દેવું કરો અને ઘી પીઓ!

એક મિત્ર થોડા દિવસ પહેલાં એકદમ ઉશ્કેરાયેલી હાલતમાં મારે ત્યાં આવ્યા અને બોલ્યા, ‘તમે બેન્કમાં નિયમિતપણે જાવ છો?’
‘હું નિયમિતપણે બેન્કમાં જાઉં એટલી બધી આપણી બેન્કો હજી ઉદાર નથી થઈ.’ મેં કહ્યું.
‘એટલે?’
‘લોન લેવાની થાય છે ત્યારે જ મારે બેન્કમાં જવાનું થાય છે. પછી એ લોનનો હપ્તો ભરવા મહિને એક વાર બેન્કમાં જવાનું થાય છે. આપણી બેન્કો લોન આપવામાં હજી વધુ ઉદાર બને તો હું દરરોજ એક વાર બેન્કમાં જવા તૈયાર છું.’
‘બસ, આ જ મારો વાંધો છે. આપણી બેન્કો હવે લોકોને લોન લેવા માટે રીતસર ઉશ્કેરી રહી છે. લોન લઈ ઘરનું ઘર બનાવો, લોન લઈ મોટર લો, લોન લઈ ટીવી લો, લોન લઈ ફ્રિજ લો, ઓછું વ્યાજ સરળ હપ્તા, આવી જાહેરાતો બેન્કો કરી રહી છે. મારા એક સગા મકાનની લોનનો હપ્તો સોસાયટીમાં ભરી શકતા નથી; છતાં, એમણે બેન્કમાંથી લોન લઈને હમણાં મોટર લીધી છે.’
‘હું તો માનું છું કે બેન્કોએ પેટ્રોલ ભરાવવા માટે પણ લોન આપવી જોઈએ.’
‘તે આપશે. ભવિષ્યમાં આપણી બેન્કો પેટ્રોલ માટે પણ લોન આપશે! લોકોને બાર મહિનાના ઘઉં, તેલ કે ખાંડ ખરીદવા બેન્કો લોન નથી આપતી, પણ ફ્રિજ કે ટીવી ખરીદવા આપે છે. સરકાર ગામડે ગામડે પીવાનું પાણી પહોંચાડી શકતી નથી, પણ ગામડે ગામડે ઘરેઘરે મોબાઇલ પહોંચાડી દીધા.’
‘તમે યાર સમજો, આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ. એટલે દેશ એકવીસમી સદીમાં જીવી રહ્યો છે એવું લાગવું તો જોઈએ ને! પાણી તો લોકો ઈસવી સન પૂર્વે પણ પીતા હતા. લોકોને પાણી પહોંચાડીએ એમાં શી નવી વાત છે? તમે કલ્પના કરો, એકવીસમી સદીના કોઈ સરપંચ પોતાના ગામમાં પીવાનું પાણી મળતું નથી એની ફરિયાદ સેલફોન દ્વારા કરી શકે છે! આ વાત તમને રોમાંચક નથી લાગતી?’
‘તમે યાર, બધું બહુ હળવાશથી લો છો, પણ મારો તો જીવ બળી જાય છે.’ મિત્ર ખરે જ વ્યથિત હતા.
‘યાર! જીવ ન બાળો. આ રીતે જીવ બાળ્યા કરીએ તો સ્વજનોને આપણું શરીર બાળવાનો વખત ઘણો વહેલો આવે.’ મારી ઘણી સમજાવટ છતાં મિત્રની વ્યથા ઓછી ન થઈ. સરકાર જ લોકોને ગજા ઉપરાંતનું દેવું કરવા માટે પ્રેરણા આપે એ વાત એમને કોઈ રીતે ગળે ન ઊતરી.

