ત્રીજી ટી-૨૦માં જીત સાથે ઇંગ્લેન્ડ ૨-૧થી આગળઃ ગુરુવારે ચોથી મેચ

 

અમદાવાદઃ પહેલાં બોલિંગ અને બાદમાં બેટિંગના શાનદાર દેખાવથી ત્રીજી ટી-૨૦ મેચમાં ભારત સામે ઇંગ્લેન્ડનો ૮ વિકેટે જોરદાર વિજય થયો હતો અને પાંચ મેચની શ્રેણીમાં ૨-૧થી આગળ થયું હતું. મેન ઓફ ધ મેચ જોસ બટલરે ભારતના તમામ બોલરોની ધોલાઇ કરીને બાવન દડામાં પાંચ ચોગ્ગા, ચાર છગ્ગાથી અણનમ ૮૩ રનની ઇનિંગ્સ રમી હતી. જે ભારતીય સુકાની વિરાટ કોહલીની ૭૭ રનની કલાસિક ઇનિંગ્સ પર ભારે પડી હતી. ભારતનો ૬ વિકેટે ૧પ૬ રનનો સ્કોર ઇંગ્લેન્ડે ૧૦ દડા બાકી રાખીને ૧૮.૨ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને સર કરી લીધો હતો. 

બટલર (૮૩ અણનમ) અને જોની બેયરસ્ટો વચ્ચે ત્રીજી વિકેટની અતૂટ ભાગીદારીમાં બાવન દડામાં ૭૭ રનનો વિજયી ઉમેરો થયો હતો. બેયરસ્ટો ૨૮ દડામાં પાંચ ચોગ્ગાથી ૪૦ રને અણનમ રહ્યો હતો, જ્યારે જેસન રોય ૯ અને ડેવિડ મલાન ૧૮ રને આઉટ થયા હતા. ત્રીજી ટી-૨૦ મેચમાં ભારતની પહેલી બેટિંગ અને બાદમાં બોલિંગ-ફિલ્ડિંગ કંગાળ રહી હતી. એક માત્ર કપ્તાન કોહલીએ ૭૭ રન કરીને ટીમનો ધબડકો અટકાવ્યો હતો.’ ટીમ ઇન્ડિયાનો ઘરઆંગણે પ્રથમ બેટિંગ કરતાં પાછલી ૧૦ મેચમાં આજે સાતમી હાર થઇ છે. શ્રેણીની ચોથી મેચ ગુરુવારે રમાશે. અમદાવાદના દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોની ગેરહાજરી વચ્ચે વિરાટ કોહલીની વધુ એક કેપ્ટન ઇનિંગ્સથી ત્રીજી ટી-૨૦ મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતે ૬ વિકેટે ૧પ૬ રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો. કોહલીએ તેની કેરિયરની ૨૭મી અર્ધ સદી ફટકારીને ૪૬ દડામાં ૮ ચોગ્ગા અને ૪ છગ્ગાથી ફાંકડા ૭૭ રન કરીને અણનમ રહ્યો હતો. જયારે બાકીના ટોચના તમામ ભારતીય બેટસમેનો નિષ્ફળ રહ્યા હતા. કોહલીની આક્રમક ઇનિંગથી ભારત ધબડકામાંથી ઉગરી ગયું હતું. વિરાટની સટાસટીથી ભારતે આખરી પાંચ ઓવરમાં ઇંગ્લેન્ડના બોલરોની મોટરાના ખાલી સ્ટેડિયમમાં ધોલાઇ કરીને ૬૯ રનનો બહુમૂલ્ય ઉમેરો કર્યો હતો. કોહલી અને હાર્દિક વચ્ચે છઠ્ઠી વિકેટમાં ૩પ દડામાં ૭૦ રનની શાનદાર ભાગીદારી થઇ હતી. હાર્દિક ઇનિંગના આખરી દડે ૧૭ રને આઉટ થયો હતો. તેણે ૧પ દડાની ઇનિંગમાં બે ચોગ્ગા માર્યાં હતા. ભારતના ટોચના બેટધરો રોહિત શર્મા (૧પ), કેએલ રાહુલ (૦) અને ગત મેચનો હીરો ઇશાન કિશન (૪) નિષ્ફળ રહ્યા હતા. એક તબક્કે ભારતની ૨૪ રનમાં ૩ વિકેટ પડી ગઇ હતી. આ પછી સુકાની કોહલી અને ઋષભ પંત વચ્ચે ૩૮ રનની ભાગીદારી થઇ હતી. કોહલીના એક ખરાબ કોલને લીધે પંત (૨પ) રન આઉટ થયો હતો. આ પછી અય્યર પણ ૯ રને પાછો ફર્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી માર્ક વૂડે ૩૧ રનમાં ૩ અને ક્રિસ જોર્ડને ૩પ રનમાં ૨ વિકેટ લીધી હતી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here