જામસાહેબ રણજિતસિંહજીએ ધરમપુરમાં સ્થાપેલું લેડી વિલ્સન મ્યુઝિયમ

0
1884

ગુજરાતમાં સંગ્રહાલયોની વિકાસયાત્રાના સંદર્ભમાં ઈ. સ. 1877માં સર્વપ્રથમ કચ્છ મ્યુઝિયમની સ્થાપના પછી ઈ. સ. 1921ની 22મી મેએ ગુજરાતના આ સાતમા સંગ્રહાલયની સ્થાપના વલસાડ જિલ્લાના ધરમપુર નગરમાં જામ-સાહેબ રણજિતસિંહજીના હસ્તે થઈ.
એક સમયનું રામનગર એટલે આજનું ધરમપુર. ઈ. સ. 1612માં તે સમયના મેવાડ સિસોદિયાવંશી મહારાણા રાહ્યના નાના પુત્ર રામસિંહે આ વનવગડાની ભૂમિ ઉપર આદિવાસી જાતિઓના સહયોગથી રામનગર રાજ્યની સ્થાપના કરી હતી.
આ જ વંશના મહારાણા મહાદેવજીએ પોતાના શાસનકાળની રજતજયંતીની સ્મૃતિ જાળવવા જ્યુબિલી હોલ તરીકે આ સંગ્રહાલયનું મકાન બાંધ્યું. 1921માં મુંબઈના ગવર્નર સર લેસ્લી વિલ્સનની ધરમપુરની મુલાકાતની યાદગીરી જાળવવા તેમનાં પત્ની લેડી વિલ્સનના હસ્તે 31મી જાન્યુઆરી, 1928ના દિવસે જ્યુબિલી હોલને સંગ્રહાલયમાં ફેરવી જાહેર જનતા માટે ખુલ્લો મૂકયો. આ સંગ્રહાલયનું નામ ‘લેડી વિલ્સન મ્યુઝિયમ’ રાખવામાં આવ્યું.
સંગ્રહઃ આ સંગ્રહાલયના મોટા ભાગના સંગ્રહનું શ્રેય મહારાણા વિજયદેવજીને જાય છે. તેઓએ તેમના વિશ્વપ્રવાસમાં મળેલી ભેટ-સોગાદો અને બીજી કળાત્મક વસ્તુઓ સંગ્રહાલયને આપી. તેમના આ અંગત સંગ્રહમાં જાપાની અને ચાઇનીઝ પોટરીના અદ્ભુત નમૂનાઓ છે. 2262 નમૂનાઓ દ્વારા આદિવાસી જાતિઓની લોકસંસ્કૃતિનો પરિચય પ્રસ્તુત કરવામાં આવેલો છે. આ ઉપરાંત સંગ્રહાલયમાં 3928 સિક્કાઓ, અવનવાં વસ્ત્રોનો સંગ્રહ, જરી-ભરતકામના નમૂનાઓ, વાસણો તથા ટિકિટોનો સંગ્રહ પણ સચવાયેલો છે.
વિભાગોઃ 1. કુદરતી ઇતિહાસ વિભાગઃ ખનિજો અને ખડકોના, વન્ય પશુ-પક્ષીના તેમ જ વાઘ-દીપડાના તાદશ્ય નમૂનાઓ, પ્રાણીજગતના નમૂનાઓ તથા 40 ફૂટ લાંબી વ્હેલનું હાડપિંજર પ્રદર્શિત છે.
2. ઔદ્યોગિક કલા વિભાગઃ આ વિભાગમાં ચુનાર (બંગાળ)ના માટીનાં ચમકતાં વાસણો, હાથીદાંત ઉપર કોતરકામ, લાકડાની કલાત્મક વસ્તુઓ, કાચની વસ્તુઓ, કચ્છના માટીના નમૂનાઓ ઉપરાંત ચીન, જાપાન તથા યુરોપના ચિનાઈ માટીના, પથ્થરના અને લાકડાના કોતરણીવાળા તથા લાખના નમૂના મુખ્ય છે.