આ મિત્રની જેમ વિચારનારા બીજા પણ કેટલાક લોકો હશે આપણે ત્યાં. જોકે હવે દેશના સદ્ભાગ્યે આવા લોકો ઓછા થતા જાય છે. દેશની પ્રજા ઝડપથી વિકાસશીલ થતી જાય છે. વિકાસ કરવો હોય તો લોનો લેવી પડે. લોન ચૂકવવા માટે પણ લોન લેવી પડે. લોનનું વ્યાજ ભરવા માટે પણ લોન લેવાની. આપણી સરકારો 1947થી એમ કરતી આવી છે. આપણી સરકારોએ ઉદાર હૃદયે લોનો લીધા કરી ન હોત તો આપણા મંત્રીઓ આટલા ઠાઠથી રહી શકત? આપણા મંત્રીઓને સામાન્ય લોકોની જેમ રહેવું પડતું હોત તો દુનિયામાં આપણે કેવા લાજી મરત! એટલે વિકાસ કરવો હોય તો લોનો લેવી જ પડે છે. ‘પછેડી પ્રમાણે સોડ તાણો’નો જમાનો ગયો. પછેડી પ્રમાણે સોડ તાણવા જઈએ તો જિંદગીભર ટૂંટિયું વાળીને સૂઈ રહેવું પડે. એના કરતાં આપણી સોડ પ્રમાણેની લાંબી પછેડી લોન લઈને મેળવવી એ જ ડહાપણનો માર્ગ છે. ચાર્વાકઋષિ કહી ગયા છે કે, ‘દેવું કરીનેય ઘી પીઓ.’ પ્રાચીન સૂત્રોનું અત્યારના જમાના પ્રમાણે અર્થઘટન કરવું જોઈએ. ‘ઘી’ એટલે અત્યારના જમાનામાં મોટર, ટીવી, ફ્રિજ, સ્કૂટર વગેરે. ચાર્વાકઋષિ અત્યારે હોત તો એમ જ કહેત કે ‘દેવું કરીને મોટર વસાવો, દેવું કરીને ટીવી-ફ્રિજ વગેરે ખરીદો.’
‘દેવું’ શબ્દ માટે સંસ્કૃતમાં ‘ઋણ’ શબ્દ છે. આપણી તો સંસ્કૃતિ જ ઋણાનુબંધની સંસ્કૃતિ છે. આ જગતમાં આપણું આગમન જ ઋણાનુબંધને કારણે થયું છે. એટલે ઋણ કહેતાં દેવું કરવાથી ગભરાવું નહિ.
દેવું કરનારને ઊંઘ નથી આવતી એવું કહેવાય છે. આવા કેટલાક લોકો હશે હજી, પણ, હવે મોટા ભાગના લોકો માટે આ સાચું નથી. મેં હંમેશાં ઉધાર લઈને, લોન લઈને ઘર ચલાવ્યું છે, પણ આ કારણે મને ઊંઘ ન આવી હોય એવું ક્યારેય બન્યું નથી. બીજાઓનો પણ કદાચ મારા જેવો જ અનુભવ હશે. મારા આવા એક ઓળખીતા છે. એમણે લોન લઈને મોટર લીધી છે. એટલે એ જે મકાનમાં ભાડે રહે છે એનું ભાડું નિયમિતપણે આપી શકતા નથી. ભાડું ન આપવું એવી એમની દાનત નથી હોતી. જૂના ભાડૂત છે એટલે ભાડુંય કંઈ બહુ ઝાઝું નથી, પણ એમની ટીવીની લોન ચાલુ હતી ત્યારે એમણે ફ્રિજ માટે પણ લોન લીધી. આ બન્ને લોન ચાલુ હતી ત્યારે એમણે એમના એક મિત્રના નામે વોશિંગ મશીનની લોન લીધી. આ ત્રણેય લોનના હપ્તા ચાલુ છે ત્યારે એમણે એક મોટરકંપની પાસેથી સરળ હપ્તાવાળી લોનથી મોટર લીધી છે. એમનો પગાર પ્રમાણમાં સારો છે, પણ આ બધા હપ્તાઓને કારણે પછી ભાડું ભરવાની જોગવાઈ રહેતી નથી. ગયા મહિનાની