દુનિયા રશિયાના પરમાણુ હુમલા સામે તૈયાર રહેઃ યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી

યુક્રેનઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયાના પરમાણુ હુમલા અંગે વિશ્વને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે રશિયાના પરમાણુ હથિયારના હુમલા સામે દુનિયાએ તૈયાર રહેવાની જરૂર છે.

AFP અનુસાર કિવમાં યુક્રેનિયન પત્રકારો સાથે વાત કરતા ઝેલેન્સ્કીએ કહ્યું, આપણે એ ક્ષણની રાહ જોવી જોઈએ નહિ જ્યારે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો નિર્ણય કરે. આ માટે આપણે અગાઉથી તૈયારી કરવી જોઈએ. રશિયા કોઈ પણ હથિયારનો ઉપયોગ કરી શકે છે, મને તેના વિશે સંપૂર્ણ ખાતરી છે. એન્ટી રેડિએશન દવાઓ અને હવાઈ હુમલાથી બચવાના આશ્રયસ્થાનોની જરૂર પડશે. 

રશિયા-યુક્રેન યુદ્ધને ૫૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધોના જવાબમાં રશિયા કડક કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે જ રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટનના પીએમ બોરિસ જોનસન અને વિદેશ સચિવ લિઝ ટ્રસ સહિત ૧૦ બ્રિટિશ રાજદ્વારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આ લોકો રશિયામાં પ્રવેશી શકશે નહિ. રશિયાના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, બ્રિટનના પ્રતિકૂળ વલણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રશિયા તરફથી હવાઈ હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને સમગ્ર યુક્રેનમાં એર એલર્ટ જાહેર કરાયું છે. લોકોને નજીકના શેલ્ટરમાં જવાની સલાહ અપાઈ છે. ગમે તે સમયે હવાઈ હુમલા થઈ શકે છે. 

યુક્રેનના મૈરિયુપોલ શહેરમાં એક લાખથી વધારે લોકો પાસે ખાવા-પીવાનો સામાન નથી. આ માહિતી UN તરફથી આપવામાં આવી છે. યુક્રેનના ઈરપિનમાં ભારે ખાના-ખરાબી સર્જાઈ છે. અહીં ૭૧ ટકા ઈમારતો તબાહ થઈ ગઈ છે. ઈરપિનના મેયર એલેક્ઝેન્ડર મારકુશિનના જણાવ્યા મુજબ ૧ હજારથી વધારે ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે.

યુક્રેનની સેનાના વળતા હુમલામાં અન્ય એક રશિયન જનરલ માર્યો ગયો. સેન્ટ પીટર્સબર્ગના ગવર્નર એલેક્ઝાન્ડર બેગ્લોવના જણાવ્યા અનુસાર, મેજર જનરલ વ્લાદિમીર ફ્રોલોવ યુદ્ધમાં શહીદ થયા હતા. તેમને શનિવારે સેન્ટ પીટર્સબર્ગમાં દફનાવવામાં આવ્યા હતા. યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૭ રશિયન જનરલ માર્યા ગયા છે.

યુક્રેનને લઈ રશિયાએ વધુ આક્રમક વલણ અપનાવી લીધુ છે તો બીજી બાજુ સતત યુક્રેનને સૈન્ય મોરચે મદદ કરી રહેલા અમેરિકાને પણ ચેતવણી આપવામાં આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સ્વીકાર કર્યો છે કે આ યુદ્ધમાં તેમના ૩૦૦૦થી વધારે સૈનિકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૦ હજારથી વધારે સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે. PM જોનસન સહિત બ્રિટનના અનેક નેતાની યાત્રા પર પ્રતિબંધ બાદ બ્રિટને કહ્યું છે કે તેઓ યુક્રેનને મદદ કરવા માટે અડગ છે.

રશિયાના વિદેશ મંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા સ્કોટલેન્ડના મંત્રી નિકોલા સ્ટર્જને કહ્યું છે કે પુતિન યુદ્ધ ગુનેગાર છે અને તેમની તથા તેમના શાસનની ટીકા કરતાં ડરીશ નહિ. સ્કોટલેન્ડે રશિયાને અલગ-થલગ કરવા તથા દંડિત કરવા માટે સૌથી મજબૂત કાર્યવાહી કરવા અને યુક્રેનના લોકોનું સમર્થન કરવા માટે શક્ય તમામ પ્રયત્નની ખાતરી આપી હતી. યુક્રેને દાવો કર્યો છે કે ખાર્કિવ પર રશિયાએ ક્રુઝ મિસાઈલથી હુમલો કર્યો હતો. જેમાં બે લોકોના મોત થયા છે અને ૧૮ ઘાયલ થયા છે. 

કીવમાં પણ રશિયા તરફથી સતત મિશાઈલ હુમલા થયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. ટેલિગ્રામમાં એક અપડેટમાં શહેરના મેયર વિટાલી ક્લિટ્સસ્કોએ કહ્યું કે હવાઈ સુરક્ષાએ લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ દુશ્મનો ઘણા ક્રુર છે. ક્રેમલિન બ્રિટીશ રાજનેતાઓ સામે પ્રતિબંધોનું વિસ્તરણ કરશે, જેને રશિયા વિરોધી ઉન્માદની લહેર કહે છે. ડોમિનિક રોબ, ગ્રાન્ટ શાપ્સ, પ્રીતિ પટેલ, ઋષિ સુનક, ક્વાસી ક્વાર્ટેગ, નાદિન ડોરિસ, જેમ્સ હેપ્પી, નિકોલા સ્ટર્જન, સુએલા બ્રેવરમેન, બોરિસ જોનસન, લિઝ ટ્રસ સહિતના નેતાઓના નામને બ્લેક લિસ્ટમાં નાંખી દીધા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેન માટે ૮૦૦ મિલિયન ડોલર (લગભગ ૬,૦૮૯ કરોડ રૂપિયા)ની સૈન્ય સહાયને મંજૂરી આપી છે. જેમાં ૧૧ હેલિકોપ્ટર, ૧૮ હોવિત્ઝર તોપ અને ૩૦૦ સ્વિચબ્લેડ ડ્રોન સામેલ છે. ખાર્કિવમાં રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થયાના અહેવાલ છે. જેમાં એક ૭ મહિનાનું બાળક પણ સામેલ છે. તેમજ ૩૫ લોકો ઘાયલ થયા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here