દીપોત્સવની ઉજવણી કરવા માટે અયોધ્યાની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું એલાનઃ ફૈજાબાદનું નામ બદલીને અયોધ્યા રખાશે

0
863
Reuters

દીપાવલિના ઉત્સવમાં સહભાગી બનવા માટે ખાસ અયોધ્યાની મુલાકાતે પધારેલા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિ્ત્યનાથે જણાવ્યું હતું કે, ફૈજાબાદ જિલ્લાનું નામ હવેથી અયોધ્યા રાખવામાં આવશે. અયોધ્યા હમારી આન-બાન-શાન હૈ, ઈસકી પહેચાન ભગવાન રામ સે હોતી હૈ એટલે ફૈજાબાદ જિલ્લો હવે અયોધ્યા જિલ્લા તરીકે ઓળખાશે. અયોધ્યામાં ઉજવાઈ રહેલા દિવાળી ઉત્સવમાં ઉપસ્થિત રહેવા દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા ( પ્રમુખનાં પત્ની ) ફર્સ્ટ લેડી  કિમ- જુંગ- સુકનું મુખ્યપ્રધાને ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. યોગી આદિત્ય નાથે વિશેષમાં જણાવ્યું હતું કે, આજે આપણે આપણા ભવ્ય ભૂતકાળનું સ્મરણ કરવા માટે એકઠા થયા છીએ. યોગી આદિત્યનાથે દશરથના નામની મેડિકલ કોલેજ અને ભગવાન શ્રી રામના નામનું એરપોર્ટ બનાવવાની ઘોષણા કરી હતી. ત્યાર બાદ સરયૂના ઘાટ પર રામ કી પૈડી પર ત્રણ લાખ દીપક પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશની સરકાર દીપ પ્રાગટ્યની ઘટના ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય તે માટે પ્રયાસ કરી રહી છે.

યોગી આદિત્યનાથે દક્ષિણ કોરિયા મહિલા કિમ  જુંગ સુકની વાત કરતાં જણાવ્યું હતું કે, અયોધ્યા અને કોરિયાના સંબંધો 2000 વરસ જુનાં છે. તે સમયમાં અયોધ્યાની રાજકુમારીના લગ્ન કોરિયાના રાજકુમાર સાથે થયાં હતાં. ભવિષ્યમાં અયોધ્યા અને કોરિયા વચ્ચે પ્રવાસ- પર્યટનના ક્ષેત્રમાં વધારો થશે. અતિથિ દેવો ભવની ભારતીય સંસ્કૃતિની અભિવ્યક્તિ માટે હું કોરિયાના રાષ્ટ્રપતિનો આભાર માનું છું. તેમણે દેશનાં પ્રથમ મહિલાને દીપાવલિ ઉત્સવના  આ પ્રસંગે અહીં મોકલ્યા તે માટે હું એમનો આભાર માનું છું. અયોધ્યા અને કોરિયા વચ્ચેના સંબંધો આજે વધુ મજબૂત થયાં છે. આજે આપણે આપણા અતીત સાથે જોડાયા છીએ.

યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, જયાં દુખ કે દારિદ્રય ના હોય. જયાં સુખ અને આનંદ જ હોય એ જ ખરું રામરાજ્ય છે. આપણે  એવું રામરાજ્ય લાવીશું. અયોધ્યા સાથે કોઈ અન્યાય નહિ કરી શકે. દુનિયાની કોઈ તાકાત અયોધ્યાને અન્યાય નહિ કરી શકે.

સાઉથ કોરિયાના પ્રથમ મહિલા કિમ જુંગ સુકે પોતાને અા પ્રસંગે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો આભાર માન્યો હતો. તેમણે ઉપસ્થિત જનતાને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈક, બિહારના રાજ્યપાલ  તેમજ કેન્દ્રીય પ્રધાન વી કે સિંહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here