જાણીતા સામાજિક અગ્રણી સદ્ગત શશીકાન્ત પટેલઃ શ્રધ્ધાંજલિ

0
840

ન્યુ યોર્કઃ બૃહદ સિનિયર સેન્ટર, ન્યુ યોર્કના સ્થાપક અને પ્રમુખ શશિકાંત પટેલ 22મી એપ્રિલ, 2018ના રોજ 80 વર્ષની ઉંમરે શ્રીજીચરણ પામ્યા. સમગ્ર ગુજરાતી સમુદાયે એક અદનો, સંનિષ્ઠ, સેવાભાવી, ધાર્મિક અને સમાજનો હિતચિંતક ગુમાવ્યો.
ગુજરાતના ખેડા જિલ્લાના પીજ ગામમાં તેઓ જન્મ્યા હતા. ભારતમાંથી તેઓએ બી.કોમ. એલએલ.બી.નો અભ્યાસ પૂરો કર્યો. શશિકાંતભાઈ સન 1963માં ભારતથી પૂર્વ આફ્રિકાના યુગાન્ડામાં ગયા હતા અને ત્યાં સ્થાયી થયા હતા. સન 1973માં તેઓ તેમના પરિવાર સાથે યુએસએમાં સ્થાયી થયા હતા અને ન્યુ યોર્કમાં જ તેમની જિંદગીનાં 46 વર્ષ વિતાવ્યાં હતાં.
તેમણે ન્યુ યોર્કની અનેક સંસ્થાઓ દ્વારા અવિરત સમાજસેવા કરી.
સમાજસેવાના તેમના આગવા વિચારો હતા અને એ મૂર્તિમંત કરવા તેમણે 2009માં ન્યુ યોર્ક સિનિયર સંસ્થાની સ્થાપના કરી. ન્યુ યોર્કની જુદી જુદી સંસ્થાના સૌને તેમના વિવિધ કાર્યક્રમોમાં પ્રેમથી સામેલ કર્યા.
સમાજની ઉન્નતિ થાય, સિનિયરોને તેમના અનેકવિધ પ્રશ્નોમાં માર્ગદર્શન મળે એ હેતુથી તેમણે જુદા જુદા કાર્યક્રમો, જેવા કે મેડિકલ, લીગલ વગેરેનું આયોજન કર્યું હતું. આધ્યાત્મિક, ધાર્મિક ઉપરાંત મનોરંજન, રાસગરબા વગેરેનું પણ તેઓ આયોજન કરતા. તેઓ દિવાળી વગેરે જેવા આપણા તહેવારો ખૂબ જ ધામધૂમથી ઊજવતા. અમેરિકા અને ભારતનાં જુદાં જુદાં ક્ષેત્રોના આગેવાનો તેમના આવા પ્રસંગોમાં હાજર રહેતા.
તેઓ ન્યુ યોર્કની ઘણી બધી સંસ્થાઓ – ગુજરાતી સમાજ ઓફ ન્યુ યોર્ક, બ્રાહ્મણ સોસાયટી ઓફ ન્યુ યોર્ક, જલારામ સત્સંગ, હનુમાન મંદિર ઓફ ન્યુ યોર્ક, આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર, સિનિયર સેન્ટર ઓફ વીટીએનવાય, ઇન્ડિયા હોમ સનીસાઇડ વગેરે સાથે સંકળાયેલા હતા.
ન્યુ યોર્ક સિનિયર સંસ્થાના પ્રમુખ અને આગેવાન તરીકે કોઈ પણ કાર્યક્રમનું તેમણે કરેલું આયોજન ક્ષતિરહિત રહેતું. આઠમી માર્ચે ઊજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિનનો ઉત્સવ નવમી માર્ચ, 2018ના રોજ તેમની રાહબરી નીચે થયો, જેને ભવ્ય સફળતા મળી હતી. તેઓ અમેરિકામાં ભારતના અને અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસની પણ ઉજવણી કરતા હતા.
તેમને એક નાનો અકસ્માત થયો અને આપણા સૌના દુર્ભાગ્યે તેઓ થોડા દિવસ કોમામાં રહ્યા પછી 22મી એપ્રિલે તેમનો સ્વર્ગવાસ થયો.આદરણીય શશીકાન્તભાઈ ગુજરાત ટાઈમ્સ પવિારના સહૃદયી મિત્ર અને શુભેચ્છક હતા.ગુજરાત ટાઈમ્સ પરિવાર એમની પુનિત સ્મૃતિને નમન કરે છે. પભુ એમના આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here