ચોમાસાના રોગથી બચો

0
1159


જોજો, ચોમાસું બરોબર શરૂ થઈ જામી રહ્યું છે. ઉનાળુ સીઝનમાં માણેલાં લગ્નની ખાણીપીણી, ઠંડાં પીણાં, આઇસક્રીમ, તળેલાં ફરસાણો, મીઠાઈઓ, ફ્રિજનાં પાણી, બરફનાં પાણી વગેરે અનેક ખાદ્ય પેય ચીજોથી માણેલી મજા… આ વરસાદની સીઝનમાં બેદરકારી રાખીશું તો થોડા ઘણા હેરાન કર્યા વિના નહિ રહે અને વારંવાર થઈ જતી શરદી, અવારનવાર શ્વાસ દમના હુમલા, ઉધરસ, અજીર્ણ, મંદાગ્નિ, ગેસ કે જેઓનું પાચન મંદ હોય તેવા લોકોએ તો આ સીઝનમાં પૂરી તકેદારી રાખવી પડશે. આ ઋતુમાં શરદી, ન્યુમોનિયા, લૂ, મેલેરિયા, કમળો, મરડો, ઝાડા, ચામડીના રોગ, અજીર્ણમાં ઝાડા, કોલેરા, ઊલટી, ગેસ, મંદાગ્નિ વગેરે રોગો થઈ આવતા હોય છે. આ ઋતુમાં બાળકોની જો બરોબર કાળજી રાખવામાં ન આવે તો ઝાડા, ઝેરી ઝાડા, મરડો, ઊલટી, શરદી વગેરે રોગમાં ઝડપાતાં વાર લાગતી નથી. ખરી વાત એ છે કે આવા ભેજવાળા વાતાવરણને લઈને મોટી ઉંમરના લોકોની અને બાળકોની કુદરતી રીતે જ આંતરડાંની પાચનશકિત મંદ થઈ ગઈ હોય છે.
તમે જોજો, આ ઋતુમાં કુદરતી માખીનો ઉપદ્રવ એકદમ અસહ્ય વધી પડે છે. અને હવે તો તમે સૌ જાણો છો કે માખી એ રોગનું વાહન છે, એમ કહું તો કહી શકાય કે એ હરતો ફરતો રોગ છે. અત્યારે વિશેષ માખી વિશે કહીશ નહિ, પણ માખી બેઠેલી કોઈ ખાદ્ય ચીજ આ સીઝનમાં ખાવી નહિ. આ ઋતુમાં કેટલીયે ખાદ્ય ચીજો વેચાવા નીકળતી હોય છે. ચીજો ગુણમાં સારી હોય, પણ એ બણબણતી માખીઓથી ખરડાયેલી ચીજો ગુણમાં સારી હોય તો શા કામની? અત્યારે આવા બધા રોગોથી બચવા માટે તળાવનાં ડહોળાયેલાં પાણી કે નદીનાં પાણી, વીરડાનાં પાણી પીવાં જોઈએ નહિ. કાયમ વપરાશમાં લેવાતા કૂવાનું પાણી પીવું જોઈએ અને કાં આ સીઝનમાં પાણી ઉકાળીને પીવું જોઈએ. વરસાદની સીઝનમાં બને ત્યાં સુધી વરસાદી પાણીથી પલળવું નહિ. તેની ભેજવાળી હવા પણ ખાવી નહિ. આમ, કપડાં પલળવાની ભીનાશથી કોઈ વખત શરદી તાવ, ન્યુમોનિયા, ઉધરસ, પ્લુરસી, શ્વાસ, ઉધરસ વગેરે દર્દો થાય છે. નાનાં-મોટાં બાળકોને પણ પલળવા દેવાં નહિ. કોઈ વખત પલળવાથી કે આવી ભેજવાળી ઠંડી હવાથી ભરણી થતાં વાર લાગતી નથી. ઘણી બહેનો કાખમાં નાનાં બાળકોને તેડીને ભરવરસાદમાં ચાલી જતી હોય છે. તેમાંથી અર્ધા બાળકો માંદાં પડ્યાં વિના રહેતાં નથી.
