દાતાઓના દાનથી નડિયાદમાં શ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડીનું નવીનીકરણ


જ્ઞાતિજનોના સાથસહકારથી, વડીલોના આશીર્વાદથી અને દેશવિદેશમાં વસતા દાતાઓના માતબર દાનથી નડિયાદમાં શ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની નવીનીકરણ પામેલી વાડીનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતાઓનો સન્માન સમારંભ પણ યોજાયો હતો. બધા દાતાઓને યાદગીરીરૂપે શ્રીજીબાવાનો મોમેન્ટો આપવામાં આવ્યો હતો. ડો. સુધીર પરીખ અને ડો. દિવ્યાંગ પરીખ વતી અરૂણકુમાર શાહે સન્માનનો સ્વીકાર કર્યો હતો
નડિયાદઃ નડિયાદમાં શ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડીના નવીનીકરણનું કાર્ય તાજેતરમાં સંપન્ન થયું છે. જ્ઞાતિજનોના સાથસહકારથી, વડીલોના આશીર્વાદથી અને દેશવિદેશમાં વસતા દાતાઓના માતબર દાનથી નવીનીકરણ પામેલી વાડીનું ઉદ્ઘાટન 22મી જુલાઇ, રવિવારે કરવામાં આવ્યું હતું. વાડીના ઉદ્ઘાટન પ્રસંગે સત્યનારાયણ ભગવાનની પૂજાકથા કરવામાં આવી હતી.
સમારંભના મુખ્ય મહેમાન તરીકે જ્ઞાતિના મુખ્ય દાતા ઇલેશભાઈ પુરુષોત્તમદાસ શાહના યજમાનપદે વાડીનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. સૌપ્રથમ ઇલેશભાઈ અને તેમનાં ધર્મપત્ની દીપ્તિબહેને સત્યનારાયણ ભગવાનની પૂજા કરી હતી. ત્યાર બાદ દાતાઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સમારંભમાં જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મુખ્ય દાતા ઇલેશભાઈ શાહ અને જ્ઞાતિના ટ્રસ્ટી બંસીભાઈ પરીખ, રજનીભાઈ મોદી સહિત અન્ય અગ્રણીઓએ દીપપ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. જ્ઞાતિના સેક્રેટરી સુનીલભાઈ પરીખે વાડીનો અહેવાલ અને વાડી વિશેની વિગતવાર માહિતી આપી હતી.


જ્ઞાતિના ટ્રસ્ટી બંસીભાઈ પરીખે આવકાર પ્રવચન કરીને સૌ મહેમાનો-જ્ઞાતિજનોને આવકાર્યા હતા. મુખ્ય મહેમાન ઇલેશ શાહનું સ્વાગત બંસીભાઈ પરીખે કર્યું હતું. મુખ્ય દાતા ઇલેશ શાહનો પરિચય કારોબારી સભ્ય કમલભાઈ શાહે આપ્યો હતો. ત્યાર પછી સૌ મોટા દાતાઓને સન્માનવામાં આવ્યા હતા અને શ્રીજીબાવાનો મોમેન્ટો યાદગીરીરૂપે આપવામાં આવ્યો હતો. ઇલેશભાઈએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
મહિલા મંડળનાં પ્રમુખ મીતાબહેન કમલભાઈ શાહે તેમની આગવી છટાથી પ્રતિભાવ આપ્યો હતો. આભારવિધિ સૌરભભાઈ મોદીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્ર ચોકસીએ કર્યું હતું. ત્યાર પછી સૌ મહેમાનો-જ્ઞાતિજનોએ ભોજનનો આસ્વાદ માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વાડીના સમારકામ નિમિત્તે સ્વ. ભાનુમતીબહેન પુરુષોત્તમદાસ શાહના સ્મરણાર્થે ઇલેશ શાહ-દીપ્તિ શાહ દ્વારા રૂ. 3.75 લાખનું માતબર દાન આપવામાં આવ્યું છે.
આ વાડીના નવીનીકરણ માટે મૂળ નડિયાદના વતની અને અમેરિકાની પ્રકાશન સંસ્થા પરીખ વર્લ્ડવાઇડ મિડિયા પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન-પબ્લિશર પદ્મશ્રી ડો. સુધીર પરીખે રૂ. એક લાખનું માતબર દાન આપ્યું છે અને તેમના નાના ભાઇ ડો. દિવ્યાંગ પરીખે રૂ. 71 હજારનું દાન આપ્યું છે. ડો. સુધીર પરીખ અને ડો. દિવ્યાંગ પરીખ વતી અરૂણકુમાર શાહે સન્માનનો સ્વીકાર કર્યો હતો. જયમતીબહેન પરીખ અને પરિવારે રૂ. 66,666નું દાન આપ્યું છે તથા અન્ય દાતાઓએ પણ માતબર દાન આપ્યું છે. તેમના નામની તકતી વાડીમાં લગાવવામાં આવી છે.