ચીનમાં કોરોના વાઇરસ ઓગસ્ટથી જ ઉદભવ્યો હોયઃ હાર્વર્ડ સંશોધનકારો

 

વોશિંગટનઃ કોરોના વાઇરસનો ચેપ આખા વિશ્વ માટે એક શાપ બનીને આવ્યો છે. હવે હાર્વર્ડ સંશોધનકારો કહે છે કે સેટેલાઇટ છબીઓના અભ્યાસો સૂચવે છે કે ઓગસ્ટના અંતથી જ ડિસેમ્બર સુધી ચીની શહેરની પાંચ હોસ્પિટલોની બહાર ટ્રાફિકમાં વધારો જોવા મળે છે. આગળ વધારાના ઓનલાઇન સર્ચ ટ્રાફીક પરથી ખબર પડી છે કે આ ઓનલાઇન સર્ચ ઉધરસ અને ઝાડા જેવા લક્ષણો પરની માહિતી માટે થઇ હતી. આ બધા પુરાવા એ વાત પર ઇશારો કરે છે કે ચીનમાં ડિસેમ્બર નહિ પણ ઓગસ્ટથી જ કોરોના ઉદભવ્યો હોઇ શકે.

જો કે, ચીને આ અભ્યાસ અને પુરાવાઓને હાસ્યાસ્પદ ગણાવી નકારી કાઢયો છે. આ અભ્યાસને નકારી કાઢતા તેણે આ અભ્યાસ બનાવટી માહિતી પર આધારિત છે એવુ કહ્યું છે. સંશોધનકારોએ વુહાનની મોટી અને ટોચની પાંચ હોસ્પિટલોની બહારના વ્યવસાયિક સેટેલાઇટ ડેટાની તપાસ કરી હતી, જેમાં ઉનાળાના અંતમાં અને પાનખર ૨૦૧૮ના ડેટાની તુલના ૨૦૧૯ના સમાન સમયગાળા સાથે કરવામાં આવી હતી.

એક કિસ્સામાં સંશોધનકારોએ ઓક્ટોબર ૨૦૧૮માં વુહાનની સૌથી મોટી હોસ્પિટલ ટિયાન્યુ હોસ્પિટલ ખાતે પાર્ક કરેલી ૧૭૧ કારની ગણતરી કરી. સેટેલાઇટ ડેટાએ તે જ સમયે વર્ષ ૨૦૧૯માં એક જ જગ્યાએ ૨૮૫ વાહનો દર્શાવ્યા હતા, જે ૬૭%નો સ્પષ્ટ વધારો સૂચવે છે. ચાઇનીઝ સર્ચ એન્જિન બાયડૂ પર કોરોનાવાઇરસના લક્ષણો સાથે સંકળાયેલા શબ્દો માટે આ જ સમયે ઓનલાઇન સર્ચ વધી ગઇ હોય તેવું જણાવાયું છે.

કોરોના વાઇરસની સમયરેખાની આસપાસના લગભગ છ મહિનાથી વધુ સમયગાળા દરમ્યાન બનેલી ચોક્કસ ઘટનાઓ હજી અસ્પષ્ટ છે. અત્યાર સુધીની માહિતી મુજબ ડિસેમ્બર ૨૦૧૯માં વુહાનમાં કેસની પ્રથમ જાણીતી ક્લસ્ટર સ્થાનિક સીફૂડ માર્કેટની આસપાસ કેનિ્દ્રત હતી, જેમાં વન્યપ્રાણીસૃષ્ટિ સહિત જીવંત પ્રાણીઓ પણ વેચાતા હતા. હાલના પરીક્ષણો સૂચવે છે કે વાઇરસ કોઈક રૂપે હાજર હતો, પરંતુ બધા કિસ્સાઓ બજાર સાથે જોડાયેલા નથી. પુરાવા સૂચવે છે કે આ વાઇરસ અગાઉ ફેલાયો હોઈ શકે છે, જેમાં એક ફ્રેન્ચ ડોક્ટરનો પણ સમાવેશ થાય છે, જેમણે જણાવ્યું હતું કે ડિસેમ્બરના અંતમાં તેના દર્દીએ કોરોનાવાઇરસ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે.

ચીન પર અમેરિકા સહિત ઘણા બધા દેશોએ કોરોના વાઇરસના ઉદ્ભવ વિશે સાચી માહિતી છુપાવવા માટે આરોપ લગાવ્યા છે. ચીનની લેબમાં આ વાઇરસ ઉદભવ્યો હોય એવા આરોપો અંગે હજી રિસર્ચ ચાલી રહી છે. કોરોના વાઇરસ હકીકતમાં કયાંથી અને કેવી રીતે ઉદભવ્યો એ અંગે ઘણા રહસ્યો છે અને કદાચ હંમેશા રહેશે.