાઈ રહ્યા છે : મોદી

નવી દિલ્હી: ભાજપ મુખ્યાલયના વિસ્તરણનું લોકાર્પણ થઈ રહ્યું છે. તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દિલ્હી સ્થિત ભાજપ ઓફિસ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ભાજપના પ્રેરણાસ્રોત પંડિત દિનદયાળ ઉપાધ્યા અને શ્યામાપ્રસાદ મુખરજીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી. આ સમયે વડાપ્રધાને વિપક્ષ પર હુમલો કરતા કહ્યું, આજે તપાસ એજન્સીઓ પર સવાલ ઉઠાવાઈ રહ્યા છે. ભ્રષ્ટાચારીઓના મૂળીયા હલી ગયા છે. બંધારણીય સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે. ન્યાયતંત્ર સામે અને કોર્ટના ચૂકાદા સામે સવાલો થઈ રહ્યો છે.
દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય પહોંચેલા વડાપ્રધાન મોદી ઓફિસનું નિર્માણ કરનારા મજૂરોને પણ મળ્યા હતા. તેમણે પક્ષપ્રમુખ જેપી નડ્ડા સાથે પક્ષની ઓફિસમાં પૂજા-અર્ચના કરી હતી. અહીં પક્ષ તરફથી બનાવાયેલા વિસ્તારિત ઓફિસમાં રહેણાંક કોમ્પ્લેક્ષ અને ઓડિટોરિયમનું નિર્માણ કર્યું હતું. અહીં પક્ષના કાર્યકરોને સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું કે, આ કાર્યાલયની આત્મા આપણો કાર્યકર છે. આ માત્ર ભવનનો વિસ્તાર જ નથી, દરેક કાર્યકરોના સપનાંનો વિસ્તાર છે.
વિપક્ષ પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે, આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે ત્યારે કેટલાક પક્ષોએ ભ્રષ્ટાચારી બચાવો અભિયાન શરૂ કર્યું છે. બંધારણીય સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે. ન્યાય વ્યવસ્થા સામે સવાલો કરાઈ રહ્યા છે. કોર્ટના ચૂકાદાઓ પર સવાલો થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીના આ નિવેદનને રાહુલ ગાંધી પરની કાર્યવાહી સાથે જોડીને જોવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે એ પક્ષ છીએ, જેણે ઈમર્જન્સી વખતે પોતાના જ પક્ષની આહુતિ આપી હતી. આપણે એ પક્ષ છીએ, જેણે લોકસભાની બે બેઠકો સાથે પ્રવાસ શરૂ કર્યો હતો અને આજે આપણે ૩૦૩ બેઠકોવાળો પક્ષ છીએ.
આજે અનેક રાજ્યોમાં આપણને ૫૦ ટકાથી વધુ મત મળે છે. આજે ઉત્તરથી દક્ષિણ સુધી, પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપ એકમાત્ર પાન ઈન્ડિયા પક્ષ છે. પ્રધાનમંત્રીએ મોદીએ ઉમેર્યું હતું કે, ૧૯૮૪ના રમખાણો પછી ચૂંટણીમાં કોંગ્રેસને જંગી બહુમતી મળી હતી. આ તોફાનમાં આપણે લગભગ ખતમ થઈ ગયા હતા. પરંતુ આપણે આશા ગુમાવી નહોતી.
આપણે જમીન પર કામ કર્યું. પરિવારોથી ચાલતા પક્ષો વચ્ચે ભાજપ એક એવો પક્ષ છે, જે યુવાનોને આગળ આવવા માટે તક આપે છે. આજે ભારતની માતા-બહેનોનો આશીર્વાદ ભાજપ સાથે છે. તેમણે ઉમેર્યું કે થોડાક દિવસ પછી આપણો પક્ષ ૪૪મો સ્થાપના દિવસ ઊજવશે. આ યાત્રા અવિરત યાત્રા છે. આ યાત્રા સમર્પણ અને સંકલ્પોના શિખરની યાત્રા છે. તે વિચાર અને વિચારધારાના વિસ્તરણની યાત્રા છે. આપણઓ પક્ષ દેશવાસીઓના આશીર્વાદથી આગળ વધે છે. ભાજપ અખબારો અને ટીવી ચેનલોથી પેદા થયેલો પક્ષ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here