પહેલી તારીખે એમણે એમની ઉપર જ રહેતા એમના મકાનમાલિકને એકસાથે છ મહિનાનું ભાડું આપી દેવાનો વાયદો કર્યો હતો. ત્રીસમીએ રાત્રે તેઓ સંગીતના એક કાર્યક્રમમાં ગયા હતા ત્યાંથી મોડી રાત્રે પાછા ફર્યા. મકાનમાલિકને કરેલો પહેલી તારીખનો વાયદો એમને યાદ આવ્યો. રાત્રે દોઢ વાગ્યે એમણે મકાનમાલિકના ઘરની બેલ પોતાની દઢ આંગળીથી દબાવી. ઘરના બધા સભ્યો સમેત મકાનમાલિક સફાળા જાગી ગયા. આંખો ચોળતાં ચોળતાં એમણે દરવાજો ખોલ્યો. ભાડૂત હોવા છતાં ભાડું ન આપતા અમારા આ સ્નેહીને જોઈને ઘડીભર તો મકાનમાલિક દિગ્મૂઢ થઈ ગયા. સહેજ કળ વળતાં એમણે પૂછ્યું, ‘કેમ અત્યારે? કોઈ સાજુંમાદું થઈ ગયું છે?’
‘ના. તબિયત તો સૌની સારી છે, પણ મુરબ્બી, આવતી કાલે મારે આપને છ મહિનાનું ભાડું આપવાનું હતું.’
‘આપવાનું છે’ એમ વર્તમાનકાળમાં કહેવાને બદલે ‘આપવાનું હતું’ એમ ભૂતકાળમાં કહ્યું તેથી મકાનમાલિકના હૃદયમાં ફાળ પડી. એમણે કહ્યું, ‘હા તે અત્યારે…’
‘હું આવતી કાલે આપને ભાડું આપી શકીશ નહિ.’
‘પણ આ વાત તો તમે મને સવારે પણ કહી શક્યા હોત.’ ભાડા ઉપરાંત ઊંઘ પણ ગઈ એ ખ્યાલે નિસાસો નાખતાં મકાનમાલિકે કહ્યું.
‘હા, પણ આવતી કાલનો તો વાયદો છે. આવતી કાલનો વાયદો હું પાળી શકું તેમ ન હોઉં તો મારે આજની તારીખમાં નવો વાયદો કરી દેવો જોઈએ. આમ તો બાર વાગ્યા પછી તારીખ બદલાઈ જાય એટલે ખરેખર તો મારે બાર વાગ્યા સુધીમાં આવી જવું જોઈતું હતું. એ રીતે દોઢ કલાક મોડો આવવા બદલ હું આપની માફી માગું છું. અલબત્ત, આવતી પહેલી તારીખે સાતેય મહિનાનું ભાડું અવશ્ય આપી દઈશ.’ આટલું કહી એ પોતાને ઘેર જઈ નિરાંતે ઊંઘી ગયા. મકાનમાલિક આવતી પહેલી તારીખે ભાડું આવશે કે નહિ એ વિચારે એ રાત્રે જ નહિ, પછીની ત્રણ-ચાર રાત સરખું ઊંઘી શક્યા નહિ. પછીની પહેલી તારીખે અમારા સ્નેહીએ વાયદો પાળી બતાવ્યો. અલબત્ત, એ વખતે એમણે મોટરની લોનનો હપ્તો ન ભર્યો!
લોન લઈને મોટર, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, ઘરઘંટી, જ્યુસર-મિક્સર વગેરે લેવાં હોય અને બધી જ લોનના હપ્તા નિયમિત ભરવા હોય તો શું કરવું એ અંગે ભવિષ્યમાં માર્ગદર્શન આપવાનો મારો વિચાર છે.
અત્યારે તો ઋણરસિયા જરા આટલેથી જ અટકે છે!

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘મોજમાં રે’વું રે!’માંથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here