3. બાળ વિભાગ ઃ વિશ્વની ઢીંગલીના નમૂનાઓ દ્વારા લોકસંસ્કૃતિ અને પહેરવેશનું અહીં દર્શન કરેલું છે.
4. માનવશાસ્ત્ર વિભાગઃ ભારત, દક્ષિણ ગુજરાત અને ધરમપુર વિસ્તારની આદિવાસી સંસ્કૃતિની સંપૂર્ણ જીવંત ઝલક જોવા મળે છે, જેમાં ભીંતચિત્રકલા, મહોરાં, ઘરેણાંઓ, પહેરવેશ તથા માટીકામના નમૂનાઓ મુખ્ય છે.
5. સંગીત વિભાગઃ વિશ્વનાં વાજિંત્રોના સંગ્રહ ઉપરાંત આદિવાસી વાદ્યોનો પણ સંગ્રહ છે. વળી જે તે સંગીત સાંભળી શકવાની પણ વ્યવસ્થા છે.
6. પિક્ચર ગેલેરીઃ પહાડી શૈલીનાં રાગ-રાગિણીનાં ચિત્રોનો સંગ્રહ મુખ્ય છે.
7. શસ્ત્ર વિભાગઃ જૂનાં શસ્ત્રોનો સંગ્રહ.
મ્યુઝિયમને જીવંત રાખવા વર્ષ દરમિયાન વિવિધ વાર્તાલાપો, ફિલ્મ શો, સ્લાઇડ શો, સંશોધકોને માર્ગદર્શન તેમ જ સંશોધન પુસ્તકાલયની સુવિધા ગોઠવવામાં આવેલા છે.
સંપર્ક ઃ ક્યુરેટર, લેડી વિલ્સન મ્યુઝિયમ, ગાર્ડન રોડ, ધરમપુર – 396050.
ફોન ઃ 02633-242055
સમય ઃ 10.30 થી 5.30. બુધવારે, બીજા- ચોથા શનિવારે તેમ જ સરકારી જાહેર રજાના દિવસોમાં બંધ રહેે છે.
પુરાવસ્તુકીય સંગ્રહાલય – જામનગરઃ
ઈ. સ. 1937માં દુકાળની પરિસ્થિતિને અનુલક્ષીને નવાનગર (જામનગર)ના જામસાહેબ રણમલજીએ રાહતકાર્યો ચાલુ કર્યાં. આ રાહતકામો દરમિયાન વિશાળ લાખોટા તળાવ બાંધવામાં આવ્યું. આ તળાવની મધ્યમાં ઐતિહાસિક ઇમારત પણ બનાવવામાં આવી. આ ઐતિહાસિક ઇમારત કે જે ગોળાકાર કોઠો હતો તેમાં શસ્ત્રો અને દારૂગોળાનો સંગ્રહ કરવામાં આવતો હતો. ઉનાળામાં રાજાનો અહીં વિરામ રહેતો. ગોળાકારે આવેલા કોઠાની બધી બાજુએ તોપ રાખેલી છે અને ચારે બાજુ નજર રહે તે માટે નાની બારીઓ બનાવેલી છે. આ ઐતિહાસિક ઇમારતમાં ગુજરાત રાજ્યના સંગ્રહાલય ખાતા દ્વારા 1946માં સંગ્રહાલય ચાલુ કરવામાં આવ્યું.
