ટેનિસ ખેલાડી રોજર ફેડરરે નિવૃત્તિ જાહેર કરી

 

સ્વિટઝર્લેન્ડ: સ્વિટઝર્લેન્ડના લિજેન્ડરી ટેનિસ ખેલાડીએ વિશ્ર્વભરના તેના ચાહકોને મોટો આંચકો આપતા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી છે. આગામી સપ્તાહે લંડનમાં રમાનારા લેવર કપ બાદ સ્પર્ધાત્મક ટેનિસને અલવિદા કહી દેશે. ૪૧ વર્ષીય રોજર ફેડરરની ગણના વિશ્ર્વના લિજેન્ડરી ટેનિસ ખેલાડીઓમાં થાય છે. તેણે ૨૦ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. રોજર ફેડરર ગત વર્ષે વિમ્બલડન ટુર્નામેન્ટ બાદ એક પણ મેચ રમ્યો નથી. ફેડરરે ટ્વિટર પર જાહેરાત કરતા કહ્યું હતું કે, તમે લોકો જાણો છો કે, છેલ્લા ત્રણ વર્ષથી હું ઈજા અને સર્જરીનો સામનો કર્યો છું. મેં કમબેક માટે આકરી મહેનત કરી છે, પરંતુ હું મારા શરીરની ક્ષમતા અને મર્યાદાઓ જાણું છું. તેણે હવે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. હું ૪૧ વર્ષનો છું. છેલ્લા ૨૪ વર્ષમાં હું ૧,૫૦૦થી વધુ મેચ રમી ચૂકયો છું. મેં જેનું સપનું જોયું હતું તેના કરતા પણ ટેનિસે મને ઘણું બધું આપ્યું છે. હવે મારે સ્વીકારી લેવું જોઈએ કે મારી સ્પર્ધાત્મક કારકિર્દીનો અંત આવી ગયો છે. આગામી સપ્તાહે લંડનમાં રમાનારી લેવર કપ મારી અંતિમ એટીપી ઈવેન્ટ હશે.