આવી વરસાદી સીઝન અને ભેજવાળી હવામાં ઘણા શોખીનો ફ્રિજનાં પાણી પીવાનું ચાલુ રાખે છે. મોટી ઉંમરના પોતે તો પીતા હોય છે, પણ ઘરનાં નાનાં બાળકોને પણ પિવરાવતા હોય છે. અરે! ઘણા તો આવી ભરચોમસાની સીઝનમાં આઇસક્રીમ કે કોલ્ડ ડ્રિંક્સની લહેજત માણતા હોય છે. બાળકોને મૂકીને એકલા ન ખવાય, પિવાય એ લાગણીની વાત અહીં જરૂર પાળી બતાવતા હોય છે. કંઈક અજ્ઞાનતા અને કંઈક ફેશનમાં આ બનતું હોય છે, પણ તેમાં મોટા ભાગે બાળકો બીમાર પડી જતાં હોય છે.
આયુર્વેદમાં વારંવાર બહુ ભાર દઈને કહેવામાં આવે છે કે રોગ થયા પછી દવા કરાવવી પડે, તેના કરતાં પહેલેથી જ રોગ ન થાય તેવી તમારી દિનચર્યા હોય તો, કેટલીયે જાતની મુશ્કેલી, ફિકર અને વેડફાતા દવાના ખર્ચમાંથી તમે બચી શકશો. આ સીઝનમાં લીલોતરી શાકમાં જ તાજું પાણી ચડી જાય તે સામાન્ય રીતે પિત્તવાયુ કરે. ઘણી વખત પાચનમાં ગરબડ કરે અને કદાચ ખાવાં તો બહુ ન ખાવાં. પણ લીંબુનો ઉપયોગ દાળશાકમાં કે અથાણારૂપે આ સીઝનમાં કરવો. લીંબુની ખટાશ પાચનતંત્રમાં એકદમ ઉપયોગી છે અને આ ઋતુમાં મંદાગ્નિને જીવંત રાખી વાયુ, ગેસ કે અજીર્ણ થવા દેતા નહિ. એ જ રીતે, દાળ-શાકમાં લસણનો છૂટથી ઉપયોગ કરવાથી પાચનને તે મદદરૂપ બને છે, પણ ભેજથી શરીરના સ્નાયુ જે શિથિલ અને ચુસ્ત થઈ જાય તે લસણ ખાવાથી શરીર સરસ સ્ફૂર્તિવાળું રહે છે. સૂંઠ, તુલસી અને હિંગનો ઉપયોગ પણ જરૂરી છે.
આ સીઝનમાં વધુ પડતું ખાવાની ટેવ ખોટી છે. પેટને હંમેશાં થોડુ ખાલી રાખવું, નહિતર ગમે ત્યારે અજીર્ણ થવાનો સંભવ, એટલા માટે આપણી સંસ્કૃતિમાં બહેનોનાં વ્રત, ઉપવાસ, એકટાણાં, પર્યુષણ, શ્રાવણ માસનાં એકટાણાં આ બધું આપણા બાપદાદાએ સમજીને જ ગોઠવેલું છે. ઉપવાસ એકટાણાં બહુ જરૂરી છે, પણ તેમાં વધારે ફરાળી વાનગીથી દૂર રહેજો. એક બાજુ વ્રત કરવાં અને બીજી બાજુથી ફરાળની મદદથી પેટને ફુલટેન્ક કરી નાખવું તેનો કોઈ અર્થ સરતો નથી.
આ સીઝનમાં ગરમ કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. ભેજવાળી હવાથી બચાવવા ખાસ તકેદારી જરૂરી હોય છેે. એ જ પ્રમાણે આ ઋતુમાં સૂંઠ નાખેલા દૂધનો ઉકાળો તુલસીનાં પાન અને ગરમ મસાલાવાળી ચા, બાજરાની ગોળવાળી સૂંઠવાળી રાબ વગેરેનો ઉપયોગ હિતાવહ છે. આ રીતે બધી કાળજી રાખીશું તો આપણે ચોમાસા દરમિયાન વિશેષ તંદુરસ્ત રહી શકીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here