તપાસતંત્રનો સરકાર દ્વારા દુરુપયોગઃ મમતા

 

બંગાળઃ બંગાળના વીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં થયેલા નરસંહાર અંગે ચારેબાજુથી ઘેરાયેલાં બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ હવે વિપક્ષી નેતાઓ અને બિન ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને દેશનું અર્થતંત્ર જોખમમાં હોવાનું જણાવ્યું છે. મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરૂપયોગનો આક્ષેપ કરતાં ભાજપ વિરૂદ્ધની લડાઈમાં બધાને એકત્ર થવા માટે અપીલ કરી છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ તરીકે લખેલા પત્રમાં મમતા બેનરજીએ ભાજપનો સામનો કરવા માટેની રણનીતિઓ પર ચર્ચા કરવા અને એકત્ર થવા તથા સૈદ્ધાંતિક વિપક્ષ બનાવવાનો સંકલ્પ લેવા માટે એક બેઠક યોજવાની પણ અપીલ કરી છે, જેથી દેશ માટે હકદાર હોય તેવી સરકાર બનાવાઈ શકે. તેમણે ઉમેર્યું હતું કે બધી જ પ્રગતિશીલ તાકતોએ એક સાથે આવવા અને ભાજપના દમનકારી શસાન સામે લડવાની જરૂર છે. મમતાએ ૨૭મી માર્ચે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હું આપને શાસક ભાજપ દ્વારા આ દેશના સંસ્થાગત લોકતંત્ર પર કરાઈ રહેલા સીધા હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવા માટે આ પત્ર લખી રહી છું. ઈડી, સીબીઆઈ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીઈસી) અને આવકવેરા વિભાગનો દુરૂપયોગ કરીને ભાજપ દ્વારા રાજકીય વિરોધીઓ સામે બદલાનું રાજકારણ રમવામાં આવી રહ્યું છે. આ એજન્સીઓ મારફત વિપક્ષના નેતાઓને નિશાન બનાવવાની સાથે જ તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે ન્યાયતંત્રના ભાગને સરકારની અસર હેઠળ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મમતાએ પત્રમાં સંસદમાં પસાર થયેલા કેટલાક બિલનો પણ ઉલ્લેખ કર્યો છે. મમતાએ લખ્યું કે, શીયાળુ સત્રમાં દિલ્હી સ્પેશિયલ પોલીસ (સંશોધન) બિલ ૨૦૨૧ની સાથે જ સીવીસી સંશોધન બિલ ૨૦૨૧ને વિપક્ષના વોકઆઉટ છતાં મરજીમુજબ પસાર કરવામાં આવ્યું છે. આ આદેશો મારફત કેન્દ્ર ઈડી અને સીબીઆઈના નિદેશકોનો કાર્યકાળ પાંચ વર્ષ વધારી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here