ડાયસ્પોરા લેખિકા રેખા પટેલનાં ત્રણ પુસ્તકોનું લોકાર્પણ

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ ગ્રીડ્સ અને એનઆરજી કમિટી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, અમદાવાદ દ્વારા અમેરિકન ગુજરાતી ડાયસ્પોરા લેખિકા રેખા પટેલનાં ત્રણ પુસ્તકો ‘એકાંતે ઝળક્યું મન’, ‘તડકાનાં ફૂલ’ અને ‘અમેરિકાની ક્ષિતિજે’ના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. તસવીરમાં રેખા પટેલ સાથે વિષ્ણુ પંડ્યા, બળવંત જાની, ડો. નીરજા ગુપ્તા, દિગંત સોમપુરા, શૈલેશભાઈ પટવારી, કે. એચ. પટેલ નજરે પડે છે. (ઇનસેટ) રેખા પટેલ અને તેમના પતિ વિનોદ પટેલનું સન્માન કરતા બળવંત જાની. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

અમદાવાદઃ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ ગ્રીડ્સ અને એનઆરજી કમિટી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, અમદાવાદ દ્વારા અમેરિકન ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય અને સોશિયલ મિડિયામાં સતત ક્રિયાશીલ લેખિકા રેખા પટેલનાં ત્રણ પુસ્તકો ‘એકાંતે ઝળક્યું મન’, ‘તડકાંના ફૂલ’ અને ‘અમેરિકાની ક્ષિતિજે’ના લોકાર્પણ અને એના વિષયક વક્તવ્યોનો કાર્યક્રમ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે રેખા પટેલના ગદ્ય વિશે ગૂજરાત વિદ્યાપીઠનાં અધ્યક્ષા ડો. ઉષા ઉપાધ્યાય અને રેખા પટેલના પદ્ય વિશે સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગનાં અધ્યાપિકા ડો. સુધા ચૌહાણે વક્તવ્યો આપ્યાં હતાં. ડાયસ્પોરા માઇગ્રેશન એન્ડ રિસર્ચ સેન્ટરનાં નિયામક ડો. નીરજા ગુપ્તા, ‘ગુજરાત ટાઇમ્સ’ના કન્સલ્ટિંગ એડિટર દિગંત સોમપુરા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શૈલેશભાઈ પટવારી અતિથિવિશેષપદે હાજર રહ્યા હતા. આ તકે એનઆરજી કમિટીના ચેરમેન અને આફ્રિકાના પૂર્વ રાજદૂત કે. એચ. પટેલે પ્રતિભાવ આપ્યો હતો.

રેખા પટેલે કહ્યું હતું કે સતત વાંચતાં રહેવાની તેમની ટેવના કારણે જ આ પુસ્તકો લખી શક્યાં છે. તેમણે લેખિકા તરીકેની પોતાની સફળતાનું શ્રેય પતિ વિનોદ પટેલને આપ્યો હતો.

રેખા પટેલની કેફિયત બાદ ગ્રીડ્સના માનદ નિયામક અને સાગર યુનિવર્સિટીના કુલાધિપતિ ડો. બળવંતભાઈ જાનીએ રેખા પટેલનું સન્માન કર્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અજયસિંહ ચૌહાણે આભારવિધિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here