સંગ્રહઃ જામનગરથી થોડે દૂર ઈ. સ. 7મીથી 10મી સદીમાં વલભી અને સૈંધવ સમયના મૈત્રકોની રાજધાની ધૂમલી હતી. આ સમય દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્થાપત્યની શરૂઆત થઈ હતી. આ પછી આ ધૂમલી પર સોલંકીકાળના જેઠવાઓએ રાજ કરી રાજધાની બનાવી. તેમણે અનેક સ્થાપત્યો બનાવ્યાં, જે ધૂમલી પરનાં આક્રમણો દરમિયાન નાશ પામ્યાં. આ ખંડિત સ્થાપત્યોના કેટલાક અવશેષો સંગ્રહાલયમાં પ્રદર્શિત છે. શિલ્પો ધૂમલી ઉપરાંત પાછતર, ભાણવડ, ભણગોળ વગેરે જગ્યાઓએથી મેળવવામાં આવેલાં છે. આ ઉપરાંત કેટલાક શિલાલેખો, ચિત્રો, સિક્કાઓ અને પ્રાકૃતિક ઇતિહાસના નમૂનાઓ છે. કુલ 681 વસ્તુઓ અત્રે સંગ્રહિત છે.
વિભાગોઃ શિલ્પ વિભાગ – શિલ્પોમાં ધૂમલીથી મળેલી 10મી સદીના વિષ્ણુ, વરાહ, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ, ઉમા-મહેશ્વર, વિષ્ણુનાં ચરણો, બ્રહ્મા, પ્રતિહાર, બ્રહ્માણી, ઢોલવાદન કરતા ગાંધર્વો, જૈન શોભન, 9મી સદીના મહિષાસુરમર્દિની, છ હાથવાળા ગણપતિ, ભરાણાથી મળેલાં 10મી સદીના સૂર્યનાં ચરણો, પાછતરથી મળેલાં 10મી સદીનાં સૂર્યાણી, સૂર્ય અને દેવીનાં શિલ્પો મુખ્ય છે.
શિલાલેખ વિભાગ – ઈ. સ. 11મી સદીનો અર્જુનદેવ વાઘેલાનો શિલાલેખ, 14મી સદીનો કોટાથી પ્રાપ્ત પુરુષનો પાળિયો, 18મી સદીનો ચોટીલાના રથનો પાળિયો અને બીજા અનેક પાળિયાઓે અહીં પ્રદર્શિત છે.
ચિત્ર વિભાગ – આ વિભાગ મેડી તરીકે ઓળખાય છે. તે સૌથી વધુ અલંકૃત છે. મેડીની રચના મુસ્લિમ શૈલીની છે. છત પર 18મી સદીનાં શિવપુરાણનાં ચિત્રો છે. લાકડાના બારીક કોતરકામવાળાં બારણાંઓમાં અબરખ જડવામાં આવ્યું છે. અહીં જામનગરના રાજવીઓના વંશવાસીની ચિત્રિત તસવીરો, ધ્રોળ પાસે થયેલા ભૂચર-મોરીના યુદ્ધનું ઈ. સ. 1591નું ચિત્ર, જેમાં જામ અજાજી અને મોગલ સૈન્યના યુદ્ધનું ચિત્ર છે. કેટલાંક પશ્ચિમી શિલ્પોનો સંગ્રહ પણ પ્રદર્શિત છે.
પ્રાકૃતિક ઇતિહાસ વિભાગ – આ વિભાગમાં વ્હેલ માછલી તથા અન્ય પ્રાણીઓનાં અસ્થિપિંજર મૂકવામાં આવ્યાં છે.
શસ્ત્ર વિભાગ – આ વિભાગમાં દેશી ઉપરાંત અંગે્રજ, પોર્ટુગીઝ વગેરે સમયનાં શસ્ત્રો ગોઠવવામાં આવ્યાં છે.
સ્થાપત્યના ઇતિહાસના રસિકો માટે આ સંગ્રહાલય અજોડ છે. આ ઉપરાંત અહીંના પુસ્તકાલયમાં પુરાતત્ત્વ વિષયનાં અનેક દુર્લભ પુસ્તકોનો સંગ્રહ છે.
સંપર્ક ઃ ક્યુરેટર, પુરાવસ્તુકીય સંગ્રહાલય, લાખોટા, જામનગર – 361001
ફોન ઃ 0288-2678125
સમયઃ 10ઃ30થી 5ઃ30. બીજા અને ચોથા શનિવારે રજા.

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here