તો ધરતી સ્વર્ગ સે ભી મહાન હૈ!

0
937

 

આપણા દેશમાં નદીઓ છે, પર્વતો છે, ખનિજ સંપત્તિ છે, માનવી પાસે કામ કરવાની શક્તિ અને સામર્થ્ય છે, આવડત પણ છે; આ બધું જ હોવા છતાં નીયત નથી, નિષ્ઠા નથી અને તેથી દેશ વિભાજિત થતો રહે છે. સરહદ પર સૈનિકો પોતાના પ્રાણ ન્યોછાવર કરે છે અને પોલિટિશિયનો ડર્ટી પોલિટિક્સ કરીને દેશને ચૂંથી રહ્યા છે.
ભારતદેશને નક્કી કોઈની બૂરી નજર લાગી છે.
એક તરફ દલિતો પોતાના હક માટે લડે છે, તેમને અભ્યાસમાં મળતી સ્કોલરશિપ અને અન્ય ક્ષેત્રે મળતા અનામતના લાભ ઓછા પડે છે તો બીજી તરફ પાટીદારો અનામત નથી જ મળવાની એની ખાતરી હોવા છતાં અનામત માટે લડે છે, બ્રાહ્મણો પોતાના પ્રભાવ અને વર્ચસ માટે લડે છે. મુસ્લિમોને આ દેશમાં અસલામતી દેખાય છે. તેમને લઘુમતી તરીકે મળતા વિશેષ અધિકારો પણ ઓછા પડે છે. જાતિવાદના વેરઝેરમાં અને માત્ર પોતાના સ્વાર્થ માટે અંદરોઅંદર સૌ લડી રહ્યા છે. કોઈ દેશ માટે જીવતું નથી. માત્ર સ્વાર્થનાં પલાખાંમાં સૌ સડી રહ્યા છે. ક્યારેક કોઈ ફિલ્મની બાબતનો વિવાદ હોય કે ક્યારેક ક્રિકેટની રમતમાં સટ્ટાબાજીને વાત હોય, આપણે સૌ લડવા અને હિંસાત્મક આંદોલન કરવા ઊમટી પડીએ છીએ.
આપણો કોઈ મિત્ર કે આપણું કોઈ સ્વજન વિદેશનો પ્રવાસ કરીને આવે છે ત્યારે એ ત્યાંનાં ગુણગાન ગાય છે. વિદેશમાં કેવી ડિસિપ્લિન છે, ત્યાં લોકો કેવા મહેનતુ અને કેવા પ્રામાણિક છે એની વાત કરે છે. અમેરિકા, ચીન, જાપાન, દુબઈ વગેરે જેવા વિકસિત દેશોની સાથે આપણા ભારતદેશની આપણે તુલના કરીએ છીએ. આપણે વિકાસ નથી કરી શકતા એનો અજંપો અનુભવીએ છીએ, પરંતુ એનાં કારણોનો વિચાર નથી કરતા. સવા સો કરોડની વસતિ ધરાવતો આપણો દેશ અને એની પ્રજા ધારે તો શું ન કરી શકે? આપણા દેશમાં નદીઓ છે, પર્વતો છે, ખનિજ સંપત્તિ છે, માનવી પાસે કામ કરવાની શક્તિ અને સામર્થ્ય છે, આવડત પણ છે; આ બધું જ હોવા છતાં દાનત નથી, નિયત નથી, નિષ્ઠા નથી અને તેથી દેશ વિભાજિત થતો રહે છે. સરહદ પર સૈનિકો પોતાના પ્રાણ ન્યોછાવર કરે છે અને પોલિટિશિયનો ડર્ટી પોલિટિક્સ કરીને દેશને ચૂંથી રહ્યા છે. ધર્મગુરુઓ સ્વર્ગ, મોક્ષ, વૈકુંઠ અને જન્નતની લાલચમાં માણસને બહેકાવી રહ્યા છે. સંપ્રદાયના ખાબોચિયામાં છબછબિયાં કરતા છીછરા લોકોને દેશની કે રાષ્ટ્રની કોઈ પરવા નથી. કોઈને પોલીસ પર ભરોસો નથી તો કોઈને કાનૂન પર વિશ્વાસ નથી. અદાલતોમાં ત્વરિત ચુકાદો મળતો નથી. ન્યાય માટે વર્ષો સુધી આપણે પ્રતીક્ષા કરવી પડે છે.
જાપાન અને ઇઝરાયલ જેવા નાનકડા દેશ પણ તેની પ્રજાની નિષ્ઠાને કારણે વિકાસનાં શિખરો સતત સર કરતા રહે છે અને આપણો આટલો વિશાળ દેશ જાણે સતત પાછળ પડી રહ્યો છે. આપણામાં સંપ નથી, રાષ્ટ્રભક્તિ નથી, સંસ્કૃતિ પ્રત્યે સાચો પ્રેમ નથી, માત્ર વાહવાહી કરીને આડંબર કરીએ છીએ. આપણે પથ્થરને તો પૂજીએ છીએ, પણ માણસની ઉપેક્ષા કરીએ છીએ! ઈશ્વરે બનાવેલા માણસને છોડીને આપણે, માણસે બનાવેલા ઈશ્વરને વળગી પડ્યા છીએ.
