તળાવ વચ્ચે વાવ કંકાવટી ગામની માત્રી વાવ

0
2759

સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાલા રાજપૂત શાસનમાં ઘણી વાવ બાંધવામાં આવી હતી. વાવનો મુખ્ય હેતુ વટમાર્ગુઓને પીવાનું પાણી અને આરામ કરવાની જગ્યા મળે એ હતો. મુખ્યત્વે આ કારણથી જ વાવ મુખ્ય રસ્તાઓ કે જે એક ગામને બીજા ગામથી જોડતા હોય તેના ઉપર જ બાંધવામાં આવતી. જોકે ઘણા શુષ્ક પ્રદેશોમાં વાવમાં પણ પાણી સુકાઈ જતાં હોવાથી વાવને એવી રીતે બાંધતા કે જેથી નજીકમાં નદી કે અન્ય પાણીનો સ્રોત હોય, પરંતુ આપણે જે વાવની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તે તો ગામના તળાવમાં જ બનાવવામાં આવી છે.


સ્થાનઃ ધ્રાંગધ્રા તાલુકામાં ધ્રાંગધ્રા-હળવદ રોડ ઉપર ધ્રાંગધ્રાથી આશરે 15 કિ.મી દૂર કંકાવટી ગામમાં માત્રી વાવ આવેલી છે. આ વાવ ગામ વાધાગઢ અને કંકાવટીની વચ્ચેના તળાવમાં બાંધવામાં આવેલી છે. એક આદર્શ વાવમાં જોવા મળતાં બધાં જ સ્થાપત્યો આ વાવમાં છે, પરંતુ ફક્ત તે તળાવમાં કે તળાવના થાળામાં બનાવવામાં આવેલી છે, જ્યારે અન્ય વાવો જમીનમાં ખોદીને બનાવેલી હોય છે. તળાવમાં બનાવવાનું મુખ્ય કારણ ઉનાળા દરમિયાન પણ ભૂગર્ભ જળ દ્વારા તળાવનું પાણી પણ મળતું રહે તે હશે. વાવના નીચેના માળમાં માતા માત્રીની મૂર્તિ હોવાનું મનાય છે, જેના નામ પરથી આ વાવનું નામ આપવામાં આવેલું છે.
ઐતિહાસિક પાર્શ્વભૂમિકાઃ વાવના સ્થળે મૂકવામાં આવેલી ટૂંકી માહિતી અનુસાર આ વાવ 17મી સદીમાં બનાવવામાં આવેલી છે.

સ્થાપત્યઃ વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં તળાવમાં બાંધવામાં આવેલી છે, જેમાં કૂવો પશ્ચિમ દિશામાં છે, જ્યારે પ્રવેશ પૂર્વ દિશામાં છે. બહારથી જોતાં આ વાવ નીચે ઊતરતાં પગથિયાંની બાજુની દીવાલો જમીન ઉપર જ્યાં આવે છે ત્યાં બન્ને દીવાલો ઉપર પથ્થરનો અડધો મીટર પહોળો સમાંતર પથ્થરો મૂકીને રસ્તો બનાવેલો દેખાય છે, જે પ્રવેશથી કૂવા સુધી જમીન ઉપર દેખાય છે. આ પથ્થરોનો રસ્તો વચ્ચે વચ્ચે પ્લેટફોર્મ અને આડા લાંબા પથ્થરો મૂકીને જોડાયેલો છે. આ પથ્થરોનો રસ્તો કૂવા ઉપર ગોળાકાર થઈને એકબીજા સાથે જોડાઈ જાય છે. વાવના પ્રવેશ આગળ લંબચોરસ પથ્થરોનું પ્લેટફોર્મ કે ઓસરી-ચોક જેવું બનાવેલું છે, જ્યાંથી પગથિયાં ચાલુ થાય છે. પગથિયાંઓમાં વચ્ચે વચ્ચે થાંભલાઓ ઉપર પાંચ પેવેલિયન-મંડપ ટાવર બનાવેલાં છે, જ્યારે વચ્ચે વચ્ચે ટેકારૂપ ફ્રેમવર્ક બનાવવામાં આવેલું છે. કૂવાની ઉપર જમીનના ભાગે બે પથ્થરોના બીમ મૂકવામાં આવેલા છે. મોટો બીમ કૂવાના મધ્ય ભાગમાં છે, જ્યારે અન્ય નાનો દીવાલ પાસે રહેલો છે.
વાવના પ્રવેશે ગણેશ અને ત્રિશૂળ કંડારેલાં છે. પ્રત્યેક ઉતરાણ પગથી પર મુગટયુક્ત ખાલી ગોખલા છે. ચોથા ફૂટે ત્યાં ગણેશ અને વિષ્ણુ જોવા મળે છે. અન્ય નોંધપાત્ર અલંકરણમાં ભૌમિતિક, પૌરાણિક અને પ્રાકૃતિક ભારત અને શૃંગાર શિલ્પો છે.
જ્યારે તળાવ પૂરું ભરાય છે ત્યારે સમગ્ર વાવ ડૂબી જાય છે.


તળાવમાં કંડારેલું વાવરૂપે અદ્ભુત સ્થાપત્ય ગુજરાતનું ઘરેણું છે.
વાવ – હામપુર
સ્થાન અને નામઃ હામપુર ગામ એ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રાના મુખ્ય રસ્તાથી 5 કિ.મી દૂર આવેલું છે. ગામની પશ્ચિમી ભાગોળે આ વાવ આવેલી છે. વાવને કોઈ સ્થાનિક નામ આપવામાં આવેલું નથી તેથી તે હામપુરની વાવ તરીકે જ ઓળખાય છે. આ વાવનું ચોખ્ખું પાણી હજી પણ ગામલોકો દ્વારા પીવાના ઉપયોગમાં લેવામાં આવે છે.
ઐતિહાસિક ભૂમિકાઃ ધ્રાંગધ્રા શહેરની નજીક હોવાથી હામપુર ગામ પણ ધ્રાંગધ્રાના ઝાલા રાજપૂતની સત્તા હેઠળ મોટા ભાગે આવેલું હતું.
સ્થાપત્યઃ આ વાવ ઉત્તર-દક્ષિણ દિશામાં બંધાયેલી છે, જેમાં પ્રવેશ દક્ષિણ દિશા તરફથી છે, જ્યારે કૂવો ઉત્તર દિશામાં રહેલો છે. વાવનો પ્રવેશ એક ઊંચા ઓટલા ઉપરથી થાય છે. આ ઓટલા ઉપર ચઢવા ત્રણ બાજુ પગથિયાં છે, જ્યારે ચોથી બાજુએથી વાવમાં પ્રવેશાય છે. આ ઓટલા ઉપર પથ્થરનો મંડપ (પેવેલિયન) બાંધવામાં આવેલો છે. સમગ્ર વાવનાં પગથિયાં પાંચ જમીન ઉપરના મંડપ (પેવેલિયન ટાવર) અને મંડપ વચ્ચેના ચાર બાંધકામ (ફ્રેમવર્ક) ભાગથી વિભાજિત થયેલાં છે. ચોથા મંડપ પહેલાંના ફ્રેમવર્કનો કેટલોક ભાગ તૂટી ગયેલો છે. વાવ હજી પણ ચોખ્ખું પાણી પૂ​રું પાડે છે તેમ જ વરસાદમાં પહેલા માળ સુધી પાણી ભરાઈ જાય છે.
વાવનાં પગથિયાં ઘણી લંબાઈ સુધીનાં તેમ જ પહોળાઈમાં સાંકડાં હોવાથી બાજુની દીવાલો અને પગથિયાંને રક્ષણ આપવા જમીન ઉપર મંડપ ફૂટ અને વચ્ચેનું ફ્રેમવર્ક કરવામાં આવેલું છે. પાંચમા ફૂટની પૂર્વ બાજુએ નીચે સુધી જવાની ગોળાકાર નિસરણી મૂકવામાં આવેલી છે. ફૂટની નીચે પગથિયામાં પરથાળ કે ચોક છે, જેની ચારે તરફ ચાર થાંભલાથી ટેકો અપાયેલો છે. પ્રવેશ ચોકની ઉપર બંધાયેલો પથ્થરનો મંડપ અર્ધગોળાકાર ડોમ આકારનો છે, જેને 12 થાંભલાઓનો ટેકો મળેલો છે. જોકે અર્ધગોળાકાર ડોમનું બાંધકામ તૂટી ગયેલું છે. આ પ્રકારનો પ્રવેશ અમદાવાદની દાદા હરિરની વાવમાં પણ જોવા મળે છે. વાવના કૂવાની પાણી ખેંચવાની અને સંગ્રહ કરવાની પદ્ધતિ હજી યથાવત્ જળવાયેલી છે, જેનો હજી પણ ઉપયોગ થઈ રહ્યો છે. કૂવાની ઉપર પાણી વહેવડાવવાની એક સાંકડી ચેનલ બનાવાઈ છે, જે બાજુના ખાડામાં પાણીનો સંગ્રહ કરે છે. આ ચેનલના પથ્થર ઉપર હાથીની કોતરણી જોવા મળે છે. વાવના પ્રવેશ મંડપના થાંભલા ઉપર કોતરણી જોઈ શકાય છે.
વાવની ઉપર કે આસપાસમાં કોઈ પ્રકારનું બાંધકામને લગતું લખાણ અંકિત થયેલું નથી તેથી તેના બાંધકામનું વર્ષ જાણવું મુશ્કેલ છે, પરંતુ બાંધકામ શૈલી, બાંધકામ પદ્ધતિ અને અમદાવાદની દાદા હરિરની વાવ સાથેની સામ્યતા જોતાં આ વાવ 16મી સદી કે 17મી સદીમાં બંધાઈ હશે તેમ માનવામાં આવે છે. બાંધકામ લગભગ ધ્રાંગધ્રાની નાગાજી બાવાની વાવ જેવું જ હોવાથી તેનું બાંધકામ 16મી સદીમાં વર્ષ 1525 આસપાસ થયું હોવાનું જ માનવામાં આવે છે.
આટલી જૂની વાવ કે જે એ સમયના સત્તાધીશો દ્વારા લોકોને પાણીપુરવઠા માટે બાંધવામાં આવી હતી તે હજી સુધી લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આ તે સમયના સત્તાધીશોની દૂરંદેશી બતાવે છે.

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here