સરકાર શું નથી કરતી એની ચર્ચા કરીએ છીએ, પરંતુ આપણે કરવા જેવું શું શું નથી કરતા એનો વિચાર કરવાની આપણને ફુરસદ નથી! જે દેશમાં સ્વચ્છતા જાળવવા માટે પણ સરકારે અભિયાન ચલાવવું પડે, જે દેશમાં માનવતા નિભાવવા માટે પણ ઉપદેશો આપવા પડે, જે દેશમાં લોકો જાતિવાદ માટે ધમપછાડા કરતા હોય એ દેશનો ઉદ્ધાર સ્વયં ઈશ્વર પણ ન કરી શકે!
આપણને જ્યોતિષનાં જૂઠાણાં ગમે છે, પણ વિજ્ઞાનની વાસ્તવિકતા નથી ગમતી. માણસ સિવાય જગતનો કોઈ જીવ પોતાને ગ્રહો નડતા હોય એવું સમજતો નથી, સ્વીકારતો નથી. ચોક્કસ પ્રકારના વેશધારી લોકોના જયજયકાર કરીને અને તેમનાં ચરણામૃત પીધા કરીને આપણે મોક્ષ અને વૈકુંઠ મેળવી લેવાના ધમપછાડા કરીએ છીએ. વિદેશમાં શૌચાલયો પણ જેટલાં સ્વચ્છ હોય છે, એટલાં આપણાં દેવાલયો પણ સ્વચ્છ નથી હોતાં! સ્વચ્છતા અને પવિત્રતા વચ્ચે આપણે ભારે ભેળસેળ કરી નાખી છે, એટલે પવિત્રતાના વહેમમાં આપણે ગંદકીના ખોળામાં જઈને બેસી જઈએ છીએ. કોઈ મંદિર બહારથી અસ્વચ્છ હોય છતાંય આપણે એને માત્ર પરંપરાને કારણે જ પવિત્ર માની લઈએ છીએ! કારણ કે આપણે વૈજ્ઞાનિક અભિગમ ક્યારેય સ્વીકારતા નથી. ધર્મને આપણે જીવનની શૈલી તરીકે સ્વીકારવાનો હતો, પરંતુ આપણે એને કારોબાર બનાવી દીધો છે!
એક હિન્દી કવિએ ખૂબ સરસ પંક્તિ લખી છેઃ
જાતિ-બાતિ સે બડા ધર્મ હૈ,
ધર્મધ્યાન સે બડા કર્મ હૈ,
કર્મકાંડ સે બડા મર્મ હૈ,
મગર યહાં સભી સે બડા છોટા સા ઇન્સાન હૈ,
અગર વો પ્યાર કરે તો ધરતી સ્વર્ગ સે મહાન હૈ!
ઇન્સાન અને ઈમાન આ બન્ને બાબતોની ઇજ્જત કરવાનું આપણે નથી શીખ્યા, એટલે આપણી પાસે ધર્મનાં સૂત્રો તો ઘણાં આવ્યાં, પરંતુ દેશભક્તિનો અર્થ આપણને ક્યાંયથી ન મળ્યો. આપણે સાધુને તો પવિત્ર માનીએ છીએ, પરંતુ સૈનિકને મહાન નથી માનતા. મંદિરની ધજાને વંદન કરવામાં આપણે સૌથી આગળ રહીએ છીએ અને ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ જઈએ છીએ, પરંતુ રાષ્ટ્રધ્વજને વંદન કરવામાં આપણે ફુલ્લી ફેલ થઈએ છીએ. મુંબઈના એક યુવક મંડળના મિત્રોએ તાજેતરમાં ગિરિરાજ શત્રુંજયની સ્વચ્છતા કરીને 2000 કિલોગ્રામ જેટલો કચરો અને પ્લાસ્ટિકની થેલીઓ વગેરે દૂર કર્યાં એ સારી વાત છે, એની અનુમોદના પણ કરીએ છીએ, પરંતુ સાચી જરૂર તો જ્યાં માણસોની ભીડ વસતી હોય – જ્યાં માણસોની વસતિ રહેતી હોય ત્યાં સ્વચ્છતા કરવાની છે. ગંદકીને કારણે પર્વત ઉપર રોગચાળો નથી થવાનો, પણ માનવવસ્તીમાં ગંદકીને કારણે રોગચાળો પ્રસરી શકે છે. સવાલ એટલો જ છે કે આપણે કોઈ નદીને કે પર્વતને જેટલાં પવિત્ર માનીએ છીએ એટલો પવિત્ર માણસને માનીએ છીએ કે ખરા? આપણાં વિધિવિધાનમાં કોઈ વૈજ્ઞાનિક અભિગમ જોડવા આપણે તૈયાર છીએ ખરા?
ધર્મ આપણને જોડવાનું કામ કરે એ અપેક્ષિત હતું પરંતુ ધર્મના નામે જ દેશના ટુકડા કરવામાં આપણે શૂરવીરતા બતાવીએ છીએ. આવી ધાર્મિક સંકુચિતતા અને ઝેરીલો જાતિવાદ કોઈ દેશને ન પરવડે. જો રાષ્ટ્રને સમૃદ્ધ અને સુરક્ષિત કરવું હોય તથા માણસને સુખી કરવો હોય તો આ બધું છોડ્યા વગર ચાલવાનું નથી.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here